ભારત-પાક સંબંધોબાતોં બાતોં મેં
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ
હમણાં વાંચ્યું કે પાકિસ્તાન ફરી ભારત સાથે રાબેતા મુજબ વાતચીત કરવા માંગે છે. સારું છે પણ..પણ થાય છે એવું કે પાકિસ્તાન ભારત સાથે વાતચીત કરવાને બદલે અમેરિકા જાય છે અને અમેરિકા સાથે વાત કરે છે. આ બાજુ ભારત પણ પાકિસ્તાન સાથે વાતચીત કરવાને બદલે અમેરિકા પાસે જાય છે.
અમેરિકા જઈને પાકિસ્તાન કહે છે કે અમે ભારત સાથે વાતચીત કરવા માંગીએ છીએ. ભારત પણ અમેરિકા પહોંચીને કહે છે કે અમે પાકિસ્તાન સાથે વાતચીત કરવા માંગીએ છીએ. આ બંનેને અમેરિકાવાળા પાછાં સલાહ આપે છે કે તમારે બંનેએ એક બીજા સાથે વાતચીત કરવી જોઈએ.
એક તરફ પાકિસ્તાન અમેરિકાથી બોમ્બનો સામાન લઈને આવીને કહે છે કે અમે ભારત સાથે વાતચીત કરવા માંગીએ છીએ. આ બાજુ ભારત પોતાની આંતરરાષ્ટ્રીય ઉધારીને ચુકવાવનો જુગાડ કર્યા પછી પાછા ફરીને કહે છે કે અમે પાકિસ્તાન સાથે વાતચીત કરીશું.
સારું છે. બધાંએ એક બીજા સાથે વાતચીત કરવી જોઈએ. અમેરિકાએ રશિયા સાથે વાતચીત કરવી જોઈએ, રશિયાએ ચીન સાથે વાતચીત કરવી જોઈએ, ભારતે પાકિસ્તાન સાથે, ઈરાકે ઈરાન સાથે, ઇઝરાયલએ પેલેસ્ટાઈન સાથે.
ટૂંકમાં, જે જેની સાથે વાતચીત કરી શકે, એણે એની સાથે અને જે જેની સાથે વાતચીત ન કરી શકે એણે પણ એની સાથે વાતચીત કરવી જ જોઈએ.
આ દરમિયાન પાકિસ્તાન અને ભારત ક્યાંક કોઈ બેઠક મળે ત્યારે એક બીજાને મળી જાય છે. અને મળે ત્યારે તેઓ એક બીજા સાથે પાછા વાત પણ કરે છે. તેઓ વાત આ રીતે કરે છે- ભારત પાકિસ્તાનને કહે છે આપણે એક બીજા સાથે વાતચીત
કરવી જોઈએ. બંને આવી વાત કરીને નક્કી કરે છે કે હા, વાતચીત તો કરવી જોઈએ અને આટલું કહ્યા પછી વાત પૂરી થઈ
જાય છે.’
આ વાતચીત કરવાના નિર્ણય પછી વાત એક પગલું આગળ વધે છે કે હવે વાતચીત કરવામાં આવે. ભારત એના તરફથી નિવેદન કરે છે કે ’અમે વાત કરવા માગીએ છીએ!’ પાકિસ્તાન પણ એના તરફથી નિવેદન કરે છે કે ’અમે ય વાતચીત કરવા માગીએ
છીએ!’
વાતચીત કરવાના ઘણા બધાં માધ્યમો ૨૧મી સદીમાં ઉપલબ્ધ છે. તમે મોબાઈલથી વાતચીત કરી શકો છો, ઈ-મેલ પર વાતચીત કરી શકો છો, એસ.એમ.એસ દ્વારા પણ વાતચીત કરી શકો છો, વિડિયો કોલ પર પણ વાતચીત કરી શકો છો. એકમેકને ત્યાં તમે પ્લેનમાં બેસીને જઈ શકો છો. એમને તમારા દેશમાં સામેનાંને બોલાવી શકો છો. કોઈ ત્રીજા દેશમાં જઈને પણ મળી શકો છો. તમારા કોઈ પ્રતિનિધિને વાતચીત કરવા મોકલી શકો છો.
ઘણી વખત એવું પણ બને છે કે બંને એક બીજાને કોઈને કોઈ કારણસર મળતા પણ હોય છે. એક બીજા સાથે વાતચીત પણ કરે છે. પણ આખરે વાત તો એ જ કરે છે કે આપણે વાતચીત કરવી જોઈએ!
આ બધી વાતચીત દરમિયાન બોર્ડર પર સેનાઓ ઊભી રહી જાય છે. ગોળીઓ છૂટે છે. તોપો તૈયાર કરાય છે. ફાઈટર પ્લેન તૈયાર થઈ જાય છે. એટમ બોમ્બ બને છે. બોમ્બનો જવાબ કેવી રીતે આપવો એની ચર્ચાઓ શરૂ થઈ જાય છે.
...અને તો યે આ બધાની વચ્ચે બંને દેશો એમ જ કહેતા રહે છે કે આપણે વાતચીત કરવી જોઈએ!