નેશનલ

રર જાન્યુઆરીએ ઘેર ઘેર ‘શ્રી રામ જ્યોતિ’ પ્રગટાવી દીપોત્સવ મનાવો: મોદી

રામનગરીને ₹૧૫,૭૦૦ કરોડના વિકાસકાર્યની ભેટ

અયોધ્યા દુનિયાનું સર્વશ્રેષ્ઠ આધ્યાત્મિક ધામ બનશે

અયોધ્યા માટે ₹ ૮૫ હજાર કરોડનો માસ્ટર પ્લાન
અયોધ્યા: ભગવાન રામની અયોધ્યાને એક આધ્યાત્મિક કેન્દ્ર, વૈશ્ર્વિક પર્યટન સ્થળ અને ભવ્ય સ્માર્ટ સિટી તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. શહેરમાં એક નવી ગ્રીનફિલ્ડ ટાઉનશિપ પણ વસાવવામાં આવશે. આ ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અયોધ્યાને અન્ય ઘણા પ્રોજેક્ટની પણ ભેટ આપી છે. અયોધ્યાના વિકાસ માટે રૂપિયા ૮૫,૩૦૦ કરોડનો માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે.

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે શણગારવામાં આવી રહેલી અયોધ્યા માટે શનિવારનો દિવસ ખૂબ જ ખાસ રહ્યો હતો. અયોધ્યા શહેરને પુન:વિકસિત રેલવે સ્ટેશન અને નવા એરપોર્ટની ભેટ મળી છે. વડા પ્રધાને બન્નેનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમજ અયોધ્યા મુલાકાત દરમિયાન વડા પ્રધાને ૧૫,૭૦૦ કરોડ રૂપિયાથી વધુની કેટલીક વિકાસલક્ષી યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પર કર્યો હતો.
વડા પ્રધાનના સ્વપ્ન અયોધ્યામાં આધુનિક કક્ષાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવો, કનેક્ટિવિટીમાં સુધારો કરવો અને શહેરના સમૃદ્ધ ઇતિહાસ
અને વારસાને અનુરૂપ નાગરિક સુવિધાઓની કાયાકલ્પ કરવાનો છે. જે અંતર્ગત ભગવાન રામની નગરી અયોધ્યાની પૌરાણિક સરયૂ નદી પર હેરિટેજ રિવર ફ્રન્ટનો વિકાસ થશે અને અયોધ્યા સ્માર્ટ સિટી બનશે. શહેરમાં એક નવી ગ્રીનફિલ્ડ ટાઉનશિપ પણ વસાવવામાં આવશે. જેમાં ભક્તો માટે રહેવાની સુવિધઓ જેમ કે આશ્રમ, હોટેલ, મઠ વગેરે હશે. આ સાથે સરયૂ નદી અને તેના ઘાટો પર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

અયોધ્યામાં આવતા મહિને રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ રોજ લગભગ ત્રણ લાખ શ્રદ્ધાળુઓ આવવાનું અનુમાન છે. એવામાં શ્રદ્ધાળુઓની ભીડ અને તેની માળખાકીય અને અન્ય જરૂરિયાતોને પૂરી કરવા માટે માસ્ટર પ્લાન ૨૦૩૧ અનુસાર અયોધ્યાનો પુન:વિકાસ કરવા અને પવિત્ર શહેરને આધુનિક બનાવવા માટે ૮૫,૩૦૦ કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે ૧૦ વર્ષોમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર યોજના એ રીતે ઘડવામાં આવી છે કે જેથી અયોધ્યા શહેર એક વૈશ્ર્વિક પર્યટન સ્થળ બની શકે. રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને બચાવવાની સાથે મહત્ત્વપૂર્ણ ઘટનાઓ માટે તૈયાર થઇ શકે. અયોધ્યા શહેર માટે આર્કિટેક્ટ સી. પી. કુકરેજાએ માસ્ટર પ્લાન અને વિઝન ડોક્યૂમેંટ તૈયાર કર્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે શહેરમાં હૉસ્પિટીલિટી અને તેની સાથે સંકળાયેલ ઇન્ડસ્ટ્રીની ગતિવિધિઓમાં અનેક ગણો વધારો થશે. જેને ધ્યાને લઇને જ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અયોધ્યા ક્ષેત્રીય આર્થિક વિકાસ માટે પર્યટન ગ્રોથ એન્જિન કામ કરશે અને આ શહેર પર્યટન માટે મેગા સેન્ટર બનશે.

ડેવલપમેન્ટ વિઝનમાં અયોધ્યા વિકાસ ઓથોરિટીના ૮૭૫ વર્ગ કિલોમીટર ક્ષેત્રમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પર્યટન વિકાસનું લક્ષ્ય છે. જેમાં હાલના માસ્ટર પ્લાન અનુસાર ૧૩૩ વર્ગ કિમીના શહેરી ક્ષેત્ર અને ૩૧.૫ વર્ગ કિમીના કોર સિટી ક્ષેત્ર સામેલ છે. ૧,૨૦૦ એકરની નવી ટાઉનશિપ બનાવવી પણ ભાગ છે. આ પ્રોજેક્ટનું લક્ષ્ય પર્યટનને કેન્દ્રમાં રાખીને આર્થિક વિકાસ કરવાનો છે. જેમાં આધ્યાત્મિક, પારંપરિક સ્વાસ્થ્ય સેવા, આવાસીય પારંપરિક સ્વાસ્થ્ય સેવા, વ્યાવસાયિક હોટેલ વગેરેનું નિર્માણ સામેલ છે. જેથી આગામી ૧૦૦ વર્ષના ગ્રોથ પોટેન્શિયલને ધ્યાનમાં રાખી શકાય.

કોર સિટી વિસ્તાર અને મંદિરની આસપાસના વિસ્તારને હેરિટેજ મુજબ પુન:વિકસિત કરવો, ૧૦૮ એકરના શ્રીરામ મંદિર વિસ્તાર પર વિશેષ ધ્યાન આપવામાં આવશે જેથી કરીને શહેર બાકીના ભાગ તેના આનુકૂળ બની શકે, સરયૂ નદી પર રિવર ફ્રન્ટ વિકસાવવા અને ત્યાં વોટર સ્પોટ્સને પ્રોત્સાહન આપવું, ત્રણ પરિક્રમા રૂટ પાંચ કોસી, ૧૪ કોસી અને ૮૪ કોસીમાં પર્યાપ્ત સુવિધાઓ પૂરી પાડવી, અન્ય નજીકના ધાર્મિક તીર્થસ્થળોનો સંકલિત વિકાસ અને ત્યાં પ્રવેશની સુવિધા સરળ બનાવવી વગેરે પર્યટકો માટે આકર્ષણના કેન્દ્રો રહેશે.

પાણી, ગટર, વીજળી, પરિવહન જેવા વિકાસશીલ નાગરિક માળખાકીય સુવિધાઓનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. વિશ્ર્વના કેટલાક શ્રેષ્ઠ શહેરો જેમ કે વેટિકન સિટી, વેનિસ અને કેટલાક ભારતીય શહેરો જેમ કે અમૃતસર, વારાણસી, મદુરાઇ અને તરૂપતિ વગેરેના અનુભવોના આધારે વિકાસ યોજના બનાવવામાં આવી છે. ઇમારતોના બહારના ભાગના રંગ અને સ્થાપત્યને સાંસ્કૃતિક વારસાને અનુરૂપ બનાવવામાં આવશે.

વિશ્ર્વ ઐતિહાસિક ક્ષણની કાગડોળે રાહ જુએ છે’
અયોધ્યા: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રામનગરીમાં નવનિર્મિત આંતરરાષ્ટ્રીય વિમાનમથક અને રેલવે સ્ટેશનને ખૂલ્લું મૂકયા બાદ અયોધ્યા માટેના રૂ. ૧૫,૭૦૦ કરોડના વિકાસકાર્યની ભેટ આપ્યા બાદ જણાવ્યું હતું કે અયોધ્યાને દુનિયાનું સર્વશ્રેષ્ઠ આધ્યાત્મિક ધામ બનાવાશે. સમગ્ર વિશ્ર્વ બાવીસ જાન્યુઆરીએ રામમંદિરમાંની પ્રાણપ્રતિષ્ઠાની ઐતિહાસિક ક્ષણની કાગડોળે રાહ જોઈ રહ્યું છે. બધા માટે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા આવવું અશકય છે અને તેથી તે દિવસે બધાએ ઘરે દીવા (શ્રી રામ જ્યોતિ) પ્રગટાવવા અને બાદમાં અયોધ્યા દર્શનાર્થે આવવું.

