શૅર આંકમાં ૨૦ ટકાના સુધારા સાથે વર્ષ ૨૦૨૩ની વિદાય, અંતિમ સત્રમાંસેન્સેકસમાં ૧૭૦ પૉઈન્ટનો અને નિફ્ટીમાં ૪૭ પૉઈન્ટનો ઘટાડો
વર્ષ દરમિયાન રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૮૧.૯૦ લાખ કરોડનો ઉમેરો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વર્તમાન કૅલૅન્ડર વર્ષ ૨૦૨૩ ઈક્વિટી માર્કેટ માટે રેકોર્ડ સ્થાપતું વર્ષ પુરવાર થતાં વાર્ષિક ધોરણે બૅન્ચમાર્ક આંકમાં ૨૦ ટકા જેટલો ઉછાળો આવ્યો છે અને આજે અંતિમ સત્રમાં રોકાણકારોએ નફો ગાંઠે બાંધતા બૉમ્બે સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૧૭૦.૧૨ પૉઈન્ટનો અને ૪૭.૩૦ પૉઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. જોકે આજે અંતિમ સત્રમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં અનુક્રમે રૂ. ૧૪૫૯.૧૨ કરોડની અને રૂ. ૫૫૪.૩૯ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી બૅન્ચમાર્કમાં ઘટાડો સિમિત રહ્યો હતો.
સતત પાંચ સત્ર સુધી એકતરફી તેજીનું વલણ રહેતાં સેન્સેક્સમાં ૧૯૦૪.૦૭ પૉઈન્ટની અને નિફ્ટીમાં ૬૨૮.૫૫ પૉઈન્ટની તેજીની રેલી જોવા મળ્યા બાદ આજે વર્ષ ૨૦૨૩ના અંતિમ સત્રમાં ખાસ કરીને એનર્જી, બૅન્કિંગ અને આઈટી શૅરોમાં નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં બૅન્ચમાર્ક ઈન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.
આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક ઈન્ડેક્સ ગઈકાલના ૭૨,૪૧૦.૩૮ના બંધ સામે નરમાઈના અન્ડરટોને ૭૨,૩૫૧.૫૯ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૨,૦૮૨.૬૪ અને ઉપરમાં ૭૨,૪૧૭.૦૧ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૦.૨૩ ટકા અથવા તો ૧૭૦.૧૨ પૉઈન્ટ ઘટીને ૭૨,૨૪૦.૨૬ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૨૧,૭૭૮.૭૦ના બંધ સામે ૨૧,૭૩૭.૬૫ની સપાટીએ ખૂલ્યા બાદ નીચામાં ૨૧,૬૭૬.૯૦ અને ઉપરમાં ૨૧,૭૭૦.૩૦ની રેન્જની વધઘટે અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૦.૨૨ ટકા અથવા તો ૪૭.૩૦ પૉઈન્ટ ઘટીને ૨૧,૭૩૧.૪૦ના મથાળે બંધ રહ્યો હતો.
એકંદરે વર્ષ ૨૦૨૩નું વર્ષ દલાલ સ્ટ્રીટનાં રોકાણકારો માટે યાદગાર વર્ષ પુરવાર થયું હતું, જેમાં સકારાત્મક પરિબળોને કારણે બજારમાં તેજીનો પવન ફૂંકાતા રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૮૧.૯૦ લાખ કરોડનો ઉમેરો થયો છે. નિષ્ણાતોના મતાનુસાર દેશમાં મજબૂત આર્થિક પરિબળો, તાજેતરની ત્રણ રાજ્યોની ચૂંટણીમાં શાસક પક્ષ બીજેપીનો વિજય થતાં રાજકીય સ્થિરતાનો આશાવાદ, આગામી વર્ષ ૨૦૨૫માં અમેરિકી ફેડરલ રિઝર્વ ત્રણ વખત વ્યાજદરમાં કાપ મૂકે તેવાં ફેડરલના સંકેતો અને રિટેલ રોકાણકારોનો બજાર સહભાગીતામાં વધારો જેવા કારણોએ વર્ષ ૨૦૨૩ની તેજીને રેલીને મજબૂત ટેકો આપ્યો છે. છેલ્લાં થોડા સત્રથી એકતરફી તેજી જોવા મળી હોવાથી આજે રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવીને ઑઈલ ઍન્ડ ગૅસ ક્ષેત્રના શૅરોમાં નફો ગાંઠે બાંધતા ઈન્ડેક્સમાં નરમાઈ જોવા મળી હતી.
