ઉત્સવ

૨૦૨૪… આવી રહ્યું છે મુડીબજારમાં ધરખમ પરિવર્તનના પરિબળો લઈને…!

આ બધા પરિબળ આર્થિક ક્ષેત્રની દિશા બદલવામાં કેવાક ઉપકારક સાબિત થશે એ આવો, આપણે જાણી લઈએ…

ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા

૨૦૨૩ પહેલાં જ સોશ્યલ સ્ટોક એકસચેંજ કાર્યરત થઈ ગયું, પ્રથમ એનજીઓ (નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન) ઉન્નતિ ફાઉન્ડેશન’નું લિસ્ટિંગ પણ થયું. શેરબજારના બેન્માર્ક ઈન્ડાયસિસે નવી ઊંચાઈના રેકોર્ડ બનાવ્યા. હવે ૨૦૨૪માં રાજકીય તખ્તા પર લોકસભાની આગામી ચૂંટણીનો મહા જંગ ખેલાવાનો છે, જેના પર સૌની મીટ મંડાઈ ગઈ છે.

બીજી બાજુ, શેરબજારમાં સોદાઓનું સેટલમેન્ટ વધુ ઝડપી બનાવવાની તૈયારી થઈ ગઈ છે અર્થાત, શેરબજારમાં ઈન્સ્ટન્ટ સેટલમેન્ટ થઈ શકશે, સવારે સોદા કરો અને એ જ દિવસે સાંજ સુધીમાં શેર અથવા નાણાં જમા થઈ જાય એવી વ્યવસ્થા આકાર પામી રહી છે. નિયમન તંત્ર સેબી’ માત્ર એક-બે નહી, અનેક સુધારા માટે સજજ થઈ રહયું છે.

વરસ ૨૦૨૪માં ભારતીય મુડીબજારમાં ધરખમ પરિવર્તન આવી રહ્યા છે.નિયમન તંત્ર સેબી’ (સિકયોરિટીઝ એન્ડ એકસચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા) એ તાજેતરમાં કેટલાંક એવા નિર્ણયો જાણવા-સમજવા જેવા છે.

પ્રથમ વાત તો જેની સૌથી વધુ અસર શેરબજારના ઓવરઓલ કામકાજ પર થવાની છે તે શેરબજારમાં સોદા કર્યા બાદ આપણા ખાતામાં શેર અથવા નાણાં ’ટી પ્લસ વન સેટલમેન્ટ’ મુજબ બીજા કે ત્રીજા દિવસે જમા થઈ જાય એવી સુવિધા કામ કરી રહી છે. સેબીએ આને હવે ટી પ્લસ ઝીરો સેટલમેન્ટ’ અર્થાત સોદો કરો તેના સમાન અથવા બીજા દિવસે જ આ કામ થઈ જાય એવી સુવિધા માર્ચ ૨૦૨૪ સુધીમાં દાખલ કરવાનો નિર્ણય લીધો છે. અમુક વરસ અગાઉ જયારે આપણે ટી પ્લસ ૧૫’ ના સમયમાં હતા તેને યાદ કરીએ તો આ સમય ઉત્તમમાં ઉત્તમ લાગે એ સહજ છે.
સેબી કઈ રીતે અમલ કરવા માગે છે?

સેબીના પ્રસ્તાવ મુજબ સોદાની સેટલમેન્ટ સાઈકલ વધુ નાની કરવાનાં પ્રથમ તબકકામાં ટી પ્લસ’ના વિકલ્પ રૂપે ટી પ્લસ ઝીરો’ સેટલમેન્ટ ઓફર થશે, જેમાં સવારથી ૧.૩૦ સુધી થયેલા સોદાને એ જ દિવસે ૪.૩૦ સુધીમાં સેટલ કરી દેવાના રહેશે. એટલે કે દોઢ સુધીમાં જે કોઈ લે-વેચના સોદા થયા હશે તેના શેર્સ અને નાણાંનો વ્યવહાર ૪.૩૦ સુધીમાં જ પતાવી દેવાનો. અર્થાત, વેચનારના એકાઉન્ટમાં નાણાં અને ખરીદનારના ખાતાામાં શેર જમા થઈ જાય. જે આ વિકલ્પ અપનાવશે તેમને જ આ લાગુ થશે, બાકીના વર્તમાન સિસ્ટમ ટી પ્લસ વન મુજબ કામ ચાલુ રાખી શકશે.

