આમચી મુંબઈ

મહારાષ્ટ્રનો પ્રોજેક્ટ ગુજરાત ગયો હોવાનો દાવો શિંદેએ ફગાવ્યો

મુંબઈ: શિવસેના (યુબીટી)ના ધારાસભ્ય વૈભવ નાઈકે આક્ષેપ કર્યો છે કે અરબી સમુદ્રમાં પ્રવાસીઓ માટે બેટરીથી ચાલતા સબમર્સિબલ વાહનનો પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ખસેડવામાં આવે તેવી મોટા ભાગે શક્યતા છે, પરંતુ મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા આ દાવો નકારી કાઢવામાં આવ્યો છે.

નાઈકના જણાવ્યા અનુસાર, બેટરીથી ચાલતા સબમર્સિબલ વ્હીકલ પ્રોજેક્ટને ૨૦૧૮માં મહારાષ્ટ્ર ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા મંજૂરી આપવામાં આવી હતી અને ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની તત્કાલીન સરકારે ૨૦૧૯માં રાજ્યના બજેટમાં તેના માટે નાણાકીય જોગવાઈ પણ કરી હતી.

જો કે, આ પ્રોજેક્ટ ક્યારેય શરૂ થયો નથી અને તે “ગુજરાતમાં શિફ્ટ થવાની સંભાવના છે, તેમણે દાવો કર્યો હતો. તેમના પક્ષના સાથીદાર અને રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે માગણી કરી હતી કે રાજ્ય સરકાર આ બાબતે ગૂંચવણની સ્પષ્ટતા કરે. “આ એક ધોળા દિવસની લૂંટ છે… તેઓ મરાઠી લોકોની નોકરીઓ છીનવી રહ્યા છે, તેમણે આરોપ લગાવ્યો. જોકે, સીએમ શિંદેએ નાઈકના દાવાને ફગાવી દીધા હતા.

શિંદેએ પત્રકારોને કહ્યું, આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રનો છે અને તે બીજે ક્યાંય જઈ રહ્યો નથી. તેના વિશે અન્ય કોઈપણ દાવાઓ પર વિશ્ર્વાસ કરશો નહીં. મેં આ અંગે ઉદ્યોગ મંત્રી ઉદય સામંત સાથે વાત કરી છે. આ પ્રોજેક્ટ રાજ્યની બહાર જઈ રહ્યો નથી. અગાઉ, વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં હીરા ઉદ્યોગ સુરતમાં શિફ્ટ થઈ રહ્યો છે અને સરકાર આ અંગે કંઈ કરી શકતી નથી. તેણે વેદાંત-ફોક્સકોન, ટાટા-એરબસ અને બલ્ક ડ્રગ પાર્ક પ્રોજેક્ટ્સ પર પણ શિંદે સરકાર પર સમાન આરોપો લગાવ્યા હતા. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button