નેશનલ

મંદિરના ઉદ્ઘાટનનો ફાયદો ચૂંટણીમાં.. શશિ થરૂરે 2024ની ચૂંટણી વિશે કરી મોટી ભવિષ્યવાણી

નવી દિલ્હી: આગામી 22 જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા સત્તાપક્ષ અને વિપક્ષ આમનેસામને આવી ગયા છે. અલગ અલગ મુદ્દા ઉભા કરીને વિપક્ષ ભાજપને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. હવે કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે પણ રામ મંદિરના બહાને ભાજપ અને નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

પીએમ મોદીના હસ્તે પહેલા 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થશે અને તે પછી અબુ ધાબીમાં પણ તેઓ BAPS સ્વામીનારાયણ મંદિરનું ઉદ્ઘાટન કરવા જઇ રહ્યા છે. આ મુદ્દે કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે ટિપ્પણી કરી હતી કે આ બંને ઘટનાઓ 2024ની ચૂંટણીનો તખ્તો તૈયાર કરશે. શશિ થરૂરે ભવિષ્યવાણી કરતા જણાવ્યું હતું મંદિરના કાર્યક્રમો પતે એટલે તરત જ ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. વર્ષ 2024 માટે નરેન્દ્ર મોદી એ સંદેશ આપવા માંગે છે કે તેઓ હિન્દુ હ્રદય સમ્રાટ છે, પરંતુ તેઓ જે સારા દિવસો લાવવાના હતા, તેનું શું થયું?
એક તરફ વિપક્ષ આ કાર્યક્રમમાં ભાગ લેવો કે નહીં તે મુદ્દે વિભાજીત છે, તો બીજી તરફ પીએમ મોદીએ અબુ ધાબીમાં BAPS સ્વામીનારાયણ મંદિરના ઉદ્ઘાટનનું આમંત્રણ સ્વીકારી લીધું છે, જે આખા UAEમાં સૌથી મોટું મંદિર હશે.


કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે તેમના નિવેદનમાં કહ્યું હતું કે, “વર્ષ 2019માં જ્યારે વિનાશકારી નોટબંધીને કારણે નુકસાન થઈ રહ્યું હતું, ત્યારે નરેન્દ્ર મોદીએ પુલવામા આતંકવાદી હુમલાને સામાન્ય ચૂંટણીમાં રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો બનાવીને તેની રોકડી કરી લીધી. હવે વર્ષ 2024માં એ સ્પષ્ટ છે કે ભાજપ તેના મૂળરૂપમાં પાછું આવી જશે. નરેન્દ્ર મોદીને હિન્દુ હૃદય સમ્રાટ તરીકે રજૂ કરવામાં આવશે.”


કોંગ્રેસ સાંસદે કહ્યું, “2024ની ચૂંટણી હિન્દુત્વ વિરુદ્ધ લોકકલ્યાણની ચૂંટણી બની રહી છે. પરંતુ સવાલ એ ઉઠી રહ્યો છે કે સારા દિવસોનું શું થયું? એક વર્ષમાં સર્જાયેલી 2 કરોડ નોકરીઓનું શું થયું? આર્થિક વૃદ્ધિનું શું થયું જેનાથી સામાજિક-આર્થિક માળખામાં તળિયે રહેલા લોકોને ફાયદો થશે? દરેકના બેંક ખાતામાં 15 લાખ રૂપિયા નાખવાની વાતનું શું થયું?


આ સાથે જ ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ પણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે તેઓ એ જોઇને પરેશાન છે કે રામ મંદિરના ઉદ્ઘાટનને રાષ્ટ્રીય મુદ્દો બનાવી દેવામાં આવી રહ્યો છે. શશિ થરૂરે પણ આવો જ અભિપ્રાય વ્યક્ત કરી કહ્યું હતું કે ધર્મ એ વ્યક્તિગત મુદ્દો છે અને તેઓ પણ રામ મંદિરની મુલાકાત લેવા ઈચ્છે છે, પરંતુ 2024ની ચૂંટણી પહેલા ઉદ્ઘાટનના દિવસે નહીં. થરૂરે એ પણ સ્પષ્ટતા કરી હતી કે તેમને કોઈ આમંત્રણ મળ્યું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button