મોદીએ બે ‘અમૃત ભારત’ અને છ ‘વંદે ભારત’ ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી હતી. પુન:નિર્મિત રેલવે સ્ટેશન અને નવનિર્મિત એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યા પછી વડા પ્રધાન મોદીએ એક જાહેરસભાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે આજનું ભારત અર્વાચીન અને નૂતન બંનેને આત્મસાત કરી આગળ વધી રહ્યું છે. વિશ્ર્વમાં કોઈપણ દેશ હોય, જો તેને વિકાસની નવી ઊંચાઈઓ આંબવી હોય તો પોતાના વારસાને સાચવવો પડશે. આપણો વારસો આપણને પ્રેરણા આપે છે. સાચો માર્ગ દર્શાવે છે કે અયોધ્યાને સ્વચ્છ બનાવવા મોદીએ શ્રોતાઓ પાસે સંકલ્પ લેવડાવ્યો હતો. ૧૪મી જાન્યુઆરીથી બાવીસમી જાન્યુઆરી સુધી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે.

મોદીએ કહ્યું કે ‘એક સમય એવો હતો કે રામલલા ટૅન્ટમાં બિરાજમાન હતા. હવે ઘર ફકત રામ લલાને નહીં પણ દેશના ચાર કરોડ ગરીબોને પણ મળ્યું છે. આજનું
ભારત તીર્થસ્થાનોને સુશોભિત કરી રહ્યું છે. તો બીજી બાજુ ડિજિટલ ટેક્નોલોજીની દુનિયામાં પણ અગ્રગણ્ય છે.

રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવા કેટલાક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમને આમંત્રણ નથી મળ્યું તેમણે અયોધ્યા આવવું નહીં જોઈએ. ૨૩ જાન્યુઆરી પછી પ્રવાસ કરવો સહેલો બની જશે. રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના પ્રસંગે સૌ પોતાના ઘરમાં શ્રીરામ જ્યોતિ પ્રજ્વલિત કરે તેવી અપીલ મોદીએ દેશવાસીઓને કરી હતી. દીવા પ્રગટાવી ૧૪૦ કરોડ દેશવાસીઓએ દિવાળી મનાવવી જોઈએ અને સમગ્ર દેશ ઝગમગ થવો જોઈએ. આગામી દિવસોમાં ફક્ત અવધ ક્ષેત્ર નહીં પણ સમગ્ર ઉત્તર પ્રદેશના વિકાસને અયોધ્યા દિશા બતાવશે. દેશમાં ફક્ત કેદારધામનો પુર્નવિકાસ થયો નથી પણ ૩૧૫થી વધુ નવી મેડિકલ કૉલેજ પણ બન્યા છે. દેશમાં ફકત મહાકાલ મહાલોકને જ નિર્માણ નથી થયું પણ દરેક ઘરમાં જળ પહોંચાડવા પાણીની બે લાખથી પણ વધુ ટાંકી બનાવવામાં આપી છે.

વડા પ્રધાન મોદીએ રામપથ, ભક્તિપથ, ધર્મપથ અને શ્રીરામ જન્મભૂમિ પથનું ઉદ્ઘાટન કર્યું હતું. ચારે માર્ગને પહોળા બનાવવામાં આવ્યા છે અને સૌંદર્યકરણ કરવામાં આવ્યું છે. અયોધ્યા પહોંચ્યા પછી દેશભરના કલાકારોના વિભિન્ન જૂથો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી રેલવે સ્ટેશન, રામપથ માર્ગ સુધી કુલ ૪૦ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા હતા જ્યાં ૧૪૦૦થી વધુ કલાકારોએ લોકકલા અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો.

વડા પ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી ચોથીવાર અયોધ્યા ગયા છે.

બે અમૃત ભારત, છ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી
અયોધ્યા: વડા પ્રધાન મોદીએ શનિવારે અહીંથી બે અમૃત ભારત અને છ વંદે ભારત ટ્રેન મળીને કુલ આઠ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. શનિવારે જાલના – મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સવારે ૧૧.૦૦ કલાકે જાલનાથી રવાના થઈ હતી અને સીએસએમટી સાંજના ૬.૪૫ કલાકે પહોંચી હતી.
પહેલી જાન્યુઆરીથી ટ્રેનની નિયમિત સેવા ચાલુ થશે. સીએસએમટીથી બપોરે ૧.૧૦ કલાકે ટ્રેન રવાના થશે અને જાલના સાંજના ૮.૩૦ કલાકે પહોંચશે જ્યારે બીજી જાન્યુઆરીથી ટ્રેન જાલનાથી સવારના ૫.૦૫ કલાકે રવાના થશે અને સીએસએમટી બપોરના ૧૧.૫૦ કલાકે પહોંચશે. આઠ કોચ ધરાવતી ટ્રેન બુધવાર સિવાય રોજ ચલાવવામાં આવશે તેવું મધ્ય રેલવેએ કહ્યું હતું.
નાંદેડ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ) નીતી સરકારે એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે વંદે ભારત ટ્રેન છત્રપતિ સંભાજીનગર, જાલના, નાસિક ને થાણે અને મુંબઈ સાથે જોડશે. જાલનાના રાજૂર ગણપતિ મંદિર, ધૃષ્ણેશ્ર્વર જ્યોર્તિલિંગ, છત્રપતિ સંભાજીનગરમાં ઈલોરા ગુફાઓ અને મનમાડ પાસેના શ્રી ર્શિડી સાંઈબાબા મંદિર જેવા ધાર્મિક સ્થાનો પર પ્રવાસીઓ સરળતાથી જઈ શકશે. ૫૩૦ બેઠક ધરાવતી ટ્રેન જાલનાથી મુંબઈ જવા છ કલાક ૫૦ મિનિટનો સમય લેશે.
વિમાનમાં હોય છે તેવું બ્લેક બોક્સ ટ્રેનમાં રાખવામાં આવશે જે ડ્રાઈવરની કેબિનની પ્રવૃત્તિઓ રેકોર્ડ કરતું રહેશે. અકસ્માતની ઘટના બને તો તપાસમાં બ્લેક બોક્સ ઉપયોગી નીવડશે તેવું તેમણે કહ્યું હતું.
ટ્રેનમાં એક એકઝિકયુટિવ ચેરકાર અને સાત ચેરકાર છે. જાલના મુંબઈ મહારાષ્ટ્રની સાતમી વંદે ભારત સેવા છે જેમાંથી છ મધ્ય રેલવે નેટવર્ક પર સંચાલિત થાય છે. મુંબઈથી જતી આ પાંચમી વંદે ભારત સેવા છે તેવું મધ્ય રેલવેના પ્રેસરિલિઝમાં કહેવામાં આવ્યું હતું.
દક્ષિણ ભારતમાં મેંગ્લૂરુ અને મડગાવ વચ્ચે અને કોઈમ્બતૂર જંકશન – બેંગલૂરુ કેન્ટનમેન્ટ ટ્રેનને વડા પ્રધાને શનિવારે લીલી ઝંડી આપી હતી. નોર્ધન રેલવેની અયોધ્યા – દરભંગા અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનમાં શનિવારે શાળાના બાળકો અને શિક્ષકો સહિત લગભગ ૧૨૦૦ ‘સુવેનિયર’ પાસધારકોએ પ્રવાસ કર્યો હતો.
માલ્ડા શહેર અને બેંગલૂરુ વચ્ચેની અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને પણ લીલી ઝંડી આપવામાં આવી હતી.
શ્રીમાતા વૈષ્ણોદેવી કતરા – નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ, અમૃતસર-દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ અને અયોધ્યા – આનંદ વિહાર ટર્મિનલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને પણ લીલી ઝંડી આપવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button