દાણચોરીઃ દુરંતો એક્સ્પ્રેસમાં 240 કિલો ચાંદીના દાગીના જપ્ત
મુંબઈ: લાંબા અંતરની મેલ-એકસ્પ્રેસ ટ્રેન મારફત સોનાચાંદીના દાગીનાની દાણચોરી કરવાનાં અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે તાજેતરમાં દુરંતો એક્સપ્રેસમાં ચાંદીની દાણચોરીના કિસ્સામાં 240 કિલો ચાંદીના દાગીના જપ્ત કરવામાં આવ્યા હોવાનું રેલવે પોલીસે જણાવ્યું હતું.
પશ્ચિમ રેલવેમાં હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સ્પ્રેસ (ટ્રેન નંબર 12268)માં ટેક્સ બચાવવા માટે પાર્સલ દ્વારા દાગીનાની દાણચોરી ચાલી રહી હોવાની માહિતી પોલીસને મળી હતી ત્યાર બાદ પોલીસે આ મામલે કાર્યવાહી કરી હતી.
રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર દુરંતો એક્સ્પ્રેસમાં કોઈ પણ ડિલેવરી સિવાય સામાનને સ્ટેશનની બહાર લઈ જવામાં આવ્યો હતો. આ સામાન માટે માત્ર 1349 રૂપિયા ટેક્સ ભરવામાં આવ્યો હતો પણ રેલવેની ટીમને આ સામાન પર શંકા આવતા તેને અટકાવવામાં આવ્યો હતો. પણ આ કાર્યવાહી બાદ અમુક સામાનને ઇનકમ વેરહાઉસમાં નોંધણી કરવા માટે છોડવામાં આવ્યો હતો.
આ સામાન પર નજર રાખતા રેલવેની ટીમ ગોદામમાં પહોંચી હતી. પણ તેમને કઈ મળ્યું નહીં. ત્યાર બાદ રેલવે ટીમને આ સામાન પર ફરી શંકા આવતા તેઓ ટ્રક લોડિંગ ભાગમાં પહોચ્યા હતા. પોલીસ અને રેલવેની ટીમે આ સામાનને પોતાના તાબામાં લીધો હતો.
આ સામાનની વધુ તપાસ કર્યા બાદ તેમાંથી ચાંદીના દાગીનાના છ બંડલ મળી આવ્યા હતા. આ 240 કિલોના ચાંદીના દાગીનાની કિમત 1 કરોડ 34 લાખ હોવાની માહિતી અધિકારીએ આપી હતી. પોલીસે આ બધા દાગીનાને જપ્ત કર્યા હતા અને આગળની તપાસ કરવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.