નેશનલ

‘રાહુલ ગાંધીને વધુ હાઇલાઇટ કરવાની જરૂર નથી..’ કોંગ્રેસ નેતાએ કેમ આપ્યું આ નિવેદન?

ભોપાલ: કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા દિગ્વિજયસિંહના ભાઇ અને પૂર્વ સાંસદ લક્ષ્મણસિંહે રાહુલ ગાંધી વિશે એક મોટું નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું હતું કે તમે લોકોએ રાહુલ ગાંધીને આટલા હાઇલાઇટ ન કરવા જોઇએ. તેઓ ફક્ત એક સાધારણ સાંસદ છે. જે પ્રકારે કોંગ્રેસના અન્ય સાંસદો છે એની જેમ જ તેઓ પણ એક સાંસદ છે.

શનિવારે મધ્યપ્રદેશના ગુના સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં અમુક પત્રકારોએ કહ્યું હતું કે લોકસભામાં ભાષણ આપતી વખતે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીનો ચહેરો ટીવી પર ઓછા પ્રમાણમાં દેખાય છે. ત્યારે લક્ષ્મણસિંહે તેનો જવાબ આપતા કહ્યું હતું કે રાહુલ ગાંધી એક સાધારણ સાંસદ છે. જે રીતે પાર્ટીના બાકીના સાંસદ છે તે જ રીતે. તેઓ કોંગ્રેસના એક કાર્યકર્તા છે તેનાથી વિશેષ કંઇ નથી.

તેમણે પત્રકારોને વધુમાં જણાવ્યું, “તમારે લોકોએ રાહુલ ગાંધીને એટલા હાઇલાઇટ ન કરવા જોઇએ. વ્યક્તિ જન્મથી નહિ પરંતુ તેના કર્મોથી મોટો બને છે. હું રાહુલ ગાંધીને મોટો નેતા નથી માનતો, તમારે પણ એવું માનવાની જરૂર નથી. તેઓ એક સાધારણ સાંસદ છે. તેમને કોઇ ફરક નથી પડતો કે તમે તેમને હાઇલાઇટ કરો છો કે નહિ.”

ઉલ્લેખનીય છે કે લક્ષ્મણસિંહે ગયા મહિને મધ્યપ્રદેશની ચૂંટણીમાં ગુના જિલ્લાની ચાચૌડા વિધાનસભા બેઠકથી ભાજપની ઉમેદવાર પ્રિયંકા પેંચીને 61 હજારથી વધુ મતોથી હરાવી હતી. તેઓ પાંચ વખત સાંસદ તથા 3 વાર ધારાસભ્ય રહી ચુક્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button