બિહારમાં એક નવો કાંડ, ટ્રેનનો કોચ માર્કેટમાં ઘુસી ગયો અને….

ભાગલપુરઃ બિહારના મોતિહારીમાં ઓવરબ્રિજમાં વિમાન ફસાઇ જવાની ઘટના બાદ હવે બીજો કાંડ જાણવા મળ્યો છે. હવે ભાગલપુરમાં ટ્રેલર બેકાબૂ થઇ જવાથી ટ્રેનનો કોચ માર્કેટમાં ઘુસી જતા ભારે હોહા મચી ગઇ હતી. ભરી બજારની વચ્ચે ટ્રેનની બોગી જોઇને લોકો પણ ચકિત થઇ ગયા હતા. સારી વાત તો એ છે કે આ અકસ્માતમાં કોઇ જાનમાલનું નુક્સાન થયું નથી. આ ઘટના બાદ રેલવે અધિકારીઓ અકસ્માત સ્થળ પર પહોંચ્યા હતા અને તેમણે બોગી હટાવવાનું શરૂ કર્યું હતું.
મળતી વિગત મુજબ ટ્રેનના કોચને લઈને જતી ટ્રક રોડ અકસ્માતનો શિકાર બની હતી. ટ્રક રેલિંગ સાથે અથડાઈ હતી અને ટ્રકનો આગળનો ભાગ તૂટી ગયો હતો. ટ્રકનું એન્જિન કેબિન તૂટીને એક તરફ વળ્યું હતું. જો કે, આ અકસ્માતમાં ટ્રક ચાલકને કોઈ ઈજા થઈ ન હતી કે ટ્રકમાં ભરેલી ટ્રેનની ગાડીને પણ કોઈ નુકસાન થયું ન હતું. આ રીતે મોટી દુર્ઘટના ટળી હતી.
આ દુર્ઘટના ભાગલપુરના ઉલ્ટા બ્રિજ પાસે થઈ હતી. આ અકસ્માત ટ્રકની બ્રેક ફેઈલ થવાને કારણે થયો હતો, જેના કારણે ટ્રક રોડની બાજુમાં બનેલી રેલિંગ તોડીને તેમાં ઘુસી ગઈ હતી. મળતી માહિતી મુજબ, ટ્રક અચાનક વળાંક લેતી વખતે કાબૂ બહાર ગઈ હતી. ડ્રાઈવરે ઘણો પ્રયાસ કર્યો પણ તે ટ્રક પર કાબુ રાખી નહોતો શક્યો. થોડી જ વારમાં બોગી ટ્રકની ટ્રોલીમાંથી નીચે આવવા લાગી. ટ્રેનની બોગી પુર તોડીને માર્કેટમાં ઘુસી ગઇ હતી. અકસ્માત બાદ નાસભાગની સ્થિતિ સર્જાતા રસ્તો અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ ટ્રેલરનો ડ્રાઇવર ગંભીર રીતે ઘાયલ થયો છે. પોલીસે ટ્રેલરના ડ્રાઇવરને હૉસ્પિટલમાં દાખલ કર્યો છે. ટ્રેનના કોચને ક્રેનથી હટાવવામાં આવશે. જોકે, ડ્રાઇવરની સમયસૂચકતાથી મોટો અકસ્માત ટળ્યો હોવાનું લોકો જણાવી રહ્યા છે.