અલબત્ત, સેબીએ જણાવ્યાનુસાર શરૂમાં આ વ્યવસ્થા એક ઓપ્શનલ- વૈકલ્પિક સ્વરૂપે હશે. બીજા તબકકામાં ઈન્સ્ટેનિયસ (ઈન્સ્ટન્ટ) સેટલમેન્ટની ઓપ્શનલ ઓફર થશે,જેમાં ભાગ લેનાર ૩.૩૦ સુધી સોદા કરી શકશે, પરંતુ એમણે સમાન દિવસે જ સેટલમેન્ટ પતાવી દેવા ટ્રેડ ટુ ટ્રેડની જેમ કામકાજ થશે. બીજા તબકકો અમલમાં આવ્યા બાદ પ્રથમ તબકકો બંધ થઈ જશે. વધુમાં એક મહત્વની દરખાસ્ત મુજબ ટી પ્લસ ઝીરો’ (ઓપ્શનલ) સેટલમેન્ટમાં શરૂમાં માર્કેટ કેપિટલાઈઝેશનના આધારે ટોચની ૫૦૦ કંપનીઓ સિલેકટ કરાશે. તેને પણ ત્રણ ભાગમાં અમલમાં મુકાશે. લોઅર માર્કેટ કેપથી શરૂ કરી ૨૦૦ કંપનીઓ, ૨૦૦ કંપનીઓ અને ૧૦૦ કંપનીઓ દાખલ થશે. દરમિયાન્, વ્યવહારમાં આને કારણે સ્ટોક એકસચેંજ, બેંકો, કલિઅરિંગ હાઉસીસ, બ્રોકરો પર ભારે દબાણ આવવાની શકયતા ઊંચી રહેશે. આ માટેનું માળખું આપણી પાસે છે કે નહી એ વિશે હજી માર્કેટસ પ્લેયર્સ મુંઝવણમાં છે. બીજી તરફ ,સેબી આ વિશે પૂરો વિશ્વાસ ધરાવે છે.

રિઅલ એસ્ટેટ ઈન્વે. ટ્રસ્ટને પ્રોત્સાહન
સેબીનું એક કદમ નાના રોકાણકારોને રિઅલ્ટી એસેટસમાં આંશિક -ફ્રેકશનલ રોકાણની સવલત આપવાનું પણ છે. આ ઉપરાંત એક સંભાવના ભવિષ્યમાં વિદેશોમાં પ્રચલિત એવી ફ્રેકશનલ શેરમાં રોકાણ
કરવાની સુવિધા પણ સેબી લાવવા માગે છે. અર્થાત, રોકાણકાર કોઈ એક શેર બહુ કિંમતી (ઊંચા ભાવનો) હોય અને તે એક શેર ખરીદવા માટે
પણ સક્ષમ ન હોય તો રોકાણકાર તે શેરનો ચોકકસ હિસ્સો (ફ્રેકશન) અથવા ટુકડો ખરીદી શકશે. આમ શેરના ચોકકસ ફ્રેકશનના સોદા સંભવ બનશે.

દાખલા તરીકે: કોઈ શેરનો ભાવ બજારમાં રૂ.૧૦,૦૦૦ બોલાય છે, પણ રોકાણકાર લાર્સનના શેરનું ફ્રેકશન ખરીદી શકશે. આનું પણ ઉદાહરણ જોઈએ તો આ શેરનું ફ્રેકશન જો દસ ટકાનું નિર્ધારિત કરાયું હશે તો એ ફ્રેકશન રૂ.૧૦૦૦ આસપાસ ઉપલબ્ધ થશે.

આમ કિંમતી શેર્સને રોકાણકારો નાના હિસ્સામાં પણ ખરીદી શકશે તો ઈકિવટી કલ્ટને બુસ્ટ મળી શકશે. નાના રોકાણકારોને ટોચની મજબુત કંપનીઓના શેરમાં નાની રકમના રોકાણ સાથે ભાગ લેવાની વિશેષ તક ઉપલબ્ધ થશે. રિઅલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (REITs-રિટસ) ને પ્રોત્સાહન આપનારું છે, આ ટ્રસ્ટને પ્રોત્સાહન આપવાનો અર્થ રિઅલ એસ્ટેટને અને તેમાં રોકાણ કરવા ઈચ્છતા વર્ગને પ્રોત્સાહન આપવા સમાન છે. સેબીએ નાના અને મધ્યમ કદના રિટસનું માળખું દાખલ કર્યુ છે, જે તેમને ભંડોળ ઊભું કરવામાં સહાયરૂપ થશે. આને સરળ બનાવવા સેબીએ વર્તમાન રિટસ માટે એસેટસ વેલ્યૂ રૂ. ૫૦ કરોડની નિયત કરી છે.

નાના-મધ્યમ રિટ ખાસ માર્ગે – સ્પેશ્યલ પરપઝ વેહિકલ્સ મારફત રોકાણ કરવાની તક લાવી શકશે.

એઆઈએફ સપ્ટે.થી ડિમેટ
સેબીનું પાંચમું પગલું એઆઈએફ (ઓલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ) માટે છે, જેમાં સેબીએ સપ્ટેમ્બર ૨૦૨૪ બાદથી થનારા નવા રોકાણ માટે ડિમેટ સ્વરૂપ દાખલ કરવાનો નિર્ણય લીધો છે, આનાથી કામકાજમાં સરળતા અને પારદર્શકતા વધશે. હવેપછી દરેક કેટેગરીના એઆઇએફને કસ્ટોડિયન નિમવાની ફરજ પડશે. અગાઉ ચોકકસ કદના ફંડ માટે જ આ ફરજ પડતી હતી.
ફયુચર્સ-ઓપ્શન્સ ટ્રેડિંગનો સમય
ડેરિવેટિવ્ઝ – ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ ટ્રેડિંગના કલાકો વધારવાનો અનુરોધ કયારનો થઈ રહયો છે, સેબીએ આ વિષયમાં હાલ સ્પષ્ટતા કરતા કહયું છે કે નિયમન સંસ્થા આ મામલે વધુ ડેટા એનાલિસિસ કરવાનું ઈચ્છે છે. એ પછી પણ તમામ સહભાગીઓ સાથે મસલત કર્યા બાદ આખરી નિર્ણય લેશે. જોકે બજારમાં ચાલતી ચર્ચા અનુસાર એનએસઈ આ સમય વધારા માટે વધુ ઉત્સુક છે, કારણ કે આ એકસચેંજ ડેરિવેટિવ્ઝમાં સૌથી ઊંચું વોલ્યુમ ધરાવે છે. એનએસઈ તેનો ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગનો સમય વિસ્તારવા
મહદઅંશે સજજ ગણાય છે. જો કે હવે સેબીની સંમતિ વિના આ દિશામાં આગળ વધી શકશે નહી.

અહી એક વાતનો ઉલ્લેખ
રસપ્રદ બને છે કે નાના રોકાણકારોને ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગથી સાવચેત અને દુર રહેવાની સલાહ અપાતી હોવાછતાં તેમ જ આ સેગમેન્ટમાં દસમાંથી નવ રોકાણકારો-ટ્રેડર્સ ખોટ કરતા હોવાનું જાહેર કરવા છતાં નાના રોકાણકારો આ ટ્રેડિંગમાં વધુ ને વધુ રસ લઈ રહયા હોવાનું સેબીને પણ આશ્રર્ય છે.

બાય ધ વે, આવતી કાલથી શરૂ થતા નવા વરસને આવકારીએ અને દેશ સાચી દિશામાં આગળ વધે- વિકાસ પામે અને પ્રજાની આર્થિક -સામાજિક
સ્થિતિ વધુ બહેતર બને એવી આશા સાથે… હેપીવાલા ન્યૂ યર ટુ ઓલ ઓફ અસ…!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો