
અયોધ્યા: અયોધ્યામાં આજે વડા પ્રધાનના સ્વાગતની સાથે સાથે દિલ્હીથી અયોધ્યાની પ્રથમ કોમર્શિયલ ફ્લાઈટ શનિવારે મહર્ષિ વાલ્મીકિ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરશે. પાયલોટ ઇન કમાન્ડ કેપ્ટન આશુતોષ શેખર તે ફલાઈટને લેન્ડ કરશે. ખાસ બાબત એ છે કે આશુતોષ શેખરનો પરિવાર ઘણી પેઢીઓથી અયોધ્યાના શ્રી રામવલ્લભકુંજ જાનકી સ્થળનો અનુયાયી છે. આ ફ્લાઈટ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી બપોરે 2:40 કલાકે ઉપડશે અને સાંજે 4:00 કલાકે અયોધ્યા પહોંચશે.
આ પહેલા ટ્રાયલ તરીકે અયોધ્યા એરપોર્ટ પર પ્લેન લેન્ડ થઈ ચૂક્યા છે, પરંતુ પેસેન્જરોને લઈ જનારી આ પહેલી ફ્લાઈટ હશે. આશુતોષ શેખર કો-પાઈલટ તરીકે નિખિલ બક્ષી સાથે હશે. મોડી રાત સુધી આ ફ્લાઇટ કેટલી સીટરની હશે તે નક્કી નથી થયું. પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ પ્રથમ ફ્લાઈટ 186 સીટરથી લઈને 332 સીટરની હોઈ શકે છે.
એવું માનવામાં આવે છે કે લંકા પર વિજય મેળવ્યા પછી પહેલું વિમાન ‘પુષ્પક’ રામચંદ્રજીને લઈને અયોધ્યાની ધરતી પર ઉતર્યા હતા અને હવે ઈન્ડિગોનું પહેલું વિમાન આજે તેમના ભક્તોને લઈને ઉતરશે.