New Year પર આ છ બેંકોએ આપી અનોખી Gifts, જોઈ લો તમારી બેંક તો નથી ને?
2023નું વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે અને 2024ના નવા નક્કોર વર્ષના આગમનને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે દેશની અમુક બેંકોએ ગ્રાહકોને ખુશ કરી દે એવી ગિફ્ટ આવી છે અને બેંકોની આ ગિફ્ટને કારણે અનેક લોકોને મોટી રાહત મળી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાથી લઈને કોટક મહિન્દ્રા બેંકે ખાતાધારકોને મોટી રાહત આપી છે અને હવે આ યાદીમાં બેંક ઓફ બડોદાનું નામ પણ ઉમેરાઈ ગયું છે. બેંક ઓફ બડોદા સહિત કુલ છ બેંકો દ્વારા Fixed Depositના વ્યાજદરમાં વધારો કર્યો છે આવો જોઈએ તમારી બેંક તો નથી ને આ યાદીમાં…
બેંક ઓફ બડોદાઃ
વર્ષના અંતિમ મહિનામાં બેંક ઓફ બડોદા દ્વારા એફડીના વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો છે. બીઓબી દ્વારા એફડીના વ્યાજદર પર 10 બેસિસ પોઈન્ટ્સથી 123 બેસિસ પોઈન્ટ્સ તેમ જ 0.10 ટકાથી 1.25 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો બે કરોડ રૂપિયા કરતાં ઓછી રકમની એફડી માટે કરવામાં આવ્યો હોઈ 29મી ડિસેમ્બરથી આ નવો ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પણ બે કરોડથી ઓછી રકમની એફડીના વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો છે અને તે અનુસાર સાત દિવસથી લઈને 45 દિવસ સુધીની એફડી પર 0.50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે 46-179 દિવસની એફડી પર 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. 180-210 દિવસની એફડી પર પણ 0.50 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે અને 27મી ડિસેમ્બરથી આ નવા દર લાગુ કરવામાં આવ્યા છે.
કોટક મહિન્દ્રા બેંક
એફડીના વ્યાજદરમાં વધારો કરનારી બેંકોમાં કોટક મહિન્દ્રા બેંક ત્રીજા નંબર પર આવે છે. આ બેંક દ્વારા ત્રણ વર્ષથી પાંચ વર્ષની મેચ્યોર થનારી એફડીના વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો છે. બેંકમાં એફડી કરનારા સામાન્ય ગ્રાહકો માચે 2.75 ટકાથી 7.25 ટકા સુધીનો જ્યારે સિનીયર સિટીઝન માટે 3.35 ટકાથી 7.80 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
ડીસીબી બેંક
ડીસીબી બેંક દ્વારા પણ બે કરોડથી ઓછી રકમની એફડી પરના વ્યાજદરમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. નવા વ્યાજદર 13મી ડિસેમ્બરથી લાગુ કરવામાં આવ્યા છે. વ્યાજદરમાં વધારો કર્યા બાદ સાત દિવસથી 10 વર્ષની મુદતની એફડી પર 3.75 ટકાથી 8 ટકા સુધીનું વ્યાજ આપવામાં આવશે. સિનીયર સિટીઝનની વાત કરીએ તો તેમને 4.25 ટકાથી લઈને 8.60 ટકા સુધીનું વ્યાજ આપવામાં આવશે.
ફેડરલ બેંકઃ
ફેડરલ બેંકે 500 દિવસની એફડી પરના વ્યાજદરમાં વધારો કર્યો છે અને બેંકે 5મી ડિસેમ્બર, 2023થી આ નવા વ્યાજદર લાગુ કર્યા છે જેને કારણે હવે 7.50 ટકા વ્યાજદર આપવામાં આવે છે. આ સમયગાળા સુધી રોકાણ કરનારા સિનીયર સિટીઝનને 8.15 ટકા વ્યાજ આપવામાં આવશે. 21 મહિનાથી ત્રણ વર્ષ કરતાં ઓછા સમય માટે એફડી કરનારા ગ્રાહકોને 7.30 ટકા તો સિનીયર સિટીઝનને 7.80 ટકા વ્યાજ આપવામાં આવશે.