covid alert: કોરોનાન દર્દીઓની સંખ્યા 800 સુધી પહોંચી, 24 કલાકમાં પાંચના મોત
નવી દિલ્હી: છેલ્લાં કેટલાંક દિવસોથી કોરોનાએ ફરી માથું ઉચક્યુ છે. દેશના અલગ અલગ રાજ્યોમાં રોજ કોરોનાના નવા વેરિયન્ટના દર્દીઓ મળી રહ્યાં છે. સાત મહિના બાદ ભારતમાં કોરોના (corona) ના દર્દીઓની સંખ્યા એક દિવસમાં 800 પર પહોંચી ગઇ છે. કોરોનાના નવા વેરિયન્ટ JN.1 ના દર્દીઓમાં પણ વધારો થઇ રહ્યો છે. દરમીયાન છેલ્લાં 24 કલાકમાં કોરોનાને કારણે 5 દર્દીઓના મોત થયા છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં કોરોનાની સૌથી વધુ અસર દેખાઇ રહી છે. જોકે હવે દિલ્હીમાં પણ નવા વેરિયન્ટ JN.1 નો કેસ જોવા મળ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર દેશમાં છેલ્લાં 24 કલાકમાં 797 નવા દર્દીઓ મળી આવ્યા છે. આ આંકડો છેલ્લાં સાત મહિનાની સરખામણીમાં સૌથી વધુ છે. છએલ્લાં 24 કલાકમાં 5 દર્દીનું મોત પણ થયું છે. કેરલમાં બે અને મહારાષ્ટ્ર, પુડુચેરી અને તામિળનાડૂમાં એક એક દર્દીનું મોત થયું હોવાની વિગતો આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે.
દેશમાં 18મી મેના રોજ દર્દીઓની સંખ્યા સૌથી વધુ નોંધાઇ હતી. ત્યારે આ સંખ્યા 865 હતી. 5મી ડિસેમ્બર સુધી રોજના નવા દર્દીઓની સંખ્યા બે આંકડામાં જ હતી. જોકે હવે આ નવા વેરિયન્ટને કારણે દર્દીઓની સંખ્યામાં ફરી વધારો જોવા મળ્યો છે.
કોરોનાના નવા સબ વેરિયન્ટ JN.1 ના દર્દીઓની સંખ્યા મહારાષ્ટ્રમાં ઝડપભેર વધી રહી છે. દેશમાં અત્યાર સુધી JN.1 અત્યાર સુધી 162 દર્દી નોંધાયા છે. જેમાં સૌથી વધુ સંખ્યા કેરલમાં છે. કેરલમાં અત્યાર સુધી નવા વેરિયન્ટના 83 દર્દી મળી આવ્યા છે. ગુજરાતમાં 34, ગોવામાં 18, કર્ણાટકમાં 8, મહારાષ્ટ્રમાં 7, રાજસ્થાનમાં 5. તામિલનાડૂમાં 4, તેલંગણામાં 2 અને દિલ્હીમાં 1 દર્દી મળી આવ્યો છે. JN.1ના એક પણ દર્દીઓની હાલત ગંભીર નથી એ વાત જરા દિલાસાજનક છે. તેના લક્ષણો સામાન્ય હોવાનું તબીબો જણાવે છે.