ધર્મતેજ

પરમાત્મામય કાર્યશૈલી

ગીતા મહિમા -સારંગપ્રીત

ગત અંકમાં ભક્તિમાં દક્ષતાની ચર્ચા કરીને હવે ભગવાન કૃષ્ણ એક અન્ય ગુણની વાત કરી રહ્યા છે તેને સમજીએ.
“અણક્ષજ્ઞર્ષીં યૂરુખડૃષ ઈડળલણિળજ્ઞ ઉંટવ્રર્ઠીં
લમળૃફબ્ધક્ષફિટ્ટ્રૂળઉિં ્રૂળજ્ઞ પફ્રત્ટ્ટર્ઇીંં લ પજ્ઞ રુપ્ર ર્ીં ॥ ૧૨/૧૬॥
ઉપરોક્ત શ્ર્લોકમાં દર્શાવેલ ભગવાનને પ્રિય એવા ભક્તના ગુણોની ચર્ચા આપણે છેલ્લા ત્રણ લેખથી કરી રહ્યા છીએ. એ જ ચર્ચાને આગળ વધારતાં આજે અન્ય બે લક્ષણો, દુ:ખરહિત અને પરમાત્માના સંબંધ વિનાના કર્મના ત્યાગની ચર્ચા કરીશું.

આ સંસારસાગરમાં, ભરતી અને ઓટની જેમ સુખ અને દુ:ખ અવિરતપણે ચાલતી પ્રક્રિયા છે, એ જ સંસારનું સ્વરૂપ છે. જીવન એટલે જ સુખ અને દુ:ખ ભોગવવાનું કારખાનું. જો કે સુખની પળો જ્યારે જીવનમાં હોય ત્યારે જીવન ક્યાં વીતી જાય છે, તેની ખબર પડતી નથી. પણ જ્યારે દુ:ખ પ્રવેશે છે, ત્યારે એક એક પળ પણ વિતાવવી કઠણ પડે છે. એનું સૌથી ખતરનાક અંતિમ પરિણામ આત્મહત્યા છે. અરે! ઘણીવાર દુ:ખથી નાસીપાસ થયેલ વ્યક્તિ પોતાના કુટુંબીજનોને સાથે સામૂહિક આત્મહત્યા પણ કરે છે.

કદાચ આ અંતિમ સુધી કોઈ ન પહોંચે, પરંતુ ભૌતિક સુખોની પાછળ દોડતા મનુષ્ય માટે સદાય સુખની અવસ્થા મૃગજળ બને છે તે હકીકત છે. બાહ્ય પરિબળો જેવાં કે ધન, સત્તા, કીર્તિ, સ્વાસ્થ્ય, સંબંધો વગેરેમાં વૃદ્ધિ કે હાનિ થાય ત્યારે મનુષ્યનો આંતરિક પ્રતિભાવ સુખ અને દુ:ખની વ્યાખ્યા નક્કી કરે છે. કરોડપતિ વ્યક્તિ કાયમ સુખી જ રહેશે તેની કોઈ જ ગેરંટી નથી. વસ્તુત: સુખ અને દુ:ખ, એ મનની સ્થિતિ છે. દુ:ખની પળોને વ્યક્તિ કેવી રીતે વિતાવે છે તે અભિગમ પરથી જ ભગવાનનો સાચો ભક્ત સામાન્ય મનુષ્યથી જુદો પડે છે. એવું નથી કે ભગવાનના ભક્તનાં જીવનમાં દુ:ખ આવતા જ નથી. તેમને પણ દુ:ખ પડેલા જ છે. પણ એ દુ:ખ તેમને દુ:ખી કે વિચલિત નથી કરી શકતા. જેમ ક્લોરોફોર્મની અસર પામેલા દર્દીને શરીર પરની વાઢકાપની પીડા થતી નથી, તેમ ભગવાનના સાચા ભક્તને આ જગતના દુ:ખ પીડી શકતા નથી. ભક્તકવિ નરસિંહ મહેતાનું જીવન જોઈએ કે ભક્ત તુકારામનું, દરેક ભક્તનાં જીવનમાં સાંસારિક દુ:ખ તો ઘણાં આવ્યાં છે, પણ તે દુ:ખ તેમને દુ:ખ લાગ્યા જ નથી. કારણ કે જેને ભગવાન સિવાય કંઈ જોઈતું જ ન હોય તેને સાંસારિક દુ:ખ ક્યાંથી સ્પર્શી શકે?

