આમચી મુંબઈ

નવા વર્ષમાં દિવાળી: મુખ્ય પ્રધાન

૨૨ જાન્યુઆરીએ બધાં મંદિરો રોશન કરવાનો આદેશ

મુંબઇ: અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દેશભરના લોકો આ મહાન પ્રસંગને માણવા આતુર છે. આ પ્રસંગે આખા શહેરને ભવ્ય રીતે શણગારવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે મુંબઈના પાલિકા કમિશનરને અહીંનાં મંદિરો અને ઈમારતોને સુશોભિત લાઈટોથી પ્રકાશિત કરવા અને ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામ મંદિરના અભિષેકના દિવસે “દિવાળીની ઉજવણી કરવા જણાવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને ૬,૦૦૦ થી વધુ લોકો યુપીના અયોધ્યા ખાતેના અભિષેક સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.

મુંબઈમાં સ્વચ્છતા અભિયાનમાં બોલતા સીએમ શિંદેએ જણાવ્યું હતું કે, “રામ મંદિરનું ઉદ્ઘાટન ૨૨ જાન્યુઆરીએ થશે. હું બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (ઇખઈ) કમિશનરને સમગ્ર મુંબઈ શહેરમાં દિવાળીની ઉજવણી કરવા કહેવા માગું છું. ત્યાં પુષ્કળ શણગારાત્મક લાઇટિંગ થવા દો. મુંબઈનાં તમામ મંદિરો અને ઈમારતો પર. “મહારાષ્ટ્રના તમામ ભાગોએ ૨૨ જાન્યુઆરીએ દિવાળી જેવા ઉત્સાહ સાથે ઉજવણી કરવી જોઈએ, એમ મુખ્ય પ્રધાન શિંદેએ એક પ્રશ્ર્નના જવાબમાં પત્રકારોને જણાવ્યું હતું
શિંદેએ એમ પણ જણાવ્યું હતું કે, રામ મંદિર સ્વ. બાળાસાહેબ ઠાકરેનું સ્વપ્ન હતું. મોદીજીએ રામ મંદિર બનાવવાનું સ્વપ્ન સાકાર કર્યું. પીએમ મોદી જે બોલે છે, તેને વાસ્તવિક બનાવવાની ખાતરી આપે છે. પછી તે રેલ્વે હોય કે એરપોર્ટ, તેઓ તેમના વચનોને અમલમાં મૂકે છે. દરેક વ્યક્તિ મોદીની ગેરંટી સ્વીકારે છે. તેમણે કરોડો ભારતીયોનાં સપનાં અને બાળાસાહેબ ઠાકરેની અયોધ્યામાં રામ મંદિરની ઈચ્છાને સાકાર કરવા બદલ પીએમ મોદીનો આભાર માન્યો હતો. શિંદેએ કહ્યું હતું કે હાલમાં દેશમાં કામ કરતી એકમાત્ર ગેરંટી પીએમ મોદીની ગેરંટી છે. ત્રણ રાજ્યો (મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ)ની તાજેતરની વિધાનસભા ચૂંટણીનાં પરિણામોએ તે સાબિત કર્યું છે.

જ્યારે તેમને પ્રશ્ર્ન કરવામાં આવ્યો હતો કે શું રામ મંદિરના ઉદ્ઘાટનનો રાજકીય લાભ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે તેમણે જવાબ આપતા જણાવ્યું હતું કે રામ મંદિર દેશના કરોડો લોકોની આસ્થાનો મુદ્દો છે. તે ક્યારેક રાજકીય મુદ્દો હોઇ શકે નહીં. જેઓ ઘરે બેસીને કામ કરવા માટે જાણીતા હતા, તેઓ કાયમ ઘરે બેસી જશે. તેઓને સખત સંદેશ મળી જશે. મતદારો તરફથી તેમને મજબૂત સંદેશ મળશે, એમ તેમણે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેનો ઉલ્લેખ કરતાં આડકતરી રીતે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે આવા લોકોએ રામ મંદિર પર કોઈ ટિપ્પણી કરતા પહેલા યોગ્ય રીતે વિચારવું જોઈએ, શિંદેએ કહ્યું હતું.

મુંબઇમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા અને તેને સ્વચ્છ બનાવવા સરકારની ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે મુંબઈમાં ૧૦ સ્થળોએ ઊંડી સફાઈની પહેલ હાથ ધરવામાં આવી હતી, જેમાં રિસાયકલ કરેલ પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પહેલમાં સીએમ શિંદેએ પણ ભાગ લીધો હતો. આ પહેલ અંતર્ગત બીચ, મોટા અને નાના રસ્તાઓ, જાહેર શૌચાલયો અને અન્ય સ્થળોની સફાઈ હાથ ધરવામાં આવી છે. સીએમ શિંદેએ આ સ્વચ્છતા અભિયાનને રાજ્યોના તમામ ભાગોમાં લઈ જવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. શિંદેએ જણાવ્યું હતું કે તેમની સરકાર આ અભિયાનના ભાગરૂપે રસ્તાના સમારકામને પણ પ્રોત્સાહિત કરી રહી છે. જો ત્યાં કેટલાક ખાલી પ્લોટ હોય તો અર્બન ફોરેસ્ટ જેવો ક્ધસેપ્ટ અમલમાં મૂકવા હાકલ કરી હતી.

મોદી ૧૨મી જાન્યુઆરીએ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું ઉદ્ઘાટન કરશે
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બારમી જાન્યુઆરીના મંગળવારના દેશના સૌથી મોટા લાંબા દરિયાઈ પુલ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (એમટીએચએલ)નું ઉદ્ઘાટન કરશે, એવી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જાહેરાત કરી હતી.

મુંબઈમાં શિવડી અને રાયગઢ જિલ્લાના ન્હાવાશેવાની વચ્ચેના ૨૧.૮ કિલોમીટર લાંબા પુલના ઉદ્ઘાટન પછી આ બંને વચ્ચેનું કાર મારફત ટ્રાવેલ ટાઈમ પંદરથી ૨૦ મિનિટ લાગશે. હાલના તબક્કે બે કલાકનો સમય લાગે છે. આ મુદ્દે એકનાથ શિંદેએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બારમી જાન્યુઆરીના એમટીએચએલનું ઉદ્ઘાટન કરશે.

આ પુલના નિર્માણને કારણે શહેરના વિકાસમાં વધારો થશે. એમટીએચએલ મુખ્યત્વે મુંબઈ-પુણે એક્સપ્રેસને જોડવાનું કામ કરશે. છ લેનનો આ પુલ ૧૬.૫ કિલોમીટર લાંબો છે, જે દરિયામાં હશે, જ્યારે ૫.૫ કિલોમીટરના ભાગ જમીન પર છે.

એમટીએચએલના નિર્માણને કારણે મુંબઈ અને નવી મુંબઈને ડાયરેક્ટ ક્નેક્ટિવિટી મળવાને કારણે ખર્ચમાં પણ ઘટાડો થશે. ઈસ્ટ-વેસ્ટની કનેક્ટિવટીને કારણે લેબર સહિત રો-મટીરિયલમાં ફણ ફાયદો થઈ શકે છે, એવું અધિકારીએ જણાવ્યું હતું. દરમિયાન વિપક્ષી પાર્ટીએ નિર્ધારિત સમયગાળામાં એમટીએચએલનું ઉદ્ધાટન કરવા માટે દબાણ હોવાને કારણે હવે ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે. સપ્ટેમ્બર મહિનામાં ૯૬ ટકા કામ પાર પાડવામાં આવ્યા પછી બાકીનું કામ પાર પાડવામાં ત્રણ મહિનાનો સમય લગાવવામાં આવ્યો છે. આ મુદ્દે ઉદ્ધવ ઠાકરે જૂથ (શિવસેના)એ સરકારની ટીકા કરતા કહ્યું હતું કે આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં બિનજરુરી વિલંબ કરવામાં આવ્યો હતો.

