ચીનના નવા સંરક્ષણ પ્રધાન બનેલા જનરલ ડોંગ જૂન કોણ છે?
બેજિંગ: ચીને શુક્રવારે નેવી કમાન્ડર જનરલ ડોંગ જૂનને તેના નવા સંરક્ષણ પ્રધાન તરીકે નિમણૂકની જાહેરાત કરી હતી. આ પહેલા લી શાંગફૂ ગયા ઓગસ્ટમાં અચાનક ગુમ થઈ ગયા હતા, ત્યારબાદ ચીને તેમને પદ પરથી હટાવી દીધા હતા, પરંતુ તેમને પદ પરથી હટાવવા અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. આજે પણ લી શાંગફૂના ગુમ થવાને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. ચીનના મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે પીપલ્સ લિબરેશન આર્મી નેવી (PLAN) કમાન્ડર ડોંગને એનસીપી સ્ટેન્ડિંગ કમિટીએ સંરક્ષણ પ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે.
ચીનને એક મોટી વૈશ્વિક શક્તિ તરીકે સ્થાપિત કરવાની રાષ્ટ્રપતિ શી જિનપિંગની વ્યાપક વ્યૂહરચનાનાં ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું છે. ડોંગ પીપલ્સ લિબરેશન આર્મી નેવીના તમામ મુખ્ય નૌકાદળ વિભાગોમાં સેવા આપી ચૂક્યા છે. જો કે તેમની ઉંમર વિશે માહિતી આપવામાં આવી નથી.
લી શાંગફુ ચીન સરકારના બીજા એવા પ્રધાન હતા જેમને આ વર્ષે અચાનક તેમના પદ પરથી હટાવવામાં આવ્યા હતા. લી પહેલા ચીનના વિદેશ પ્રધાન ચિન ગેંગ પણ અચાનક ગાયબ થઈ ગયા અને આખરે તેમને તેમના પદ પરથી હટાવવામાં આવ્યા અને તેમની જગ્યાએ વાંગ યીને ચીનના નવા વિદેશ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. લી શાંગફુ છેલ્લે 29 ઓગસ્ટ 2023ના રોજ તેમણે ત્રીજા ચીન-આફ્રિકા શાંતિ અને સુરક્ષા મંચને સંબોધિત કર્યું ત્યારે જાહેર પ્લેટફોર્મ પર જોવા મળ્યા હતા. ઑક્ટોબરમાં બેઇજિંગે લિ પાસેથી સંરક્ષણ પ્રધાન અને રાજ્ય કાઉન્સિલરના હોદ્દા છીનવી લીધા હતા. ચીનના મિડીયાના જણાવ્યા અનુસાર લિ શાંગફુ પર સંરક્ષણ સાધનોની ખરીદીમાં ભ્રષ્ટાચાર માટે તપાસ કરવામાં આવી રહી હતી.