Gujarat: ટ્રેનમાં બૉમ્બ મૂકાયાનો ફોન કરનાર કરવા જઈ રહ્યો હતો આત્મહત્યા
અમદાવાદઃ અમદાવાદ સ્ટેશન પર પહોંચેલા એક મુસાફરની ટ્રેન છૂટી જતા તેણે ટ્રેનમાં બૉમ્બ હોવાનો ફોન ગઈકાલે કર્યો હતો અને મહેસાણા ખાતે ટ્રેન રોકવામાં આવી હતી. જોકે પોલીસે તેને મહેસાણા સ્ટેશનથી પકડી લીધો હતો, પરંતુ હવે એમ જાણવા મળ્યું છે કે આ મુસાફર આત્મહત્યા કરવાના વિચાર સાથે ટ્રેનમાં ચડ્યો હતો. ત્યારે એક તરફ પોલીસે રેલવે પ્રવાસીઓના પડીકે બંધાયેલા જીવ ને રાહત આપી હતી ત્યારે આ માણસનો પણ જીવ બચાવ્યો હતો, તેમ કહેવું ખોટું કહેવાશે નહીં.
અમદાવાદ સ્ટેશનથી 11.20 ઉપડેલી જમ્મુતાવી ટ્રેન અમિત સિંહ નામનો પ્રવાસી ચૂકી ગયો હતો. તેણે અમદાવાદ પોલીસ કન્ટ્રેલ રૂમને ફોન કર્યો કે ટ્રેનમાં બૉમ્બ છે. આ ટ્રેનને મહેસાણા રેલવે સ્ટેશન પર રોકવામાં આવી અને આખી ટ્રેન બૉમ્બ સ્કવોડની મદદથી ચેક કરવામા આવી, જેમાં લગભગ દોઢેક કલાક માટે ટ્રેન મોડી પડી હતી. આ ટ્રેનમાં એક નધણિયાતી બેગ પડી હતી, જેમા એક પાકિટ હતું અને તેમાં આરોપીનો મોબાઈલ નંબર લખ્યો હતો. આરોપી જોધપુર જવાનો હતો અને ત્યાં જઈ તેણે આત્મહત્યા કરવાનું વિચાર્યું હતું, પરંતુ ટ્રેન છૂટી જતા તે હતાશ થઈ ગયો અને હતાશામાં તેણે પોલીસને ફોન કરી દીધો હતો.
અમદાવાદ અને મહેસાણા પોલીસના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આરોપી મૂળ રાજસ્થાનનો છે અને અમદાવાદમાં કામ કરતો હતો. થોડા સમયથી રોજગાર ન હોવાથી આર્થિક રીતે ભીંસ અનુભવતો હતો, આથી પોતાને ગામ જઈ આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો. તેની બેગમાંથી ઝેરની બોટલ પણ મળી આવી હતી. હાલમાં તેને સારવાર માચે લઈ જવામાં આવ્યો છે અને તે બાદ તેની સામે કાર્યવાહી કરવામાં આવશે, તેમ જાણવા મળ્યું છે.