નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ હાલમાં જ હિંદી બેલ્ટમાં ત્રણેય રાજ્યો માટે સીએમ પદ પર નવા ચહેરાને નિયુક્ત કર્યા છે, આ અંગે એક મીડિયા સંસ્થાને આપેલા ઇન્ટરવ્યુમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે આ ટ્રેન્ડ નવો નથી, આ વર્ષોજૂની પ્રક્રિયા છે, અને તેનું સૌથી મોટું ઉદાહરણ હું છું.
PM મોદીએ મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું હતું કે, જ્યારે મને ગુજરાતનો મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યો ત્યારે મને પણ મુખ્યપ્રધાનપદનો કોઇ અનુભવ ન હતો, તેમજ ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયો ન હતો. આ ભલે પહેલી નજરે એક નવા ટ્રેન્ડ તરીકે લાગી રહ્યું હોય, તેનું કારણ એ છે કે અન્ય મોટાભાગના પક્ષો પરિવારવાદી પક્ષ છે.
PM મોદીએ પરિવારવાદી પક્ષોને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, ”પરિવારવાદી પક્ષોને આ લોકતાંત્રિક મંથન અઘરું લાગે છે. ભાજપમાં જ એક સમયે નેતૃત્વની અનેક પેઢીઓને આગળ લાવવાની ક્ષમતા છે. ભાજપના અધ્યક્ષને તમે જુઓ, અનેક વર્ષોમાં તમે નવા ચહેરા જોશો. અમારી કેડર આધારિત પાર્ટી છે. જે સ્પષ્ટ મિશન લઇને ચાલે છે. અમે સૌએ જમીનસ્તરેથી કાર્યકર્તા તરીકે અમારી રાજકીય કારકિર્દી શરૂ કરી હતી, અને પક્ષને સમર્પણ અને સખત મહેનત કરીને અમે આગળ આવ્યા. આ પ્રતિબદ્ધતાને કારણે જ યુવાનો ભાજપ સાથે મજબૂતાઇથી જોડાણ મહેસૂસ કરે છે.” પીએમ મોદીએ ઉમેર્યું.
PM મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ”લોકતંત્રમાં નવી પેઢી અને નવા લોહીને તક આપવી ખૂબ જ જરૂરી છે. આ લોકતાંત્રિક મંથન જ તેને ધબકતું રાખે છે અને પક્ષના કાર્યકર્તાઓમાં આશા-અપેક્ષાઓ જીવંત રાખે છે. તેમને અનુભવ થાય છે કે સખત મહેનત કરીને તેઓ પણ પાર્ટીમાં ઉપર આવી શકે છે. અમારા પક્ષમાં અલગ અલગ પ્રયોગો થાય છે. ગુજરાતના પ્રધાનમંડળમાં અમે નવા વ્યક્તિઓ લાવ્યા, દિલ્હી મનપામાં પણ અમે નવા ચહેરાને તક આપી.” તેવું પીએમ મોદીએ જણાવ્યું હતું.
PM મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદાહરણ આપી સમજાવ્યું હતું કે “જ્યારે મેં એવી જાહેરાત કરી હતી કે 182 ફૂટ ઉંચી સરદારની પ્રતિમા બનાવવામાં આવશે ત્યારે ઘણા લોકોને એવું લાગ્યું કે આનો સંબંધ ગુજરાત વિધાનસભાની 182 બેઠકોથી છે. ઘણા લોકોને એવું લાગ્યું હતું કે ચોક્ક્સ સમુદાયને ખુશ કરવા આ પગલું ભરવામાં આવી રહ્યું છે. પરંતુ હવે તમે જુઓ, કઇ રીતે આખું ઇકોટુરિઝમ વિકસિત થયું છે ત્યાં, તમામ ઉંમરના લોકો માટે ત્યાં કંઇને કંઇ છે. અમુક દિવસો પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની એક જ દિવસમાં 80 હજાર પ્રવાસીઓએ મુલાકાત લીધી. આ સ્તર છે તેની લોકપ્રિયતાનું.”
“મેં ફક્ત એક વસ્તુનું વચન આપ્યું હતું, પરંતુ મેં અઢળક વસ્તુઓ આપી. આ મારી કાર્યશૈલી છે. જ્યારે ભારત મંડપમનું કામ શરૂ થયું ત્યારે કોઇએ વિચાર નહોતો કર્યો કે અહીં જી-20નું આયોજન થશે. પરંતુ હું આયોજનબદ્ધ રીતે કામ કરી રહ્યો હતો. જોં મેં નવી સંસદનો વિચાર કર્યો હોય તો 4 કરોડ ગરીબો વિશે પણ હું વિચારું છું. એટલા જ આયોજનબદ્ધ અને સમર્પિત રીતે કામ કરું છું.” પીએમ મોદીએ ઉમેર્યું હતું.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને