નવા વર્ષ નિમિત્તે મુંબઇમાં રેવ પાર્ટી પર પોલીસનો દરોડો, 100 છોકરા-છોકરીઓની ધરપકડ
થાણેઃ આપણે છાશવારે રેવ પાર્ટીઓ પર પોલીસના દરોડા પડ્યા એવા સમાચાર વાચતા હોઇએ છે. આવું વાંચીને આપણને સહેજે વિચાર થાય કે આજનો યુવા વર્ગ કઇ દિશામાં જઇ રહ્યો છે. આવો જ એક કિસ્સો હાલમાં જાણવા મળ્યો છે. નવા વર્ષની ઉજવણી થવા પહેલા જ પોલીસે મુંબઈને અડીને આવેલા થાણેમાં ચાલી રહેલી રેવ પાર્ટીનો પર્દાફાશ કર્યો છે. થાણે પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ પાર્ટી વિરુદ્ધ કાર્યવાહી કરી અને 100થી વધુ યુવકોની અટક કરી છે.
100થી વધુ યુવાનોની અટકાયત કર્યા બાદ પોલીસે તેમની મેડિકલ તપાસ હાથ ધરી છે. આ લોકો પર આ રેવ પાર્ટીમાં ડ્રગ્સ લેવાનો આરોપ છે. પોલીસે રાત્રે લગભગ 2 વાગ્યે આ દરોડો પાડ્યો હતો. એ સમયે પાર્ટીમાં એલએસડી, ચરસ, ગાંજા જેવા ડ્રગ્સ પણ મળી આવ્યા હતા. આ રેવ પાર્ટીનું આયોજન મુંબઈને અડીને આવેલા થાણેના ઘોડબંદર રોડ પર કરવામાં આવ્યું હતું. રેવ પાર્ટીમાં યુવકો ઉપરાંત 12 યુવતીઓની પણ અટકાયત કરવામાં આવી છે. ઝડપાયેલા મોટાભાગના યુવાનો ડ્રગ્સનું સેવન કરતા હતા.
આ પાર્ટી ખાનગી પ્લોટમાં ચાલી રહી હતી અને આ પાર્ટીમાં એલએસડી, ચરસ, ગાંજાની સાથે ચિલમ, દારૂ જેવા અનેક નશીલા પદાર્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. આ રેવ પાર્ટીનો માસ્ટર માઈન્ડ કલવા ડોમ્બિવલી વિસ્તારનો રહેવાસી છે.
પોલીસે રેવ પાર્ટીમાં ભાગ લેનારા લોકોના 19 ટુ-વ્હીલર પણ જપ્ત કર્યા છે. ધરપકડ કરાયેલા તમામ લોકોને મેડિકલ તપાસ માટે થાણે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. વધુ તપાસ ચાલી રહી છે.