ટોપ ન્યૂઝનેશનલ

‘હું શ્રેષ્ઠ ઉદાહરણ છું’, CM પદ માટે નવા ચહેરાઓને તક અંગે વડાપ્રધાન મોદીનું નિવેદન

નવી દિલ્હી: તાજેતરમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ પાર્ટીના નવા ચહેરાઓને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા, જેનું અનુમાન રાજકીય વિશ્લેષકોને પણ લાગવી શક્ય ન હતા. આ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે નવા ચહેરાની પસંદગી કરવી ભારતીય જનતા પાર્ટી માટે નવું વલણ નથી અને હું પોતે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છું.

ભારતીય જનતા પાર્ટીએ તાજેતરમાં રાજસ્થાનના મુખ્ય પ્રધાન પદ માટે ભજન લાલ, મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન પદ માટે મોહન યાદવ અને છત્તીસગઢના મુખ્ય પ્રધાન પદ માટે વિષ્ણુ દેવ સાઈને પસંદ કર્યા હતા.


એક મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યૂમાં વડાપ્રધાને કહ્યું હતું કે, “ભાજપની અંદર આ પ્રથાનું હું શ્રેષ્ઠ ઉદાહરણ છું. જ્યારે હું ગુજરાતનો મુખ્ય પ્રધાન બન્યો ત્યારે મારી પાસે અગાઉનો કોઈ વહીવટી અનુભવ નહોતો અને હું પહેલા ક્યારેય વિધાનસભામાં પણ ચૂંટાયો ન હતો…”


અત્રે ઉલ્લેખનીય છે કે 2001માં ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે કેશુભાઈ પટેલના સ્થાને નરેન્દ્ર મોદી આવ્યા હતા, તેના ચાર મહિના પછી તેઓ રાજ્ય વિધાનસભામાં ચૂંટાયા. વડા પ્રધાને જણાવ્યું હતું કે ભાજપ વિવિધ પ્રયોગો કરવા માટે ટેવાયેલી છે અને તે “કેડર આધારિત પાર્ટી” છે.


વડા પ્રધાને ઈન્ટરવ્યું દરમિયાન કહ્યું કે, ભાજપમાં એક જ સમયે નેતૃત્વની અનેક પેઢીઓને ઉછેરવાની ક્ષમતા છે. ભાજપના પ્રમુખોને જુઓ અને તમને દર થોડા વર્ષોમાં નવા ચહેરાઓ જોવા મળશે. તેમણે કહ્યું કે પાર્ટીએ ગુજરાત કેબિનેટ અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન માટે નવા ચહેરાઓ પસંદ કર્યા છે.


વડા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, લોકશાહીમાં, નવી પેઢીઅને નવા લોહીને તક પૂરી પાડવી જરૂરી છે. આ પ્રથા લોકશાહીને ગતિશીલ બનાવે છે. તેમણે વિરોધ પક્ષો પર પણ કટાક્ષ કરતા કહ્યું કે પરિવારવાદી પક્ષોને આ લોકશાહી મંથન મુશ્કેલ લાગે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button