જોકે, ઑટો ક્ષેત્રના શૅરોમાં લેવાલી રહેતાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો. આગામી દિવસોમાં પણ ચોક્કસ શૅરોમાં નફારૂપી વેચવાલીનું દબાણ જોવા મળશે, પરંતુ એકંદરે મજબૂત પરિબળો, અમેરિકી બૉન્ડની યિલ્ડમાં ઘટાડાની સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો આંતરપ્રવાહ જળવાઈ રહે તેમ હોવાથી બજારનો અન્ડરટોન તેજીનો રહે તેવી શક્યતા મહેતા ઈક્વિટીઝનાં રિસર્ચ વિભાગનાં સિનિયર વાઈસ પ્રેસિડૅન્ટ પ્રશાંત તાપ્સેએ જણાવ્યું
હતું.
આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૧૨ શૅરના ભાવ વધીને અને ૧૭ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે એકમાત્ર જેએસડબ્લ્યુ સ્ટીલનાં ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જના ૫૦ શૅર પૈકી ૧૮ શૅરના ભાવ વધીને ૩૧ શૅરના ભાવ ઘટીને અને એક શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. સેન્સેક્સ હેઠળના આજે મુખ્ય વધનાર શૅરમાં સૌથી વધુ ૩.૫૨ ટકાનો વધારો ટાટા મોટર્સમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે નેસ્લેમાં ૧.૩૫ ટકાનો, હિન્દુસ્તાન યુનીલિવરમાં ૧.૧૨ ટકાનો, ટાટા સ્ટીલમાં ૦.૯૮ ટકાનો, બજાજ ફાઈનાન્સમાં ૦.૯૫ ટકાનો અને અલ્ટ્રાટેક સિમેન્ટમાં ૦.૮૪ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં ૧.૪૧ ટકાનો, ઈન્ફોસિસમાં ૧.૨૯ ટકાનો, ટિટાનમાં ૧.૦૯ ટકાનો, ટૅક મહિન્દ્રામાં ૧.૦૫ ટકાનો, એનટીપીસીમાં ૦.૯૫ ટકાનો અને આઈસીઆઈસીઆઈ બૅન્કમાં ૦.૮૯ ટકાનો ઘટાડો આવ્યો હતો. આજે બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં અનુક્રમે ૦.૮૫ ટકા અને ૦.૬૯ ટકાનો સુધારો આગળ ધપ્યો હતો.
વધુમાં આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં ટેલિકોમ ઈન્ડેક્સમાં ૨.૮૪ ટકાનો, ઑટો ઈન્ડેક્સમાં ૧.૧૭ ટકાનો, એફએમસી ઈન્ડેક્સમાં ૦.૮૬ ટકાનો, રિયલ્ટી ઈન્ડેક્સમાં ૦.૭૫ ટકાનો, કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં ૦.૬૪ ટકાનો અને ઈન્ડસ્ટ્રિયલ ઈન્ડેક્સમાં ૦.૬૧ ટકાનો સુધારો આવ્યો હતો. તેની સામે આજે બેઝિક મટિરિયલ ઈન્ડેક્સ ૩.૦૫ ટકા, ક્ધઝ્યુમર ડિસ્ક્રેશનરી ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ઈન્ડેક્સમાં ૨.૪૦ ટકાનો, ફાઈનાન્સ ઈન્ડેક્સમાં ૧.૫૫ ટકાનો, ઑઈલ ઍન્ડ ગૅસ ઈન્ડેક્સમાં ૧.૧૦ ટકાનો, એનર્જી ઈન્ડેક્સમાં એક ટકાનો અને પીએસયુ ઈન્ડેક્સમાં ૦.૫૮ ટકાનો ઘટાડો આવ્યો હતો.
આજે એશિયામાં શાંઘાઈ અને હૉંગકૉંગની બજાર સુધારા સાથે બંધ રહી હતી, જ્યારે ટોકિયોની બજારમાં નરમાઈનું વલણ રહ્યું હતું. તેમ જ આજે યુરોપના બજારોમાં પણ સત્રના આરંભે સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. તેમ જ આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ૦.૮૬ ટકા વધીને બેરલદીઠ ૭૭.૮૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.