GPCBએ સુરતના 15 ટેક્સટાઈલ એકમોને ક્લોઝર નોટિસ પાઠવી
સુરત: ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) એ શનિવારે સુરત જિલ્લાની 15 ટેક્સટાઈલ કંપનીઓને ક્લોઝર નોટિસ પાઠવી હતી. આ એકમો કથિત રીતે તાપી નદી સાથે જોડાયેલી ખાડીમાં ટ્રીટમેન્ટ કર્યા વગરનું ગંદુ પાણી છોડતા હતા. નોંધનીય છે કે તાપી નદી સુરત શહેરના રહેવાસીઓ માટે પાણીનો મહત્વનો સ્ત્રોત છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે સુરત જીપીસીબીના અધિકારીઓને તાજેતરમાં ફરિયાદો મળી હતી કે સુરત શહેરની બહાર આવેલી કેટલીક ટેક્સટાઇલ કંપનીઓ પ્રદૂષણના ધોરણોનું ઉલ્લંઘન કરી રહી છે અને એકમો ચલાવવા માટે વિભાગ પાસેથી જરૂરી પરવાનગી પણ મેળવી નથી.
ત્યારબાદ જીપીસીબીના અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યું હતું અને લસકાણા, ઉધના, પાંડેસરા અને પીપોદરામાં 15 ટેક્સટાઈલ યુનિટ પ્રદૂષણના ધોરણોનું ઉલ્લંઘન કરતા જણાયા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે આ ફેક્ટરીઓ ગંદાપાણીના ટ્રીટમેન્ટની સુવિધા ઉભી કર્યા બાદ અને જરૂરી વિભાગીય મંજૂરી મેળવ્યા બાદ જ ફરીથી કામગીરી શરૂ કરી શકશે. શહેરની બહાર જ્યાં નવા ટેક્સટાઈલ એકમો શરુ થયા છે ત્યાં ટૂંક સમયમાં બીજી ડ્રાઈવ હાથ ધરવામાં આવશે.