ઉત્સવ

લોકેશનમાં અલગ અલગ પ્રકાર

(ભાગ-૨)
સાહબ બાથરૂમ મેં હૈ -આશ કરણ અટલ

લોકેશન! … જ્યાં ફિલ્મનું શૂટિંગ થતું હોય છે, ત્યાં એક ઈન્ડોર લોકેશન અને બીજું આઉટડોર લોકેશન હોય છે. ઈન્ડોર એટલે કે દરવાજાની અંદર જેમ કે ઓરડા, બાથરૂમ, અદાલત, હૉસ્પિટલ વગેરે. આઉટડોર એટલે કે પૂલ, નદી, ઝરણાં, બગીચા વગેરે. કેટલીક જાણીતી અને પરિચિત, સેંકડો વખત જોવા મળેલા લોકેશન વિશે જાણકારી મેળવીએ

કોલેજ
ફિલ્મોમાં એક લોકેશન હોય છે કોલેજ. કોલેજમાં વર્ગો ખાલી અને કમ્પાઉન્ડ ભરેલું હોય છે. કોલેજ ભણવા માટે પ્રતિકુળ હોય છે. પ્રેમ અને મારપીટ માટે એકદમ અનુકૂળ હોય છે. ખલનાયક કોલેજના પ્રિન્સિપાલની વાતોને વારંવાર ધુતકારી નાખતો હોય છે, કેમ કે તે કોલેજ ખલનાયકના પિતાના ડોનેશનથી બનેલી હોય છે.

વિદ્યાર્થીઓની પહેલી હોબી હડતાળ અને બીજી હોબી મારપીટ હોય છે. આ બધામાંથી સમય મળે તો પછી થોડું ભણી લેતા હોય છે. વિદ્યાર્થીઓને મારપીટ માટે લાંબે જવાની જરૂર હોતી નથી. મૂર્ખ વિદ્યાર્થી પોતાની જ કોલેજમાં પોતાનો શોખ પૂરો કરી લેતા હોય છે અને સમજદાર વિદ્યાર્થી બીજી (પ્રતિદ્વંદ્વી) કોલેજમાં જતા હોય છે અને ત્યાં બે-બે હાથ કરી આવતા હોય છે.

ફિલ્મનો નાયક હંમેશા ફર્સ્ટ ક્લાસમાં પાસ થતો હોય છે. કોમેડિયન હંમેશા ફેલ થતો હોય છે. ખલનાયક હંમેશા નકલ કરતાં પકડાઈ જતો હોય છે. આ બધાની વચ્ચે નાયિકા શું કરતી હોય છે? તેને તો બસ એક જ કામ કરવાનું હોય છે પ્રેમ, ભણવા માટે ફુરસદ જ ક્યાં હોય છે.

ડેન અથવા અડ્ડો
ડેન અથવા અડ્ડો આમ તો એકબીજાના પર્યાયસમાન શબ્દ છે, આમ છતાં બંનેમાં થોડો ફરક હોય છે. બંનેમાં થોડો ફરક હોય છે. બંનેનું લોકેશન સુમસાન જગ્યા પર હોય છે. બંનેની સંસ્કૃતિમાં સમાનતા હોવા છતાં સ્ટાન્ડર્ડમાં ઘણું અંતર હોય છે. જેવી રીતે મોગેમ્બોનો હોય તો તેને ડેન કહેવામાં આવશે અને ગબ્બર સિંહ પાસે હોય તો તેને અડ્ડો કહેવામાં આવશે. જોકે બંને સ્થળનો ઉપયોગ અપહરણ અને મારામારી માટે કરવામાં આવતો હોય છે. આમ છતાં બંનેની કાર્યશૈલીમાં ફરક હોય છે. ડેનમાં રહેનારા સ્મગલિંગ કરે છે અને અડ્ડામાં રહેનારા ધાડ પાડતા હોય છે. ડેનમાં રહેનારા ટકલા હોય છે જ્યારે અડ્ડામાં રહેનારા દાઢીધારી હોય છે. આમ છતાં બંને વર્ગ માટે નૃત્ય અને ગીતનો શોક ઉચ્ચ સ્તરનો હોય છે. (શબ્દાંકન: વિપુલ વૈદ્ય)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button