‘નાનાં’ શહેરોની છોકરીઓની ‘મોટી’ કમાલ
વિશેષ – સાશા
આ વાર્તા ૧૯૭૭માં એક જાન્યુઆરીની સવારે પર્થના હેલ સ્કૂલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં શરૂ થઈ હતી. તે દિવસે, શાંતા રંગાસ્વામીની આગેવાની હેઠળની ભારતીય મહિલા ટીમે માર્ગારેટ જેનિમ્સની આગેવાની હેઠળની અત્યંત મજબૂત ઓસ્ટ્રેલિયન ટીમનો સામનો કર્યો હતો. બંને દેશો વચ્ચે આ પ્રથમ મહિલા ક્રિકેટ ટેસ્ટ હતી. ભારત ૧૪૭ રનથી હારી ગયું હતુંં. હવે લગભગ ૪૭ વર્ષ પછી, ભારતીય ટીમે આખરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કેપ્ટન હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ફરીથી ઈતિહાસ રચ્યો.
ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની આ પ્રથમ જીત છે. ૧૧મી ટેસ્ટમાં આઠ વિકેટથી ભારતને શાનદાર જીત મળી હતી, આ અગાઉ બંને ટીમોએ એકબીજા સામે કારોરા (ક્વીન્સલેન્ડમાં ગોલ્ડ કોસ્ટનું સબર્બ) અને લખનઊ જેવાં વિવિધ સ્થળોએ ૧૦ મેચ રમી હતી, જેમાં ઓસ્ટ્રેલિયા ચાર ટેસ્ટ જીત્યું હતું અને બાકીની ૬ મેચ ડ્રો થઈ હતી.
લખનઊ ટેસ્ટ ૪૦ વર્ષ પહેલા થઈ હતી, એટલે કે ઓસ્ટ્રેલિયન ટીમ ચાર દાયકા પછી ટેસ્ટ મેચ રમવા ભારત આવી હતી. બાય ધ વે, છોકરીઓએ થોડા દિવસ પહેલા નવી મુંબઈમાં ઈંગ્લેન્ડને ૩૪૭ રનથી હરાવીને નવ વર્ષ બાદ ભારતીય ધરતી પર ટેસ્ટ મેચ રમી છે.
મુંબઈમાં ઓસ્ટ્રેલિયાને ફસ્ટ ઈનિંગમાં ૨૧૯ રનમાં ઓલઆઉટ કરીને ભારતે ૪૦૬ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. સેક્ધડ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાએ સખત સંઘર્ષ કરી પાંચ વિકેટના નુકસાન પર ૨૩૩ રન બનાવ્યા, પરંતુ ભારતીય બોલરોએ પોતાનું દબાણ જાળવી રાખ્યું અને બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાને ૨૬૧ રનમાં આઉટ કરી દીધું. ભારતે બે વિકેટ ગુમાવીને જીત માટે ૭૫ રન બનાવ્યા હતા. જ્યાંં એક તરફ જેમિમા રોડ્રિગ્સ, શુમા સતીશ, રેણુકા સિંહ ઠાકુર અને રિચા ઘોષ જેવી યુવા છોકરીઓ ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયા જેવી પ્રબળ ટીમોને માત્ર એક પખવાડિયામાં હરાવી હતી, ત્યાંં બીજી તરફ ભારતની નિર્દય બોલિંગે પણ પોતાનો જાદુ ચલાવ્યો ઓસ્ટ્રેલિયન કેપ્ટન એલિસા હીલીએ પણ કહ્યું કે ભારતની નિર્દય બોલિંગથી મેચમાં ફરક ઘણો ફરક પડ્યો. તેઓ આ સ્થિતિમાં રમીને મોટા થયા છે. તેમની બેટિંગ પણ અમારાથી ઘણી અલગ છે, તેઓ જે શોટ સરળતાથી ફટકારે છે, તે શોટ અમને રમવાની આદત નથી.
તેમના ત્રણ સ્પિનરો (દીપ્તિ શર્મા, સ્નેહ રાણા અને રાજેશ્ર્વરી ગાયકવાડ)એ અમારા માટે રન બનાવવાનું મુશ્કેલ બનાવ્યું હતું. કેટલીકવાર તો કોઇ રન જ નોંધાતો ન હતો, એવું લાગતું જાણે રમત બંધ જ થઈ ગઈ હોઇ અને પૂજા વસ્ત્રાકરે પણ નવા બોલથી ઘણું નુકસાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સ્નેહ રાણાએ મેચમાં (૩/૫૬ અને ૪/૬૩) ૧૧૯ રન આપીને ૭ વિકેટ લીધી હતી, જે તેની કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે અને તેને આ ટેસ્ટ માટે તેનો પ્રથમ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો.
ભારતનું અદ્ભુત વર્ચસ્વ છેલ્લા ઘણાં વર્ષોમાં મહિલા ટીમના ભૌગોલિક આધારમાં થયેલા જબરદસ્ત પરિવર્તનને દર્શાવે છે. ૧૯૭૦ના દાયકામાં ચેન્નાઈમાં જન્મેલા, રંગાસ્વામીની ટીમમાં મોટાભાગના ખેલાડીઓ ભારતભરમાંથી આવ્યા હતા. ઓપનિંગ બેટ્સમેન અને વિકેટકીપર ફૌઝિયા ખલીલી અને ઓલરાઉન્ડર ડાયના એડુલજી મુંબઈના હતા.
લેફ્ટ આર્મ સ્પિનર શર્મિલા ચક્રવર્તી કલકત્તાની હતી અને મેચની પ્રથમ ઇનિંગમાં ૯૯ રનમાં ૬ વિકેટ લેનાર લેગ સ્પિનર શુભાંંગી કુલકર્ણીનો જન્મ પૂનામાં થયો હતો. આ પછી, જ્યાં આપણી મહિલા ટેસ્ટ ક્રિકેટની નવી પેઢીનો જન્મ થયો અને ઉછેર થયો તેમાં ઘણું પરિવર્તન આવ્યું.
કેપ્ટન હરમનપ્રીત કૌર પંજાબના એક નાનકડા શહેર મોગાથી આવે છે જ્યાં તે બાળપણમાં છોકરાઓ સાથે ક્રિકેટ રમતી હતી કારણ કે અહીં છોકરીઓ ક્રિકેટ રમતી નહોતી. રોહતકની શેફાલી વર્માની પણ આવી જ હાલત હતી.
તેણીને છોકરાની જેમ તેના વાળ કાપવા પડતા હતા જેથી લોકો તેને છોકરો સમજે કારણ કે કેટલાક છોકરાઓ છોકરી સાથે રમવા માંગતા ન હતા. મુંબઈમાં પોતાની પ્રથમ ટેસ્ટ રમનાર રિચા ઘોષ, જેણે ૫૨ રન બનાવ્યા અને બેથ મૂનીને ચતુરાઈથી રન આઉટ કર્યુ, સિલિગુડી, ઉત્તર બંગાળથી આવે છે.
પૂજા વસ્ત્રાકર, જેની પાંચ વિકેટ અને ૪૭ રન ભારતની જીતમાં મહત્ત્વપૂર્ણ હતા, તે મધ્ય પ્રદેશના પહાડી અને જંગલ જિલ્લા શાહડોલની છે. એકંદરે આ ખેલાડી એ વાતનો પુરાવો છે કે ભારતનાં નાનાં ગામડાઓમાં પ્રતિભાનો ખજાનો છુપાયેલો છે. મુંબઈની જેમિમાહ રોડ્રિગ્સ તેમાં અપવાદ છે.
વાત અહીં પૂરી નથી થતી. બેટિંગ સ્ટાર સ્મૃતિ મંધના જેણે ઓસ્ટ્રેલિયા સામે ચાર ઇનિંગ્સમાં એક સદી (૧૨૭) અને એક અડધી સદી (૭૪)ની સાથે ૯૦ની સરેરાશથી કુલ ૨૭૦ રન બનાવ્યા હતા, જે ભારતીય મહિલાઓ માટે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે શ્રેષ્ઠ છે, દક્ષિણ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાની છે.
પ્લેયર ઓફ ધ મેચ સ્નેહ રાણાનો જન્મ દેહરાદૂનમાં થયો હતો, ફાસ્ટ બોલર રેણુકા સિંહ શિમલાની છે અને ભારતની અગ્રણી ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા આગ્રામાં ક્રિકેટ શીખી હતી. તેથી મહિલા ટીમ ખરા અર્થમાં અખિલ ભારતીય છે. પરિવર્તન એક પ્રક્રિયા છે, ઘટના નથી. આગ્રાની ભૂમિ પર ભૂતકાળમાં હેમલતા કાલા અને પ્રીતિ ડિમરી જેવા ટેસ્ટ ક્રિકેટરોનો જન્મ થયો છે.
તાજની નગરીમાં ક્રિકેટ એકેડમી ચલાવી રહેલા લોકોએ ૨૦૧૮માં જ કહ્યું હતું કે નાનાં શહેરો અને નગરોમાં ક્રિકેટ રમતી છોકરીઓની સંખ્યા સતત વધી રહી છે.
જુનિયર ટ્રાયલ માટે આવતી મોટાભાગની છોકરીઓ નિમ્ન અને અત્યંત નીચલા વર્ગનાં ઘરોની હોય છે. હવે જ્યારે વિમેન્સ પ્રીમિયર લીગ વાસ્તવિકતા બની ગઈ છે, ત્યારે છોકરીઓએ પણ ક્રિકેટને આર્થિક અને સામાજિક પ્રગતિના માધ્યમ તરીકે સ્વીકારવા માંડ્યું છે, જે મહિલા ક્રિકેટ માટે સારા સમાચાર છે.