Morbi bogus toll booth: મોરબી એલસીબીએ 2 આરોપીઓની ધરપકડ કરી, એક મહિના બાદ કાર્યવાહી
મોરબી: નેશનલ હાઈવે 27 પર મોરબી અને વાંકાનેર વચ્ચે વઘાસીયા ગામ નજીક ચાલતા બોગસ ટોલ બૂથ(bogus toll booth) કૌભાંડ કેસમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડનો પર્દાફાશ થયાના 25 દિવસ બાદ મોરબી લોકલ ક્રાઈમ(LCB) બ્રાંચ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. મોરબી એલસીબી ટીમે આરોપીઓને વાંકાનેર સીટી પોલીસને સંપી દીધા છે.
આ કૌભાંડની માહિતી મુજબ નેશનલ હાઈવે 27(NH 27) પર વાંકનેર તાલુકાના વઘાસિયા ગામ નજીક અધિકારીક ટોલ બૂથ આવેલું છે. આ ટોલ બૂથની બાજુમાં વ્હાઈટ હાઉસ નામની સિરામિક ફેકટરી આવેલી છે, જે લાંબા સમયથી બંધ પડેલી છે. કૌભાંડના આરોપીઓને અધિકારીક ટોલ બૂથને બાયપાસ કરીને સિરામિક ફેકટરીના પરિસરમાંથી એક માર્ગ કાઢ્યો હતો જે ટોલ બૂથની બીજી તરફ નીકળતો હતો, આ માર્ગ પરથી પસાર થવા માટે વાહન ચાલકો પાસેથી આરોપીઓ ચાર્જ વસુલાતા હતા. આમ સત્તાવાર ટોલ બૂથને સમાંતર બીજું નકલી ટોલ ચાલી રહ્યું હતું.
નકલી ટોલ બૂથ કૌભાંડ પ્રકરણમાં ફેકટરી માલિક અને સીદસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈના પુત્ર અમરશીભાઈ જેરામભાઈ પટેલ, રવિરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા અને યુવરાજસિંહ ઝાલા તેમજ અન્ય આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
મોરબી એલસીબી પોલીસે બે આરોપી રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાની ગઈકાલે ધરપકડ કરી હતી. આરોપીઓએ અગાઉ મોરબીની એડીશનલ સેસન્સ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી જેને કોર્ટે ફગાવી દીધી હતી.