મુંબઈથી અયોધ્યા રેલવે સેવા શરૂ કરવાની શિંદેની વિનંતી

મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જાલના-મુંબઈ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડી હતી. આ ટ્રેન સીએસએમટી સ્ટેશને આવી ત્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેના સ્વાગત માટે હાજર હતા. ત્યારે મુખ્ય પ્રધાને મુંબઈથી અયોધ્યા સુધી આવી જ ટ્રેન શરૂ કરવાની વિનંતી રેલવે મંત્રાલયને કરી હતી. તેમણે મોદી અને કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્ર્વિની વૈષ્ણવનો આભાર માન્યો હતો. ૨૦૨૩માં રાજ્યને કુલ સાત વંદે ભારત ટ્રેન મળી છે.

મુંબઈમાં બનશે ‘ગ્રીન કૉરિડોર’
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં રવિવારે એકી સાથે ૧૦ જગ્યાએ ‘ડીપ ક્લીન’ઝુંબેશ અમલમાં મૂકવામાં આવી હતી. સવારના આ ઝુંબેશનો શુભારંભ ભારતના પ્રવેશદ્વાર ગણાતા ગેટ વે ઓફ ઈન્ડિયાથી કરવામાં આવ્યો હતો. એ દરમિયાન મુખ્ય પ્રધાને મુંબઈના ઈસ્ટર્ન એક્સપ્રેસ પરની ફૂટપાથને ઠેકાણેે ‘ગ્રીન કૉરિડૉર’ બનાવવાની જાહેરાત કરી હતી. રવિવારે મુંબઈમાં ગેટ વે ઓફ ઈન્ડિયા સહિત દસ જગ્યાએ ‘ડીપ ક્લીન’ ઝુંબેશનો આરંભ કરવામાં આવ્યો હતો. એ દરમિયાન મુંબઈમાં ચાલુ કરવામાં આવેલી સ્વચ્છતા ઝુંબેશે હવે લોકચળવળનું રૂપ ધારણ કર્યું છે. મુંબઈની આ સ્વચ્છતા ઝુંબેશ હવે સમગ્ર મહારાષ્ટ્રમાં અમલમા મૂકવામાં આવશે એવી જાહેરાત મુખ્ય પ્રધાને કરી હતી. સ્વચ્છતા ઝુંબેશ દરમિયાન મુખ્ય પ્રધાને કહ્યું હતું કે મુંબઈમાં થોડા દિવસ પહેલા ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર રહેલી ફૂટપાથ કચરા અને ગંદકી હેઠળ દબાઈ ગઈ હતી. જોકે હવે તે સપૂંર્ણ રીતે સ્વચ્છ કરવામાં આવી છે અને તે ઠેકાણે ‘ગ્રીન કૉરિડોર’ બનાવવામાં આવશે, જેથી કરીને નાગરિકો ત્યાં ગ્રીનરી (હરિયાળી)નો અનુભવ કરી શકશે.

એક તરફ મુંબઈમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે ત્યારે બીજી તરફ મુંબઈમાં ગ્રીન કવર વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તે માટે ઉપલબ્ધ ખાલી જગ્યામાં સાર્વજનિક સ્થળો પર વૃક્ષોનું વાવેતર કરવા પર ભાર આપવામાં આવવાનો છે. નોંધનીય છે કે મુંબઈ મહાનગરપાલિકાની હદને લાગીને આવેલા થાણે વિસ્તારમાં ૨૪ કિલોમીટરનો વનપટ્ટો તૈયાર કરવાનો નિર્ણય તાજેતરમાં જ લેવામાં આવ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…