વીક એન્ડ

“થોડુંક પીવાની છૂટ છે, લ્યો ઢીંચો”

મસ્તરામની મસ્તી – મિલન ત્રિવેદી

ગુજરાતમાં હાલ થોડુંક પીવાની છૂટ છે. અરે ભાઈ ગુજરાતના નકશામાં અમુક જગ્યા બહુ સ્પેશિયલ છે અને એ સ્પેશિયલ જગ્યાની શરૂઆત ગિફ્ટ સિટીથી થાય છે. ગિફ્ટ સિટીમાં પેગ મારવાની છૂટ આપી અને ગુજરાતની જનતાને જાણે ગિફ્ટમાં આખું સિટી મળી ગયું હોય તેવી ખુશી થઈ છે. ઘણા સમયથી લોકો ચોરી છુપીનો દારૂ પી અને ખુલ્લેઆમ કહેતા હતા કે ગુજરાતમાં હવે થોડી છૂટ દેવી જોઈએ… ‘લ્યો ઢીંચો બસ???’

હજુ પણ બોલી જજો કોને કોને પરમિટ જોવે છે સુરતવાળાને ડાયમંડનું નવું બિલ્ડીંગ બને છે તેમાં જોઈએ છે દરેક પ્રવાસન સ્થળમાં જોઈએ છે, આમ તો સૌરાષ્ટ્ર ગુજરાતમાં ગામે ગામ ફરવાનાં સ્થળો છે જ. અને અમારા અમુક નેતાઓને પૂછો તો એમ કહે કે હરવા ફરવા અને ‘ચરવા’ના સ્થળો છે. અને ચિંતા ના કરો જો છૂટ મળતી હશે તો ગામવાળા એકાદ જોવાલાયક સ્થળ ઊભું પણ કરી દેશે.અમુક લોકોએ તો અરજી પણ કરી દીધી છે કે અમારા મહોલ્લાનું નામ ગિફ્ટ સિટી રાખો. અમુક એવી પણ રજૂઆત કરી છે કે અમારી દુકાનમાં પણ ભુરીયાઓ આવે છે. મોરબી વાંકાનેર થાન આ વિસ્તારમાં ટાઇલ્સ અને સેનેટરીવેર્સનો મોટો ધંધો છે.તે લોકો પણ કહે છે કે અમે તો દેશ વિદેશમાં ધંધો કરીએ છીએ.અને એ લોકો પણ આવે છે. તો અમારી દરેકની ફેક્ટરીમાં અત્યારના અમારા લાગેલા બાર ને કાયદેસર કરી આપવા વિનંતી.

માણસની સાઇકોલોજી છે કે જે વસ્તુ કરવાની ના પાડો તે વસ્તુ ખાસ કરશે તમે બોર્ડ માર્યું હોય કે “બાકડો અત્યારે જ રંગ્યો છે કોઈએ અડવું નહીં. તો ખાસ આંગળી અડાડી અને જોશે કે અત્યારે જ રંગ્યો છે કે નહીં?

ગુજરાતમાં દારૂ પીવાની મનાઈ છે એટલે ગમે તે બહાને લોકોને તે પીવો છે. આજે ધંધામાં કશું જ નથી મળ્યું બે પેગ પીવા પડશે તો બીજો એમ કહે છે કે આજે ખૂબ સારો ધંધો કર્યો મોજ આવી,ગઈ બે પેગ પીવા પડશે. એમાં પણ ડિસેમ્બર એટલે પીધડૂક મહિનો. દારૂનો સૌથી વધારે ઉપાડ આ મહિનામાં થાય. થોડી ઘણી બચત થતી હોય તો તેમાંથી થર્ટી ફ્સ્ટ માટેની ખરીદી ચાલુ થાય. અમારા ગુજરાત સ્ટેટમાં તો ઘણા પહેલી તારીખથી જ શોધવાની શરૂઆત કરી દે કેમ કે ૨૫ તારીખ પછી લગભગ બમણા ભાવે માલ મળે. આ પરિસ્થિતિને સાચવવા દૂરંદેશી તો વાપરવી પડે કે નહીં? કહેવાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે પણ ગુજરાત સરકારે આ વર્ષે ‘ડ્રીંક એન્ડ ડ્રાઇવ ઇઝ ક્રાઇમ’ અને દારૂબંધીના હોર્ડિંસનો કોન્ટ્રેક્ટ ૧૦૦ કરોડ ઉપરનો આપ્યો છે. તમે વિચાર તો કરો કે અમારા ગુજરાતમાં રહેતા ગુજરાતીઓ પર સરકારને કેટલો ભરોસો છે!!!

અમારે સામાન્ય રીતે છૂટથી છાકટા થવું હોય તો દીવ, દમણ,આબુ,મુંબઈ જેવી છૂટછાટવાળી જગ્યાએ જેવું પડે છે. હવે તેમાં એક જગ્યા ઉમેરાશે એટલે કે ગાંધીનગર પાસે ગિફ્ટ સિટી. દારૂના બાર ખોલવા માટે જેટલી અરજી નથી આવી તેનાથી વધારે અરજી તો સિંગ ચણાની લારી ઊભી રાખવા માટેની આવી છે.

