bye bye 2023: બોલીવૂડમાં આ વર્ષ રહ્યું હીરોનું, એકને બાદ કરતા હીરોઈનો ન બતાવી શકી કમાલ
બોલીવૂડમાં સદનસીબે ઘણા સમયથી હીરોઈન સેન્ટ્રીક ફિલ્મો બની રહી છે અને લોકોને ગમી પણ રહી છે. માત્ર ગ્લેમરસ લાગતી, ગીતો ગાતી અને અલકઝકલ દેખાતી હીરોઈનો કરતા ફિલ્મની વાર્તાના કેન્દ્ર સ્થાને રહેતી હીરોઈનો ઘણી છે અને તે તેમના ખભે ફિલ્મનો ભાર ઉપાડી પણ લે છે. જોકે આ વર્ષે આવી ફિલ્મોને સારો પ્રતિસાદ ન મળ્યો. જે ફિલ્મો આવી તે બૉક્સઓફિસ પર સફળ ન થઈ. બીજી બાજુ અસલ હીરોગીરી બતાવતા હીરો મેલ સ્ટારની ફિલ્મોએ ધૂમ મચાવી. પઠાણ, ગદર, જવાન, એનિમલ, સલાર અને ડંકી જેવી ફિલ્મોમાં હીરો સેન્ટરમાં રહ્યો. જોકે હીરોઈનોની સારી ભૂમિકાવાળી ફિલ્મો આવી તો ખરી. જેમાં કંગના રનૌટની તેજસ, રાની મુખરજીની નોર્વે એન્ડ મિસિસ. ચેટરજી વગેરેનો સમાવેશ થાય છે, પરંતુ આ ફિલ્મોને ધારી સફળતા ન મળી. જ્યારે એક ફિલ્મ એવી હતી જેણે ખૂબ જ કમાણી કરી અને આ ફિલ્મ ત્રણ હીરોઈનો પર આધારિત હતી. ધ કેરળ સ્ટોરી. આ ફિલ્મે અપેક્ષા કરતા સારું પ્રદર્શન કર્યુ અને ફિલ્મની મુખ્ય હીરોઈન અદા શર્માએ પહેલી વખત આટલું નામ કમાયું તેમ જ ફિલ્મને એકલા હાથે સફળતાની સીડી ચડાવી.
જેમની પાસેથી અપેક્ષા હતી તે દીપિકા પદુકોણ પઠાણ અને જવાન બન્નેમાં દેખાઈ પણ કંઈ ખાસ ઉકાળી શકી નહીં. આલિયા ભટ્ટની રોકી ઔર રાની આવી પણ તે મલ્ટિ સ્ટારર ફિલ્મ હતી આથી આલિયા સિવાય પણ બધાને ક્રેડિટ મળી. કંગનાની તેજસ કંઈ તેજ બતાવી શકી નહીં. નિવેદીતોમાં સારા અલી ખાનની જરા હટકે જરા બચકે લોકોને ગમી પણ સારાને તેનો ખાસ કોઈ લાભ મળ્યો નહીં. તબ્બુની ભૂલભૂલૈયા સારી રહી પણ તે પણ મલ્ટી સ્ટારર હતી જ્યારે ભોલા લગભગ પિટાઈ ગઈ. કટરિના ટાઈગર-3માં સલમાન સાથે જોવા મળી પણ તેના ફાઈટ સિન્સ લોકોને એટલા રિઝવી શક્યા નહીં. ક્રિતી સેનનને જે ફિલ્મથી બહુ અપેક્ષા હતી તે આદિપુરુષ વિવાદોનો ભોગ બની અને કૃતિ પણ વિવાદોમાં રહી, પણ ફિલ્મમાં સીતામાતાના પાત્રમાં તે દર્શકોને જચી નહીં. તેની ટાઈગર શ્રોફ સાથેની ગણપત પણ ફ્લોપ નિવડી. રાતોરાત નેશનલ ક્રશ બનેલી રશ્મિકા મંદાના એનિમલમાં લોકોની નજર ઓછી આવી જ્યારે સાઈડ રોલ કરી તૃપ્તી ડમરી મહેફીલ લૂંટી ગઈ. જોકે ફિલ્મ તૃપ્તીના જોરે ચાલી તેમ કહી શકાય નહીં.
આ વર્ષે ઓટીટી પર કાજોલ અને કરિના કપૂર બે મોટા નામે ડેબ્યુ કર્યું. કાજોલની ટ્રાયલ કોર્ટરૂમ ડ્રામા હોવા છતાં ને કાજોલે કીસિંગ સિન આપ્યો હોવા છતાં ન ચાલી જ્યારે લસ્ટ સ્ટોરીમાં તેના એપિસૉડે લોકોનું થોડુંઘણુ ધ્યાન દોર્યું. તો કરિના કપૂરે જાનેજાંથી ડેબ્યુ કર્યું પણ તેની મર્ડર મિસ્ટ્રી એટલી વાહવાહી મેળવી ન શકી. આ રીતે આ વર્ષ ફિલ્મોને ધ્યાનમા રાખીએ હીરોઈનો માટે ખાસ કઈ ઉપજાવનારું કે યાદગાર બન્યું નહીં. તેના કરતા ઉલટું દર્શકોને જે રીતે હીરોગીરીવાળી ફિલ્મો ગમે છે અને આલ્ફા મેન જેવો કૉન્સેપ્ટ ચાલી રહ્યા છે તે જોતા હીરોઈન સેન્ટ્રીક ફિલ્મો આગળ કેટલી બનશે અને કેટલી ચાલશે તે વિષય ચર્ચા માગી લે તેવો બની ગયો છે.