મુંબઈમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નવા વર્ષનું આગમન
જડબેસલાક:… નવા વર્ષના આગમનની પૂર્વ સંધ્યાએ કોઇ અનિચ્છનિય ઘટના ન બને તેની તકેદારી લેતા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વાહનચાલકોની બ્રેથ એનલાઇઝર દ્વારા ટેસ્ટ કરવામાં આવી હતી તથા ઠેકઠેકાણે નાકાબંધી પણ ગોઠવવામાં આવી હતી. પર્યટન સ્થળો પર ખાસ કરીને દક્ષિણ
મુંબઈમાં લોકોની ભીડ જોવા મળી હતી.
(અમય ખરાડે)
મુંબઈ: નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મુંબઈના પર્યટન સ્થળો પર લોકોની ભીડ જોવા મળી હતી. રેલવે, પોલીસ, પાલિકા સહિતના પ્રશાસન દ્વારા કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. યુવતીઓની છેટડતીના બનાવને ટાળવા માટે ભીડની જગ્યા પર સાદા ડ્રેસમાં પોલીસ તહેનાત હતી.
ટ્રાફિક પોલીસ તરફથી પણ શહેરના મુખ્ય રસ્તાઓ પર નાકાબંધી ગોઠવી દેવામાં આવી હતી. ડ્રિન્ક એન્ડ ડ્રાઇવની ઘટનાને ટાળવા માટે ઠેકઠેકાણે બ્રેથ એન્લાઇઝર દ્વારા વાહનચાલકોની તપાસ કરવામાં આવી હતી. ફોર વ્હિલર, ટુ-વ્હિલર એમ તમામ વાહનોના ચાલકોની ટેસ્ટ કરવામાં આવી હતી.
એવામાં મુંબઈમાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળ્યા બાદ પોલીસતંત્ર દોડતું થયું હતું, પરંતુ આ કોલ બનાવટી હોવાનું પાછળથી જણાયું હતું. તેમ છતાં આતંકવાદીઓ દ્વારા ભીડની જગ્યા પર હુમલો કરવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ૫૦૦૦ સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવી હતી અને ૧૫,૦૦૦ જેટલા પોલીસ જવાનોને શહેરમાં તહેનાત કરાયા હતા.