આપણું ગુજરાત

વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉમાં ૧૫ લાખથી વધુ ફૂલ-છોડ મુકાયાં

ફૂલોનું પ્રદર્શન: અમદાવાદમાં ‘વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ ૨૦૨૪’માં રંગીન ફૂલોથી તૈયાર કરાયેલી વિવિધ કલાકૃતિ સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે શનિવારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો-૨૦૨૪’ પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ‘વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો ૨૦૨૪’ માં આ વખતે વિવિધ પ્રકારના ૧૫ લાખથી વધુ ફૂલ-છોડના રોપા મૂકવામાં આવ્યા છે જે શહેરીજનો માટે અનેરું આકર્ષણ બની રહેશે. આ ફૂલ-છોડમાં પિટુનિયા, ગજેનિયા, બિગોનિયા, તોરણીયા, મેરીગોલ્ડ, લિલિયમ, ઓર્ચિડ, ડહેલિયા, એમરન્સ લીલી, કેક્ટસ પ્લાન્ટ, જરબેરા જેવા અનેક દેશી-વિદેશી ફૂલોનો સમાવેશ કરાયો છે અને વિદેશી ફૂલ-છોડના રોપા પણ મૂકવામાં આવ્યા છે. વધુમાં આ ફ્લાવર શોમાં સાત લાખથી વધુ રોપા દ્વારા ૪૦૦ મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રકચર પ્રદર્શિત કરવામાં આવનાર છે. ઉદ્ઘાટન બાદ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ફ્લાવર શોનાં વિવિધ આકર્ષણો નિહાળ્યાં હતાં. અનેકવિધ સ્કલ્પચરને મુખ્ય પ્રધાન સહિત સૌએ બિરદાવ્યા હતા. ‘વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો ૨૦૨૪’ના મુખ્ય આકર્ષણોની વાત કરીએ તો, અહીં વડનગરના તોરણની પ્રતિકૃતિવાળું આકર્ષક પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું છે. વધુમાં અહીં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યૂ ઑફ યુનિટીની પ્રતિકૃતિ, નવા સંસદભવનની પ્રતિકૃતિ, મોઢેરાના સૂર્ય મંદિરની પ્રતિકૃતિ, ચંદ્રયાન-ત્રણની પ્રતિકૃતિ, સાત અશ્ર્વ અને ઓલિમ્પિક જેવી જુદી જુદી થીમ આધારિત અનેક પ્રતિકૃતિઓ મુખ્ય આકર્ષણોમાં સામેલ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button