વેપાર

સોનામાં ₹ ૨૦૬નો અને ચાંદીમાં ₹ ૧૨૩૮નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ તથા ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં સાધારણ સુધારો આવ્યો જ્યારે વાયદામાં ઘટાડો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક મિશ્ર અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૦૫થી ૨૦૬નો ઘટાડો આવ્યો હતો. જોકે, ઊંચા મથાળેથી સાર્વત્રિક સ્તરેથી માગ પણ નિરસ રહી હતી. તેમ જ આજે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૨૩૮નો ઘટાડો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ખાસ કરીને સોનામાં વૈશ્ર્વિક બજાર પાછળ હાજરમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૦૫ ઘટીને રૂ. ૬૨,૯૯૩ અને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૦૬ ઘટીને રૂ. ૬૩,૨૪૬ના મથાળે રહ્યા હતા. જોકે, ભાવમાં ઘટાડો આવ્યો હોવા છતાં ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પાંખી રહી હતી. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક સટ્ટાકીય વેચવાલીના દબાણ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૨૩૮ ઘટીને રૂ. ૭૩,૩૯૫ના મથાળે રહ્યા હતા.

તાજેતરમાં ડૉલર ઈન્ડેક્સ પાંચ મહિનાની નીચી સપાટી સુધી ગબડ્યા બાદ આજે ૦.૩ ટકા જેટલો ઘટાડો નોંધાયો હોવાથી તેમ જ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પણ ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ સાધારણ ૦.૦૨ ટકા વધીને ઔંસદીઠ ૨૦૬૫.૨૯ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૪ ટકા ઘટીને ૨૦૭૪.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે આ વર્ષમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં અંદાજે ૧૪ ટકા જેટલો ઉછાળો આવ્યો હોવાથી છેલ્લાં ત્રણ વર્ષમાં આ વર્ષ સૌથી વધુ સારું પુરવાર થાય તેમ જણાય છે. વધુમાં આજે હાજરમાં ચાંદીના ભાવ એક ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૨૩.૬૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

દરમિયાન ગઈકાલે અમેરિકા ખાતે જાહેર થયેલા બેરોજગારીનાં ડેટામાં બેરોજગારી ભથ્થુ મેળવનારાની સંખ્યામાં વધારો થયો હતો જે ચોથા ત્રિમાસિકગાળામાં શ્રમ બજાર શાંત રહેવાનો સંકેત આપે છે. તેમ છતાં ફેડરલ રિઝર્વ આગામી માર્ચ મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતા સીએમઈ ફેડ વૉચ ટૂલ દ્વારા દર્શાવાઈ રહી છે. આમ એકંદરે વ્યાજ કપાતના માહોલમાં આગામી વર્ષ દરમિયાન સોનાના ભાવમાં સુધારાતરફી વલણ જળવાઈ રહે તેવી શક્યતા યુબીએસનાં વિશ્ર્લેષક જિઓવન્ની સ્ટૉન્વોએ વ્યક્ત કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button