આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈમાં ‘ગ્રીન કૉરિડોર’ બનાવવાની મુખ્ય પ્રધાનની જાહેરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈમાં રવિવારે એકી સાથે ૧૦ જગ્યાએ ‘ડીપ ક્લીન’ઝુંબેશ અમલમાં મૂકવામાં આવી હતી. સવારના આ ઝુંબેશનો શુભારંભ ભારતના પ્રવેશદ્વાર ગણાતા ગેટ વે ઓફ ઈન્ડિયાથી કરવામાં આવ્યો હતો. એ દરમિયાન મુખ્ય પ્રધાને મુંબઈના ઈસ્ટર્ન એક્સપ્રેસ પરની ફૂટપાથને ઠેકાણેે ‘ગ્રીન કૉરિડૉર’ બનાવવાની જાહેરાત કરી હતી.

રવિવારે મુંબઈમાં ગેટ વે ઓફ ઈન્ડિયા સહિત દસ જગ્યાએ ‘ડીપ ક્લીન’ ઝુંબેશનો આરંભ કરવામાં આવ્યો હતો. એ દરમિયાન મુંબઈમાં ચાલુ કરવામાં આવેલી સ્વચ્છતા ઝુંબેશે હવે લોકચળવળનું રૂપ ધારણ કર્યું છે. મુંબઈની આ સ્વચ્છતા ઝુંબેશ હવે સમગ્ર મહારાષ્ટ્રમાં અમલમા મૂકવામાં આવશે એવી જાહેરાત મુખ્ય પ્રધાને કરી હતી.

સ્વચ્છતા ઝુંબેશ દરમિયાન મુખ્ય પ્રધાને કહ્યું હતું કે મુંબઈમાં થોડા દિવસ પહેલા ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર રહેલી ફૂટપાથ કચરા અને ગંદકી હેઠળ દબાઈ ગઈ હતી. જોકે હવે તે સપૂંર્ણ રીતે સ્વચ્છ કરવામાં આવી છે અને તે ઠેકાણે ‘ગ્રીન કૉરિડોર’ બનાવવામાં આવશે, જેથી કરીને નાગરિકો ત્યાં ગ્રીનરી (હરિયાળી)નો અનુભવ કરી શકશે.

એક તરફ મુંબઈમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે ત્યારે બીજી તરફ મુંબઈમાં ગ્રીન કવર વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તે માટે ઉપલબ્ધ ખાલી જગ્યામાં સાર્વજનિક સ્થળો પર વૃક્ષોનું વાવેતર કરવા પર ભાર આપવામાં આવવાનો છે. નોંધનીય છે કે મુંબઈ મહાનગરપાલિકાની હદને લાગીને આવેલા થાણે વિસ્તારમાં ૨૪ કિલોમીટરનો વનપટ્ટો તૈયાર કરવાનો નિર્ણય તાજેતરમાં જ લેવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button