ધર્મતેજ

સત્યજ્ઞાન: સમયનો તકાજો

આચમન -અનવર વલિયાણી

ભગવાન બુદ્ધે એકવાર તેમના ફરમાબરદાર (આજ્ઞાંકિત) શિષ્યને ગોચરી અર્થાત્ (ભિક્ષા) લેવા પાસેના એક કસ્બામાં મોકલ્યો.

  • શિષ્ય પહેલીવાર અજાણ્યા ગામમાં જઈ રહ્યો હતો એટલે થોડો ડરતો હતો.
  • આથી એણે ભગવાનને મનમાં જાગતો પ્રશ્ર્ન પૂછ્યો જે આજના સમયમાં સત્યજ્ઞાનનો તકાજો બની રહેવા પામશે.
    પ્રશ્ર્ન: ભગવાન એ લોકો મને ભિક્ષા ન આપે તો?
    જવાબ: તો એમ સમજી તેમને દુઆ આપજે કે તને અપમાનિત તો નથી કર્યો ને!
    પ્રશ્ર્ન: અને મારું અપમાન કરે તો?
    જવાબ: તો એમ સમજી દુઆ કરજે કે તને ગાળો તો નથી આપી ને!
    પ્રશ્ર્ન: અને ગાળો આપે તો?
    જવાબ: તો એમ સમજી દુઆ કરજે કે તને માર્યો તો નથી ને!
    પ્રશ્ર્ન: અને મારે તો?
    જવાબ: તો એમ સમજી દુઆ કરજે કે તારો જાન તો નથી લીધો ને!
    વ્હાલા વાચક બિરાદરો! મૂળ વાત ધીરજ અને સબૂરીની છે, શ્રદ્ધા અને વિશ્ર્વાસની છે.
  • આજે રશિયા અને યુક્રેન.
  • ઈઝરાયલ અને પેલેસ્ટાઈન જ નહીં દુનિયાના ખૂણે ખૂણે ટેન્શન છે, જેણે યુદ્ધનું સ્વરૂપ ધારણ કરી લીધું છે, અને આ યુદ્ધ ટેન્શનનું કારણ છે. ધીરજનો અભાવ, પરસ્પર વિશ્ર્વાસનો અભાવ, નાના બાળકને એના મા-બાપ પર એકસો ટકા વિશ્ર્વાસ હોય છે. એવો વિશ્ર્વાસ પુખ્ત વયના વ્યક્તિને એકબીજા પર કેમ રહ્યો નથી? એનો જવાબ દરેક માણસે પોતાની જાત પાસે માગવાનો છે.
  • કોઈ કુશળ અભિનેતા દર્પણમાં જોઈને પોતાના પાત્રને જીવંત બનાવવાના અભિનયની પ્રેક્ટિસ કરે એ રીતે આજે જગતભરના દરેક શખસે અંતરના આયનામાં જોઈને પોતાની જાતને પૂછવાનું છે કે, * મારી ધીરજ ક્યાં ગઈ? * મારી સહનશક્તિ ક્યાં ગઈ? * આ રઘવાટ ક્યાંથી આવ્યો? * આ ઉશ્કેરાટ ક્યાંથી આવ્યો? * શું જોઈએ છે મને? શું હાંસલ કરી લેવાનું છે મને?
  • આ અને એવા પ્રશ્ર્નો દરેક માણસ પોતાને પૂછે તો ખુદ-બ-ખુદ, આપોઆપ દરેકને જવાબ મળી જશે.
    લાખ દુ:ખો કી એક હી દવા ‘ઓમ શાંતિ, શાંતિ, શાંતિ! ઓમ’.
    ભગવાનના સત્યજ્ઞાનનો બોધ:
  • આપણે જ્યારે પણ કોઈને કંઈ આપીએ દરેક પ્રકારના લેણદેણમાં આ પ્રમાણભાન રાખીએ એ સાચું જ્ઞાન – સત્યજ્ઞાન.
  • વેપારી વેપાર કરે એ નફા માટે હોય એ સાચું પણ નફો લૂંટનું પ્રમાણ ન બને એનું ધ્યાન રાખીએ.
  • કારીગર કે કામદાર માત્ર પોતાના વેતન કે આવકનો જ નહીં પોતાના કૌશલ્યથી – શ્રેષ્ઠ માલનું ઉત્પાદન કરવાનું ધ્યાન રાખે.
  • ઉદ્યોગપતિ કારખાનામાં ક્વોલિટી કંટ્રોલ સાથે જ સમષ્ટિને પોષાય તેવા ભાવનું ધ્યાન રાખે.
  • શિક્ષક જે શિક્ષણ આપે એના દ્વારા એનો વિદ્યાર્થી સમસ્ત સમાજને ઉપયોગી કંઈ રીતે થઈ શકે એનું ધ્યાન રાખે.
  • રાજકારણીઓ માત્ર ખુરશી જ નહીં, લોકોની ખુશીનો પણ વિચાર કરે એ સત્યજ્ઞાન.
    બોધ:
    દુ:ખ નિવારણ જો મનુષ્યના જીવનનો સાચો મકસદ (હેતુ) હોય તો એ માટે જે જ્ઞાન વપરાય એજ ઈન્સાનના જીવનને હસીખુશી બનાવી શકે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button