હોલીવુડ અભિનેતા ટોમ ક્રૂઝનો વીડિયો શેર કરી સ્મૃતિ ઇરાનીએ શું કહ્યું?
અમુક નેતાઓ સોશિયલ મીડિયા પર ખાસ્સા એક્ટિવ હોય છે, તેઓ અવનવા ફોટો-વીડિયો પણ શેર કરતા હોય છે, સ્મૃતિ ઇરાની પણ એમાંના એક છે, આ વખતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘ટોમ ક્રૂઝ’નો એક વીડિયો શેર કરીને તેઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
હોલીવુડ સ્ટાર ટોમ ક્રૂઝનો ફિલ્મ ‘મિશન ઇમ્પોસીબલ’ માટેના સ્ટંટસીનનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થયો હતો. અત્યંત જોખમી આ સ્ટંટમાં તેણે ઝડપથી બાઇક ચલાવીને ખાઇમાંથી કૂદવાનું હતું, અને પેરાશૂટ વડે ઉતરાણ કરવાનું હતું. જો કે એકદમ પ્રોફેશનલ અભિનેતાની જેમ પોતાના જીવની પરવા કર્યા વિના ટોમ ક્રૂઝે જાતે જ તેની અભિનય કારકિર્દીનો સૌથી પડકારજનક સ્ટંટ કરી બતાવ્યો હતો, અને ફિલ્મના નિર્દેશક સહિત તમામ ક્રૂ મેમ્બર્સની વાહવાહી મેળવી હતી. આમ તો આ સ્ટંટનું દ્રશ્ય કર્યે એક વર્ષથી પણ વધુ સમય વીતી ગયો છે, તેમ છતાં આ સ્ટંટને ટોમ ક્રૂઝે તમામ મિશન ઇમ્પોસીબલ ફિલ્મોમાં કરેલા સ્ટંટમાંથી આજદિન સુધીનો સૌથી જોખમી સ્ટંટ માનવામાં આવે છે.
સ્મૃતિ ઇરાનીએ સ્ટંટ વીડિયોને શેર કરતા કેપશન આપ્યું હતું કે, “જ્યારે તમે પરફેક્શનને નવી ઉંચાઇ પર લઈ જાઓ છો..” એટલે કે તમારા કાર્યમાં નિપુણતા મેળવવા જ્યારે તમામ હદો પાર કરો ત્યારે એક નવી જ ઉંચાઇ જોવા મળે છે.
ટોમ ક્રૂઝ એક એવા અભિનેતા છે જે પોતાની ફિલ્મોમાં ગમે તેટલા ખતરનાક સ્ટંટના દ્રશ્યો હોય તે જાતે જ કરે છે, ક્યારેય માટે કોઈ બોડી ડબલનો ઉપયોગ કરતા નથી. મિશન ઈમ્પોસિબલ સીરીઝના આ શોટ માટે તેણે ઘણી મહેનત અને હિંમત પણ બતાવી હતી. શોટમાં પરફેક્શન આવે તે માટે ટોમે એક-બે વાર નહીં પરંતુ 6 વાર તેને ભજવ્યો હતો. આ શોટ માટે તેણે તેજ ગતિએ બાઇક ચલાવીને રેમ્પ પરથી ખીણમાં કૂદકો મારવાનો હતો, એ પછી બાઇક છોડીને તેણે પેરાશૂટની મદદથી ઉતરાણ કરવાનું હતું. દેખીતી રીતે આ કાર્ય એટલું સરળ નહોતું. તેથી, જ્યાં સુધી ટોમનું પેરાશૂટ યોગ્ય સમયે ન ખુલે અને તે સુરક્ષિત રીતે પાછો ન આવે, ત્યાં સુધી સમગ્ર ફિલ્મ ક્રૂની નજર તેના પર જ હતી, અને તમામના જીવ તાળવે ચોંટેલા હતા.
આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ અને હજારો લાઈક્સ મળી ચૂક્યા છે. જો કે સ્મૃતિ ઇરાનીએ વીડિયો શેર કરતા લોકોએ તેમને ટ્રોલ પણ કર્યા હતા. એક યુઝરે આશ્ચર્ય વ્યક્ત કરતા લખ્યું કે, “રાજકારણીઓ હોલીવુડની ફિલ્મો પણ જુએ છે. આજે જ ખબર પડી.” અન્ય એક યુઝરે કટાક્ષ કર્યો, “ભારતમાં માત્ર અક્ષય કુમાર જ આ કારનામુ કરી શકે છે.” મોટાભાગના લોકોએ ટોમ ક્રૂઝના કામ પ્રત્યેના જુસ્સાની પ્રશંસા કરી છે અને લખ્યું છે કે, તેથી જ તે ટોમ ક્રૂઝ તરીકે ઓળખાય છે.