ફ્લાઈટમાં પેસેન્જરને સેન્ડવીચમાં મળ્યો કીડો, જાણો એરલાઇન્સે શું કહ્યું….
નવી દિલ્હીઃ બજેટ એરલાઇન્સ તમને સસ્તા ભાડામાં યાત્રાની સુવિધા તો આપે છે, પણ એમાં તેમની સેવાનું ધોરણ પણ ક્યારેક કથળતું હોય છે. તાજેતરમા જ એક મહિલા મુસાફરને બજેટ એરલાઇન્સ ઈન્ડિગો ફ્લાઇટમાં આવો કરૂણ અનુભવ થયો. આ મહિલાએ તેનો કરૂણ અનુભવ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. દિલ્હીની એક મહિલા મુસાફરે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં દર્શાવવામાં આવ્યું છે કે 29 ડિસેમ્બરની સવારે દિલ્હીથી મુંબઈની ઈન્ડિગોની ફ્લાઈટ દરમિયાન તેણે ખરીદેલી વેજ સેન્ડવિચમાં તેને જીવંત કીડો મળી આવ્યો હતો.
આ મહિલાએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને ફ્લાઇટમાં પ્રવાસ કરી રહેલા લોકોની સુરક્ષા પ્રત્યે એરલાઇનની પ્રતિબદ્ધતા પર સવાલ ઉઠાવ્યા હતા. મહિલાએ તેની ચિંતા વ્યક્ત કરી હતી કે, “સેન્ડવિચની ગુણવત્તા સારી ન હોવાનું જાણવા છતાં… ફ્લાઇટ એટેન્ડન્ટે અન્ય મુસાફરોને સેન્ડવિચ પીરસવાનું ચાલુ રાખ્યું હતું. ત્યાં બાળકો, વૃદ્ધ લોકો અને અન્ય મુસાફરો પણ હતા… જો કોઈને ચેપ લાગે તો શું થાય?
ડાયેટિશિયન ખુશ્બુ ગુપ્તા નામની મહિલાના ઇન્સ્ટાગ્રામ પર મૂકવામાં આવેલા વીડિયોમાં સેન્ડવીચમાં જીવતો કીડો જોવા મળે છે. મહિલાએ દાવો કર્યો હતો કે ઈન્ડિગો ફ્લાઈટ એટેન્ડન્ટને સેન્ડવીચમાં કીડા અંગે જાણ કરવા છતાં, તેમની પ્રતિક્રિયા એવી હતી કે જાણે કોઈ મોટી વાત નથી. મહિલાના જણાવ્યા અનુસાર, ફ્લાઇટ એટેન્ડન્ટે પ્લેનમાં હાઇજેનિક ખોરાકના મુદ્દાને અવગણ્યો હતો અને ફક્ત એટલું જ કહ્યું કે, “અમે તેને કંઈક બીજું આપીશું.” એટેન્ડન્ટે મહિલાને ખાતરી આપી હતી કે આ બાબત સંબંધિત વિભાગના ધ્યાન પર લાવવામાં આવશે.
આ ઘટના બાદ એરલાઇન્સે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ફ્લાઇટ એટેન્ડન્ટે તરત જ સેન્ડવીચ પીરસવાનું બંધ કરી દીધું હતું. એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘અમારા એક ગ્રાહક દ્વારા દિલ્હીથી મુંબઈની ફ્લાઇટ 6E 6107 પરના તેના અનુભવ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. અમે ફ્લાઇટમાં ખાદ્ય પદાર્થ અને પીણાના ઉચ્ચ ધોરણો જાળવવાની અમારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ. આ બાબતની હાલમાં સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે અને યોગ્ય સુધારાત્મક પગલાં લેવામાં આવે તેની ખાતરી કરવા માટે અમે અમારા કેટરર સાથે સંપર્કમાં છીએ. યાત્રીને થયેલી કોઈપણ અસુવિધા માટે અમે દિલથી દિલગીર છીએ.’