આવા ભક્તો આ જગતમાં રહીને જે જે કાર્યો કરે છે, તેમાં પરમાત્માનું અનુસંધાન સહેજે રહે છે. પરમાત્મામય રહીને જ તેઓ દૈનિક કાર્યોમાં પ્રવૃત્ત થાય છે. સવારથી જાગે ત્યારથી શરૂ કરીને રાતના તેઓ સુવે તે દરમિયાન થતા દરેક કાર્યની સમીક્ષા કરીએ તો જણાય કે પોતાના મોજશોખ કે સાંસારિક જગતને લગતાં કોઈ કાર્યો કરવા તે તેમને માન્ય નથી. ભગવાનને ભજતાં સામાન્ય ભક્ત અને આવા સાચા ભક્તમાં ત્યાં જ તફાવત પડે છે. સામાન્ય ભક્ત મંદિરમાં દર્શન કરવા જાય છે, પૂજાપાઠ પણ કરે છે, જે સારું જ છે. પરંતુ સાથે ક્ષણિક સાંસારિક સુખમાં પણ તે આસક્ત હોય છે. આવા ભક્તનો ભગવાન સાથેનો સંબંધ ત્રુટક હોય છે. જ્યારે જે ભગવાનના સાચાં ભક્ત છે તે ચોવીસ કલાક ભગવાન સાથે અખંડ સંબંધ ધરાવે છે. ભગવાનના સંબંધવાળી ક્રિયા એટલે માત્ર ભગવાનની મૂર્તિ સામે બેસીને દર્શન, ધ્યાન, જપ કરવા એવો સંકુચિત અર્થ અહીં ન સમજવો, પરંતુ ભગવાનની સાથે સાથે સર્વ પ્રાણી માત્રના શ્રેયની ખેવના કરવી, લોક કલ્યાણ માટે પ્રવૃત્તિ કરવી તે પણ ભગવાનનું જ કાર્ય છે. જેમ મીઠા વગરનું ભોજન ગળે નથી ઊતરતું, તેમ ભગવાનનાં સંબંધ વગરની ક્રિયા સાચા ભક્તને રુચતી નથી. તેઓ અન્યને પણ ભગવાનને પ્રિય બનવાની સાધનામાં વિકાસ સાધવા પ્રેરે છે.

એક વિચરણ દરમ્યાન અમેરિકામાં સાનહોઝે (અમેરિકા) નગરમાં એક સત્સંગગોષ્ઠિમાં પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજે યુવાનોને આત્મજ્ઞાનની સ્થિતિ દૃઢ કરવા કહ્યું: “તમારે પણ તે સ્થિતિ કરવાની છે. બાળ મંડળ, કિશોર મંડળ શેના માટે છે? આધ્યાત્મિક સ્થિતિ માટે. તમને પણ આધ્યાત્મિક સુખ આવે. જ્ઞાન થશે પછી જગતમાં દુ:ખ લાગશે નહિ. આનંદ આવ્યા જ કરે. ખાઓ, પીવો, બેસો, ઊઠો પણ ભગવાનનો આનંદ આવ્યા જ કરે. પદાર્થ મળે, ન મળે એની બહુ ચિંતા ન થાય. “આવા સંતો-ભક્તો જગતમાં નહીં પણ પરમાત્મામય રહે છે. આવાં સંત માટે ભક્તકવિ મુક્તાનંદ સ્વામીએ ગાયું છે.

“જી રે ત્રિભુવન ની સંપત મળે, તોય ન તજે રે અર્ધપળ હરિધ્યાન, બ્રહ્મરૂપ થઈ હરિને ભજે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button