આ હતી વર્ષ 2023ની સૌથી બકવાસ ફિલ્મ, કમાણી માત્ર 1 લાખ રૂપિયા!

વર્ષ 2023 બોલીવુડ માટે ઘણું યાદગાર રહ્યું. એક પછી એક બ્લોકબસ્ટર ફિલ્મો આવી અને આવતાવેંત છવાઇ ગઇ. શાહરુખ ખાનની પઠાણ-જવાન, સની દેઓલની ગદર 2, સલમાન ખાનની ટાઈગર 3, રણબીર કપૂરની એનિમલ થી પ્રભાસની સાલાર સુધીની ફિલ્મોએ 500 કરોડથી વધુની કમાણી કરી અને OTTના ઝંઝાવાતમાં હાંફી ગયેલા બોલીવુડને નવજીવન આપ્યું. જો કે આ બધા વચ્ચે એક ફિલ્મ હતી, જે ક્યારે આવી અને ક્યારે ગઇ તે કોઇને ખબર પણ ન પડી, અને માંડ લાખ રૂપિયાનો ધંધો કરીને ડબ્બામાં પેક થઇ ગઇ.
આ વર્ષે 3 નવેમ્બરે અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકરની એક ફિલ્મ રિલીઝ થઈ, જેનું નામ હતુ ‘ધ લેડી કિલર’. ફિલ્મને અજય બહલે ડિરેક્ટ કરી હતી. વર્ષ 2023માં આમ તો ઘણી ફ્લોપ ફિલ્મો આવી, જેમ કે કિસી કા ભાઈ કિસી કી જાન, ગણપત અને સેલ્ફી પરંતુ ‘ધ લેડી કિલર’ મહાફ્લોપ સાબિત થઇ. આ ફિલ્મને માંડ 1.5 રેટિંગ મળી હતી, તેમજ તેને પ્રમોટ પણ કરવામાં આવી નહિ.
નવાઇની વાત એ છે કે ફિલ્મ જ્યારે ઊંધા માથે પછડાઈ તો ડાયરેક્ટર અજય બહલે મીડિયાના સવાલના જવાબ આપતા કહ્યું હતું કે ફિલ્મને અધૂરી જ રિલીઝ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે 117 પાનાના સ્ક્રીનપ્લેમાં 30-40 પાનાનું શૂટિંગ બાકી હતું પરંતુ તે પહેલા તેને રિલીઝ કરવી પડી તે પણ અધૂરી. જોકે, બાદમાં તેમણે પોતાનું નિવેદન પાછુ લઇ લીધું હતું અને કહ્યું હતું કે તેમણે આવુ માત્ર મજાકમાં કહ્યું હતું.
કુલ 45 કરોડના બજેટમાં આ ફિલ્મ તૈયાર થઈ હતી. ફિલ્મે પહેલા દિવસે માત્ર 38 હજાર રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યુ હતું. ઓવરઓલ ફિલ્મનું કુલ કલેક્શન માત્ર 1 લાખ રૂપિયા હતું. એક ક્રાઇમ થ્રિલરની વાર્તા ધરાવતી આ ફિલ્મ દેશભરમાં માત્ર 12 શો સાથે રિલીઝ થઈ હતી અને પહેલા દિવસે ભારતમાં તેની માત્ર 293 ટિકિટ વેચાઈ હતી.