એકસ્ટ્રા અફેર

વાડરા ભ્રષ્ટાચારી છે તો ધરપકડ કેમ થતી નથી ?

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

લોકસભાની ચૂંટણી નજીક છે તેથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) સહિતની કેન્દ્ર સરકારની એજન્સીઓને રોબર્ટ વાડરા પાછા યાદ આવી ગયા છે. ઈડીને રોબર્ટ વાડરા યાદ આવ્યા તેનો મતલબ ભાજપને યાદ આવ્યા એવો થાય એ કહેવાની જરૂર નથી કેમ કે ઈડી કેન્દ્ર સરકારના ઈશારે કામ કરતી એજન્સી છે. ૨૦૧૪માં ભાજપ સત્તામાં આવ્યો ત્યારથી આ ખેલ ચાલે છે. ચૂંટણી આવે એટલે રોબર્ટ વાડરાના કહેવાતા ભ્રષ્ટાચાર અંગે તપાસનું નાટક શરૂ થાય, ચૂંટણી પ્રચારમાં વાડરાના નામે કૉંગ્રેસ અને ખાસ તો નહેરુ-ગાંધી ખાનદાનને ભ્રષ્ટાચારી ગણાવીને ગાળો દેવાય ને જેવી ચૂંટણી પતે કે તરત વાડરા સાહેબ ભુલાઈ જાય.

દર વખતે આ ધંધો થાય છે તેથી લોકો પણ ઉબવા માંડ્યા છે એટલે ઈડીએ એક નવું આકર્ષણ ઉમેરવા પ્રયત્ન કર્યો છે. આ વખતે વાડરાની સાથે સાથે તેમનાં ધર્મપત્ની પ્રિયંકા ગાંધીનો પણ ઉલ્લેખ કરી નાંખ્યો છે. ફરાર આર્મ્સ ડીલર સંજય ભંડારી સામે ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (ઙખકઅ) હેઠળ દાખલ કરેલા ચાર્જશીટમાં રોબર્ટ વાડરાનો ઉલ્લેખ છે. ઈડીનું કહેવું છે કે, ભંડારીએ ભ્રષ્ટાચાર કરીને લંડનમાં વસાવેલી એક પ્રોપર્ટીને વાડરાએ રીનોવેટ કરાવી હતી અને તેમાં રહ્યા પણ હતા. આડકતરી રીતે ઈડીનું કહેવું છે કે, લંડનની આ પ્રોપર્ટીના માલિક રોબર્ટ વાડરા છે ને વાડરાએ કોઠાંકબાડાં કરીને મેળવેલી છે.

આ ચાર્જશીટમાં કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડરાનું નામ પણ છે. ઈડીનો દાવો છે કે, પ્રિયંકાએ ૨૦૦૬માં હરિયાણાના ફરીદાબાદમાં ૫ એકર ખેતીની જમીન ખરીદી હતી. પ્રિયંકાએ આ જમીન દિલ્હીના રિયલ એસ્ટેટ એજન્ટ એચ.એલ. પાહવા પાસેથી ખરીદી હતી અને ફેબ્રુઆરી ૨૦૧૦માં જ પાહવાને આ જમીન પાછી વેચી દેવામાં આવી હતી. આ જમીન ફરીદાબાદના અમીપુર ગામમાં પાહવા પાસેથી ખરીદવામાં આવી હતી. પ્રિયંકાના પતિ રોબર્ટ વાડરાએ પણ ૨૦૦૫-૨૦૦૬માં પાહવા પાસેથી અમીપુર ગામમાં ૪૦.૦૮ એકર જમીનના ત્રણ ટુકડા ખરીદ્યા હતા અને ડિસેમ્બર ૨૦૧૦માં પાહવાને પાછી જમીન વેચી દીધી હતી.
કોઈને સવાલ થશે કે, આ રીતે જમીન લીધી ને પછી જમીન એ જ એજન્ટને વેચી દીધી તેમાં ભ્રષ્ટાચાર ક્યાં આવ્યો ? આ વાત સામાન્ય લોકોને નહીં સમજાય કેમ કે સામાન્ય લોકો ઈડીમાં નથી. આ વાત સમજવા ઈડીમાં હોવું ને કેસરી રંગના ચશ્માં પહેરેલાં હોવાં જરૂરી છે.

ઈડીને આ કેસમાં કશુંક ગરબડ થયાની ગંધ આવે છે કેમ કે એનઆરઆઈ બિઝનેસમેન સી.સી. થમ્પીને પણ આ એજન્ટ પાહવાએ જ જમીન વેચી હતી અને થમ્પીના ભંડારી સાથે સંબંધ છે. સંજય ભંડારી સામે અગસ્ટાવેસ્ટલેન્ડ હેલિકોપ્ટરની ખરીદીમાં ભ્રષ્ટાચારનો આરોપ છે. આર્મ્સ ડીલર ભંડારી સામે મની-લોન્ડરિંગ, વિદેશી હૂંડિયામણ અને કાળા નાણાંના કાયદાના ઉલ્લંઘન અને ઓફિશિયલ સિક્રેટ એક્ટના ભંગની કલમો સાથે કેસ થયેલા છે. કેન્દ્ર સરકારની ઈડી, સીબીઆઈ સહિતની એજન્સીઓ દ્વારા ભંડારી સામે તપાસ ચાલી રહી છે. ૨૦૧૬માં ભંડારી ફરતે ભાજપ સરકારે ગાળિયો કસ્યો પછી ભંડારી ૨૦૧૬માં જ ભારતથી બ્રિટન ભાગી ગયો હતો.

ઈડીનો આરોપ છે કે, થમ્પી ઉપરાંત બ્રિટિશ નાગરિક સુમિત ચઢ્ઢાએ ભંડારીને ભ્રષ્ટાચાર કરીને કમાવેલી કાળી કમાણીની રકમ છુપાવવામાં મદદ કરી હતી.. થમ્પીએ પણ ૨૦૦૫ અને ૨૦૦૮ વચ્ચે પાહવા પાસેથી ફરીદાબાદના અમીપુરમાં લગભગ ૪૮૬ એકર જમીન ખરીદી હતી. રોબર્ટ વાડરા અને થમ્પી એકબીજાની નજીક હોવાનું કહેવાય છે. થમ્પી અને તેના ભારતીય સાથીઓ સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) હેઠળ તપાસ ચાલી રહી છે

ચાર્જશીટ પ્રમાણે, થમ્પીએ વાડરાની બે નંબરની કમાણીને સગેવગે કરવા માટે ૧ નવેમ્બર ૨૦૦૭ના રોજ રોબર્ટ વાડરાના નામે બ્લુ બ્રિઝ ટ્રેડિંગ કંપની પ્રાઈવેટ લિમિટેડ બનાવી હતી. થમ્પીની ૨૦૨૦માં ધરપકડ કરવામાં આવી હતી અને અત્યારે એ જામીન પર છૂટેલો છે. ઈડીએ ચાર્જશીટમાં દાવો કર્યો છે કે થમ્પી અને રોબર્ટ વાડરા વચ્ચે ગાઢ મિત્રતા હતી એવું થમ્પીએ સ્વીકાર્યું હતું. આ દોસ્તી અંગત નહોતી પણ બંને ભાગીદાર પણ હતા. થમ્પીએ ઈડીને કહ્યું હતું કે, હું રોબર્ટ વાડરાને ૧૦ વર્ષથી વધુ સમયથી ઓળખું છું. વાડરાની યુએઈ અને લંડનની મુલાકાત દરમિયાન અમે મળીએ છીએ.

આમ તો ભંડારી, થમ્પી, રોબર્ટ વાડરા, પાહવા વગેરે એકબીજા સાથે સંકળાયેલા છે તેના કારણે કશું સાબિત થતું નથી પણ ઈડીનું કહેવું છે કે, ભ્રષ્ટાચારીઓની આ આખી ચેઈન છે. આ વાત સ્વીકારવામાં વાંધો નથી પણ તેના પુરાવા પણ હોવા જોઈએ કે નહીં ? સંજય ભંડારી સામે ૨૦૧૫માં કેસ નોંધાયો ને ૮ વર્ષથી તપાસ ચાલે છે પણ આ દરમિયાન ભંડારી સાથે મળીને વાડરાએ કશું ખોટું કર્યું છે એવા કોઈ નક્કર પુરાવા ઈડી શોધી શકી નથી.
જો કે સૌથી મોટો સવાલ એ છે કે, વાડરાએ ભ્રષ્ટાચાર કર્યો હોય તો તેની ધરપકડ કેમ કરાતી નથી ? છેલ્લાં ૧૦ વર્ષથી વાડરાએ બેફામ ભ્રષ્ટાચાર કર્યો હોવાની વાતો કરાય છે તો પછી વાડરાને તેનાં કરમોની સજા કેમ મળતી નથી? ચૂંટણી આવે ત્યારે જ કેમ વાડરાને યાદ કરાય છે ?

ડિસેમ્બર ૨૦૧૩માં રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારથી ભાજપ વાડરાના મામલે હોહા કર્યા કરે છે. આ વાતને દસ વરસ થઈ ગયાં પણ ભાજપે વાડરાનો વાળ સુધ્ધાં વાંકો કર્યો નથી. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપે વચન આપેલું કે તે સત્તામાં આવશે તો વાડરાનાં કાળાં કરમોની તપાસ કરાવશે. ચૂંટણી પતી એટલે ભાજપ આખી વાતને ભૂલી ગયેલો. લોકસભાની ચૂંટણી આવી એટલે ભાજપે વાડરાને રાહુલ ગાંધીના સૂટેડ બૂટેડ ‘જીજાજી’ને યાદ કરીને ભ્રષ્ટાચારનો મુદ્દો ચગાવેલો પણ લોકસભાની ચૂંટણી પતી એટલે પાછા ભાજપવાળા વાડરાને ભૂલી ગયેલા. વચ્ચે વચ્ચે વિધાનસભાઓની ચૂંટણી આવે કે મુશ્કેલી પડે એટલે ભાજપ વાડરાને યાદ કરી લે ને પછી વાડરાને ભઉલાવી દે એ તમાશો આપણે દસ વરસથી જોયા કરીએ છીએ.

લોકસભાની ચૂંટણી આવી એટલે એ તમાશો પાછો શરૂ થયો છે ને ચેન્જ ખાતર પ્રિયંકાનું નામ ઉમેરાયું છે. વાડરા ભ્રષ્ટાચારી હોય તો તેની સામે પગલાં લેવામાં ભાજપ સરકારને શું નડે છે એ સમજાતું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button