મહિલા ટુરિસ્ટને મહારાષ્ટ્ર સરકારની મોટી ભેટ
‘આઈ’ નીતિ હેઠળ એમટીડીસીના નિવાસમાં 50 ટકા ડિસ્કાઉન્ટ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્ય સરકારે આઈના નામ હેઠળ મહિલાલક્ષી અને જેન્ડર ઈન્ક્લુઝિવ ટુરિઝમ પોલીસી હેઠળ એમટીડીસીની વિવિધ યોજનાઓ મહિલા પ્રવાસીઓ તેમ જ મહિલા સાહસિકો માટે ઘડી કાઢી છે. આ નીતિના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ધ્યાનમાં રાખીને પહેલીથી આઠમી માર્ચના આઠ દિવસ દરમિયાન એમટીડીસીના ટુરિસ્ટ નિવાસમાં મહિલાઓને 50 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, એવી જાહેરાત રાજ્યના પ્રવાસન ખાતાના પ્રધાન ગિરીશ મહાજને શનિવારે કરી હતી.
તેમણે કહ્યું હતું કે એમટીડીસીના રિસોર્ટ/ટુરિસ્ટ લોજ રાજ્યના દરેક ખુણે અને મહત્ત્વના સ્થળે આવેલા છે. કોર્પોરેશન પાસે કુલ 34 પ્રવાસી આવાસ, 27 રેસ્ટોરાં, બેડ એન્ડ બ્રેકફાસ્ટ, મહાભ્રમણ, કલાગ્રામ, વિઝિટર સેન્ટર્સ, ઈકો-ટુરિઝમ જેવી પ્રવૃત્તિઓ છે. એમટીડીસી એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં છ વૈશ્ર્વિક વારસા સ્થળ, 850થી વધુ ગુફા, 400 કિલ્લા અને દુર્ગ આવેલા છે.
મહિલાઓને 50 ટકા ડિસ્કાઉન્ટ મેળવવા માટે કેટલીક શરતો અને નિયમો ઘડી કાઢવામાં આવ્યા છે, જેની જાણકારી મેળવવા માટે કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ એમટીડીસી ડોટ સીઓની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું છે.
શું છે નિયમો અને શરતો?
->આ છૂટ પહેલીથી આઠમી માર્ચ, 2024ના સમયગાળા માટે માન્ય રહેશે.
->આ છૂટ કોન્ફરન્સ હોલ, લોન, સ્પોટર્સ કોમ્પ્લેક્સ, ઓડિટોરિયમ માટે લાગુ નથી.
->બૂકિંગ માટે મહિલા પાસે આઈડી કાર્ડ હોવું આવશ્યક છે.
->આ છૂટ ફક્ત મહિલા પ્રવાસીઓ માટે હોવાથી ચેક-ઈન વખતે તેમણે હાજર રહેવું આવશ્યક છે.
->ડિસ્કાઉન્ટમાં નાસ્તાની રકમનો સમાવેશ થતો નથી.
->આ ડિસ્કાઉન્ટ હેઠળની બૂકિંગ રકમ નોન-રિફંડેબલ અને નોન-ટ્રાન્સફરેબલ છે.
->આ ઓફરને વેબસાઈટ પર ઉપલબ્ધ અન્ય કોઈ ઓફરની સાથે જોડી શકાશે નહીં.
->એક સમયે ફક્ત એક જ વખત ડિસ્કાઉન્ટ મેળવી શકાશે.