ફ્લાઇટમાં વોલેટ ભૂલી ગયો તો બૉમ્બની ધમકી આપી, પછી …..
નવી દિલ્હીઃ મંગળવારે સ્પાઈસ જેટની ફ્લાઈટમાં દિલ્હીથી બેંગલુરુ ગયેલા અને વિમાનમાં પોતાનું પાકીટ ભૂલી ગયેલા 32 વર્ષીય ઉદ્યોગપતિને એરલાઈનના કોલ સેન્ટર સ્ટાફને કથિત રીતે બૉમ્બ અંગે ધમકી ઉચ્ચારવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. જોકે, બાદમાં તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.
ઘટનાની વિગત મુજબ થાનિસન્દ્રામાં રહેતા 32 વર્ષીય કાપડના વેપારી શ્રેયાંશ ચમારિયાએ સ્પાઈસ જેટ સાથેની દિલ્હી-બેંગલુરુ ફ્લાઇટમાં ટિકિટ બુક કરાવી હતી. જ્યારે તેમની ફ્લાઇટ રાતે 9.20 કલાકે બેંગલુરુ એરપોર્ટ પર લેન્ડ થઇ ત્યારે તેમને ખયાલ આવ્યો કે તેમનું વોલેટ ક્યાય મળતું નથી. ગુમ થયેલ વોલેટની જાણ કરવા માટે તેમણે લગભગ 10:15 વાગ્યે સ્પાઈસજેટના કોલ સેન્ટર પર કર્યો હતો. જો કે, એરલાઇનના સ્ટાફે તેમની સાથે યોગ્ય રીતે વર્તાવ કર્યો નહોતો. પોતાના વોલેટની તપાસના જવાબમાં એરલાઇન્સના સ્ટાફના જવાથી અસંતુષ્ટ થયેલા ચમારિયાએ કોલ સેન્ટરના એક્ઝિક્યુટિવ સામે પોતાનો અસંતોષ વ્યક્ત કરતા સવાલ કર્યો કે , ‘ શું એરલાિન્સને જ્યારે બૉમ્બની ધમકીનો કોલ આવે છે, ત્યારે પણ તેઓ આવું બેજવાબદારભર્યું વર્તન દાખવે છે કે? ‘ તેમના આવા અણધાર્યા સવાલથી કોલ સેન્ટરના એક્ઝિક્યુટિવ ડઘાઇ ગયો અને તેણે ચમરિયાને બોમ્બ ક્યાં છે તે પૂછ્યું. આના જવાબમાં ચમારિયાએ પણ ઉડાઉ જવાબ આપ્યો કે, ફટના હોગા ફટ્ટ જાયેગા. આ સંભવિત ખતરાથી ચેતી ગયેલા, કોલ સેન્ટરના એક્ઝિક્યુટિવએ તાત્કાલિક એરપોર્ટ સત્તાવાળાઓને ધમકી અંગે ચેતવણી આપી હતી.
ત્યાર બાદ ફ્લાઇટની તપાસ કરવામાં આવી હતી, પણ બૉમ્બની ધમકી પોકળ સાબિત થઇ હતી. જોકે ફ્લાઇટની તપાસમાં રાત્રે 11 વાગે ચમારિયાનું વોલેટ મળી આવ્યું હતું. કૉલસેન્ટરના સ્ટાફને ફોન કરીને બૉમ્બની ધમકી આપવા બદલ ચમારિયાની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, આખી ઘટના જાણ્યા બાદ પોલીસે તેમને જામીન પર મુક્ત કર્યા હતા.
ચમારિયાએ પોલીસને જણાવ્યું હતું કે તેમનો ઇરાદો બોમ્બની ધમકી આપવાનો ન હતો, પરંતુ કોલ સેન્ટરે તેની ફરિયાદ પર તાત્કાલિક ધ્યાન ન આપ્યું હોવાથી તેઓ નાખુશ હતા.