બાબરી મસ્જિદ માટે આખી જિંદગી કેસ લડનાર આ વ્યક્તિએ પીએમ મોદી પર કરી પુષ્પવર્ષા..
ભવ્ય રામમંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન વિધિના કાર્યક્રમની આમંત્રણ પત્રિકા સૌથી પહેલા ઇકબાલ અન્સારીને મળી હતી.
શનિવારે પ્રભુ શ્રીરામની નગરી અયોધ્યામાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યા ધામ રેલવે સ્ટેશન, અમૃત ભારત ટ્રેનનું લોકાર્પણ, અયોધ્યા એરપોર્ટનું લોકાર્પણ સહિતની અનેક વિકાસકાર્યોની ભેટ આપી હતી. તેમણે ભવ્ય રોડ-શો યોજી લોકોને સંબોધન પણ કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે ઐતિહાસિક રામમંદિરના ઉદ્ઘાટનની આખું વિશ્વ રાહ જુએ છે. તેમણે લોકોને રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને દિવાળીના તહેવારની જેમ દિવા પ્રગટાવીને ઉજવવાની અપીલ કરી હતી.
લાખોની ભીડ પીએમ મોદીની એક ઝલક મેળવવા અયોધ્યાના રસ્તા પર ઉમટી પડી હતી. ત્યારે આ ભીડમાં એક એ ચહેરો પણ હતો જેણે રામમંદિર-બાબરી મસ્જિદના જમીન વિવાદમાં મસ્જિદ માટે લાંબી કાયદાકીય લડાઇ લડ્યો હતો.
આ વ્યક્તિનું નામ છે ઇકબાલ અન્સારી, તે અને તેનો પરિવાર બાબરી મસ્જિદ માટે સતત સંઘર્ષ કરતા રહ્યા. તેના પિતા હાશીમ અન્સારી આ જમીન વિવાદમાં સૌથી જૂના વાદી હતા, તેઓ જીવનના અંતિમ શ્વાસ સુધી લડ્યા હતા. 2016માં તેમના અવસાન બાદ ઇકબાલ અન્સારીએ તેમના તરફથી કોર્ટમાં રજૂઆતો કરતા હતા.
અગાઉ, ઇકબાલ અન્સારી, હાજી મહબૂબ અને મોહમ્મદ ઉમરે સ્પષ્ટપણે અયોધ્યા વિવાદના કોઈપણ કોર્ટની બહાર સમાધાનને નકારી કાઢ્યું હતું. અયોધ્યામાં સ્થાનિક મુસ્લિમોની બેઠકમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે મુસ્લિમો મસ્જિદને અન્ય કોઈ સ્થળે ખસેડશે નહીં.
જો કે તે પછી 9 નવેમ્બર, 2019 ના રોજ સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં વિવાદિત સ્થળ પર સરકારી ટ્રસ્ટ દ્વારા રામ મંદિરના નિર્માણને સમર્થન આપ્યું હતું અને ચુકાદો આપ્યો હતો કે અયોધ્યામાં મસ્જિદ માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે.
એ જ ઇકબાલ અન્સારી વડા પ્રધાનનો કાફલો જ્યારે પસાર થઇ રહ્યો હતો ત્યારે અન્ય સામાન્ય અયોધ્યવાસીઓની જેમ જ રસ્તાની બાજુમાં ઊભા હતા, પીએમ પસાર થયા કે તરત તેમણે તેમના પર પુષ્પવર્ષા કરી હતી અને એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું.