આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈમાં બે વર્ષ બાદ અંગ દાતાઓમાં થયો વધારો

મુંબઈ: મુંબઇમાં આ વર્ષે અંગદાતાઓની સંખ્યામાં ઘણો વધારો જોવા મળ્યો હતો. ઝોનલ ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેશન કમિટીના ડેટા અનુસાર 2019 પછી આ વર્ષે સૌથી વધુ કેડેવર ડોનેશન નોંધાયા છે. આનાથી એ બાબત સ્પષ્ટ થાય છે કે લોકોમાં અંગદાન અંગે જાગૃતિ વધી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં બ્રેઈન ડેડ જાહેર કેટલાક લોકોએ 234 જેટલા દર્દીઓને નવું જીવન આપ્યું છે.

ઝોનલ ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેશન કમિટી પાસેથી મળેલી માહિતી પ્રમાણે થાણેની એક હોસ્પિટલમાં ડૉક્ટરોએ 40 વર્ષના એક વ્યક્તિને બ્રેઈન ડેડ જાહેર કર્યા બાદ તે વ્યક્તિના પરિવારે તેના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો. આ વ્યક્તિનું હૃદય, લીવર, કિડની, ડાબો હાથ, કોર્નિયા, ચામડી અને હાડકાંનું અંગદાન કરવામાં આવ્યું હતું. આ તમામ અંગોને ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહેલા દર્દીઓ માટે અન્ય હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા હતા.


પરેલની એક હોસ્પિટલમાં પણ આવી જ એક ઘટના બની જેમાં દાખલ કરાયેલા 46 વર્ષીય વ્યક્તિની તબિયત બગડતાં ડૉક્ટરોએ તેને બ્રેઈન ડેડ જાહેર કર્યો હતો અને પરિવારને તેના અંગોનું દાન કરવાની અપીલ કરવામાં આવી હતી. તેના પરિવારે પણ આ વાતને સ્વીકારી લેતા વ્યક્તિનું લીવર અને કિડની કાઢીને જરૂરિયાતમંદોને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. વર્ષ 2022માં દાતાઓની સંખ્યા 47 હતી જે આ આ વર્ષે 50 થઈ છે.

વર્ષ 2022માં 70 કિડની દાન કરવામાં આવી હતી જ્યારે 37 લીવર ,9 હૃદય અને 5 ફેફસાનું દાન કરવામાં આવ્યું હતું જ્યારે વર્ષ 2023માં 75 કિડની, 44 લીવર ,16 હૃદય ,6 ફેફસા અને 1 નાના આંતરડાનું દાન કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે આ હાલમાં જે બે દર્દીઓએ અંગદાન કર્યું તેનાથી વર્ષ 2023માં મુંબઈમાં કેડેવર દાનની સંખ્યા 50 પર પહોંચી ગઈ છે. વર્ષ 2019માં 76 જેટલા કેડેવર દાન થયા હતા, પરંતુ 2020માં કોવિડના કારણે ફક્ત 30 કેડેવર જ દાનમાં થયા હતા. વર્ષ 2021માં 31 અને વર્ષ 2022માં 47 કેડેવર દાન થયા હતા. જો કે હવે લોકોમાં કેડેવર દાનને લઇને ઘણી જાગૃતિ આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button