મુંબઈમાં લોકો પીવા બેસે ત્યારે સંપૂર્ણ ધ્યાન દારૂ ઉપર હોય છે માત્ર ફ્રીમાં મળતી ચકલીથી ચલાવી લે છે અમારા ગુજરાતમાં એવું નહીં અહીં તો જાતજાતના સલાડ રોસ્ટેડ કાજુ બદામ ચીઝના કટકા બે ત્રણ જાતની વેફર ચાર પાંચ જાતની સીંગ બે ત્રણ જાતના દાળિયા એ મોટો થાળ ભરી અને બાઈટિંગ પીરસવામાં આવે અને પીતા પીતા સારું બાઇટિંગ ખાવાની જરૂર શું છે કે જેથી કરી અને દારૂ ની અવળી અસર ન થાય અને ગમે એટલો પી શકાય તેની રસપ્રદ રજૂઆતો પણ થાય.બે પેગ સુધી એક બોલે તે સામેવાળો સાંભળે.પછી બોલવા વાળાને શું બોલે છે તે ખબર ન હોય અને સામેવાળાને શું સાંભળે છે તે ખબર ન હોય.આવી પરિસ્થિતિમાં પણ કાજુ બદામ વહેલા ખાલી થાય તે નક્કી.

ગિફ્ટ સિટીમાં આખી બોટલ નહીં મળે આ જોઈતા હોય તો છૂટા છૂટા ૨૫ પેગ માગો મળશે. લોકો અમસ્તા અમસ્તા ગિફ્ટ સિટીમાં ફરવા જશે. અને ધંધો કરવા જાઉં છું તેવા બહાના નીચે એકાદ પેઢીના કોઈ કર્મચારીને ફોડી ત્યાં રેસ્ટોરન્ટમાં પીવા બેસશે.
અમારા ચુનીયાએ તો કહી દીધું છે કે ભાયડો રોજ બિઝનેસ ડીલ કરવા જવાનો છે.અને ત્યાં રેસ્ટોરન્ટ વાળાને પણ કહી દીધું છે કે ગમે તેવો અંગ્રેજી પીવડાવવાનો હોય પણ ગ્લાસમાં નહીં કોથળીમાં આપજે. કારણકે મને કોથળીના દારૂ વગર નશો ચડતો નથી. અને એ પણ નીટ જ પીવાનું કારણ કે સામેવાળો હજી ગ્લાસમાં ભરતો હોય ત્યાં તો દુનિયાના મોઢામાં બે પેગમાં ઉમેરાતું પાણી આવી ગયું હોય એટલે મોઢામાં જ મિક્સ કરી પેટમાં ઉતારી જવાની કળા તેણે હસ્તગત કરી છે. ગુજરાતીઓ જુગાડું તો હોય જ છે ત્યાં એક ગુજરાતીએ બોર્ડ મારેલું કે દારૂ ફ્રીમાં મળશે. મોટી લાંબી લાઈન લાગેલી ચુનીયો પણ લાઈનમાં ઊભો રહી ગયો વારો આવ્યો ત્યારે રેસ્ટોરન્ટ વાળાએ કહ્યું કે દારૂ ફ્રી છે ગ્લાસ ની કિંમત ₹ ૧,૦૦૦ લોકો લાઈનમાં ઊભા રહી અને કંટાળ્યા હોય ૧૦૦૦ રૂપિયા દઈ અને ગ્લાસ લઈ માત્ર એક પેગ ફ્રી મેળવી બેસી જતા. બીજા પેગથી તો બિલ ચાલુ થતું. ચુનીયાએ રેસ્ટોરન્ટવાળા ને મોઢા પાસે ખોબો ધર્યો અને કહ્યું કે, “નાખો આમાં રેસ્ટોરન્ટ વાળા એ કહ્યું કે “આ ટેકનિક બીજા કોઈને નહીં કહો તો રોજના બે પગ ફ્રી આપીશ.”આમ ચુનિયાએ તો રોજના બે ફ્રી પેગનો જુગાડ કરી જ લીધો છે.

એક વાત નક્કી છે કે લોકો ધંધો કરવા માટે ગિફ્ટ સિટીમાં આવે કે ના આવે પણ ધંધાની રાહમાં આજુબાજુના ગુજરાતીઓ મોજ કરશે તે વાત અમુક ગુજરાતી હોય તો રિસર્ચ ચાલુ કરી દીધું છે કે એવું શું છે ગિફ્ટ સિટીમાં કે જેના કારણે સરકારે રાજી થઈ અને દારૂ પીવાની પરમિટ આપી દીધી તો એવું આપણા સિટીમાં પણ આપણે ઊભું કરીએ જેથી સરકાર આપણને પણ ગિફ્ટ આપી શકે.

ગિફ્ટ સિટીમાં હાલ નોકરી મેળવવા માટે લોકો સામેથી પગાર આપવા તૈયાર છે. ગિફ્ટ સિટીમાં નોકરી કરતો મુરતિયો રાતોરાત સારી ક્ધયાને પામે તેવા સંજોગો બન્યા છે. અરે ખબર પડે કે જાન ગાંધીનગર જવાની છે અને ગિફ્ટ સિટી નજીક છે તો મોંઘા ભાવનું ત્યાંથી બાઈટિંગ ન લેવું એમ ગણતરી કરી લગ્નમાં પહેરવાના કપડાની જોડી બહાર કાઢી નાખે પણ ૫૦૦ ગ્રામ બાઈટિંગ અચૂક બેગમાં નાખે.

જોકે થોડાં આંદોલનો પણ થશે કારણ કે સરકારે જે રેગ્યુલર ડ્રિંક કરે છે તેમના માટે વ્યવસ્થા કરી છે બાકી રોજ પીવાવાળા દારૂડિયા માટે કોઈ વ્યવસ્થા નથી.

આપણે તો નશો કરતા લોકોમાં પણ સામાજિક ભેદભાવ જોવા મળે.

“મિસિસ ઓબેરોયના હબી ડ્રિંક કરે છે…

“સરલાનો પતિ દારૂ પીવે છે…..

અને…

“કામવાળી મંગુનો વર બેવડો છે….

ખરેખર તો આ દારૂડિયા દિલદાર હોય છે ડ્રિંક કરવાવાળો બે પેગ પીવડાવીને લાખો કરોડોનો ધંધો કરી લેતો હોય છે. દારૂ પીવાવાળો વર્ગ દોસ્તી નિભાવતો હોય છે.અને બેવડો પોતાના ખિસ્સામાં હોય એટલું લૂંટાવી ઘરે જતો હોય છે. જેણે બે પેગ મારવા છે તેની પાસે શું કામ મારવા છે તેનું લોજિક હોય જ અને જેણે ચાર પાંચ મારવા છે તેની પાસે પણ પૂરતી દલીલ હોય છે.

એક દારૂડિયો તબિયત બગડતાં ડોક્ટર પાસે તબિયત દેખાડવા ગયો હળવેથી ડોક્ટરને પૂછ્યું ડોક્ટર સાહેબ કેટલો દારૂ પીવું તો વાંધો નહીં. ડોક્ટરે કહ્યું કે બે પગ સુધી પીસો તો વાંધો નહીં. બીજે દિવસે બે પેગ પછી ત્રીજો પેગ ભરવા ગયો ત્યાં તેના મિત્રએ કહ્યું કે કેમ ત્રીજો ભર્યો?એટલે દારૂડિયાએ કહ્યું બે પેગની છૂટ પેલા ડોક્ટરે આપેલી અને બે પેગની એક બીજા ડોક્ટર પાસેથી છૂટ લીધી છે. સામાન્ય રીતે દારૂ પીધા પછીની હરકતો ઉપરથી તેનું કેરેક્ટર નક્કી કરવાવાળા ઘણા છે દારૂ ભરવામાં એક ટીપાનું પણ ચીટિંગ ન કરવા વાળો પિધડુકીયા ગ્રુપમાં ઈમાનદાર તરીકે પ્રખ્યાત હોય છે.અને ઘણીવાર તેની આ છાપ સામાન્ય જીવનમાં પણ લોકોના પ્રશ્ર્નો પૂરા કરવા તેને બોલાવવામાં આવે કે જે માણસ દારૂનો ટીપું કોઈને વધુ ઓછું ન આપી અને ન્યાય કરતો હોય તો આ માણસ જ ન્યાય કરી શકે. આપણે ત્યાં રિવાજ છે બાટલી ખાલી થાય એટલે ઊંધી મૂકી અને ઢાંકણામાં લવ ડ્રોપ ભેગા કરવામાં આવે.આ લવ ડ્રોપથી સ્વાદ ચાખવાનું ચાલુ કરવાવાળો ક્યારેય ચાર પેગ સુધી પહોંચી જાય છે તેની ખબર પડતી નથી.

ખરેખર સાચી હકીકત તો એ છે કે તમને ખબર પડે કે ફલાણી જગ્યાએ દારૂ પીવાય છે તો ત્યાં ઊભું ન રહેવું…. તરત સાથે બેસી જવું….. અરે સમજાવવા માટે કે આ તમે શું કરી રહ્યા છો? સમજે તો વધેલો માલ ભેગો કરી અને નીકળી જવું અને ન સમજે તો માલ ભેગા ભળી જવું. બીજું તો શું સમજાવું.મારો પણ સમય થઈ ગયો છે ચાલો… ઘરની અગાસી ઉપર એક ગિફ્ટ સિટી બનાવ્યું છે.

વિચારવાયુ:

દારૂડિયો:આજે તો મારા બાપાએ મને મારી મારીને ધોઈ નાખ્યો યાર..

મિત્ર- કેમ, શું થયું?

દારૂડિયો- હું ને મારા બાપા કરિયાણાની દુકાને ગયા હતા..

મેં વેફરના પડીકા લીધાં તો દુકાનવાળાએ દોઢો થઈને પૂછ્યું કે પ્લાસ્ટિકના ગ્લાસ કેટલા આપું?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા