પ. બંગાળ બાદ મહારાષ્ટ્રમાં ઇન્ડિયા ગઠબંધનને આંચકો, ઉદ્ધવ પક્ષે આટલી સીટ માગી
મુંબઇઃ 2024ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાનીવાળા NDA ગઠબંધનનો સામનો કરવા માટે રચાયેલા ઇન્ડિયા ગઠબંધનમાં હજી સુધી બેઠકોની વહેચણી થઇ નથી. પણ આ મુદ્દે ગઠબંધનના અલગ અલગ પ્રાદેશિક પક્ષોએ તેમના અલગ અલગ રાગ છેડવાનું શરૂ કરી દીધું છે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાં કોઇ પણ પક્ષ સાથે યુતિ કરશે નહીં. ઇન્ડિયા ગઠબંધન સમગ્ર દેશમાં ભાજપ સામે લડશે. પરંતુ બંગાળમાં મમતા બેનરજીનો પક્ષ ભાજપ સામે એકલા હાથે લડશે. તે ન તો કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે કે ન તો ડાબેરી પક્ષો સાથે. મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષો અને કોંગ્રેસ પર ભાજપ સાથે સાંઠગાંઠનો આરોપ પણ લગાવ્યો હતો.
તો મહારાષ્ટ્રમાં પણ શિવસેનાએ સીટ શેરિંગના મુદ્દે માથું ઉંચક્યું છે. ઉદ્ધવ શિવસેનાના સાંસદ સંજય રાઉતે જણાવ્યું હતું કે ભલે અમારો પક્ષ વિભાજીત થઇ ગયો હોય, પણ અમે હજી પણ મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી છીએ. અમે 23 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છીએ. છેલ્લી ચૂંટણીમાં અમે આમાંથી 18 બેઠકો જીતી હતી. આ વખતે પણ અમે એટલી સીટો પર અમારા ઉમેદવારને ઊભા રાખીશું. જો કે, રાઉતે સ્પષ્ટતા કરી હતી કે શિવસેના, કોંગ્રેસ અને NCP (શરદ પવાર જૂથ) મહારાષ્ટ્રમાં સાથે મળીને ચૂંટણી લડશે અને ઇન્ડિયા ગઠબંધનનો ચહેરો કોણ હશે એ બધા પક્ષો સાથે મળીને નક્કી કરશે. રાઉતે તો રાહુલ ગાંધીના વખાણ પણ કર્યા હતા અને જણાવ્યું હતું કે તેમનામાં વડા પ્રધાન બનવાના તમામ ગુણ છે.
ઇન્ડિયા ગઠબંધનથી નીતીશ કુમાર નારાજ ચાલી રહ્યા હોવા અંગેના સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે તેમણે પોતે જ જણાવ્યું છે કે તેમને કોઇ પદની ઇચ્છા નથી. ઇન્ડિયા ગઠબંધનની છેલ્લી બેઠકમાં મમતા બેનરજીએ પીએમ ચહેરા તરીકે મલ્લિકાર્જુન ખડગેનું નામ આગળ કર્યું હતું. આના કારણે નીતીશ ગુસ્સે થઈ ગયા અને પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધા વિના પરત ફર્યા હતા એવા અહેવાલો જાણવા મળ્યા હતા.
ઇન્ડિયા ગઠબંધનની આગલી બેઠકમાં સીટ શેરિંગ પર ચર્ચા કરવામાં આવશે, પણ અત્યારે તો તુંડે તુંડે ભિન્ન મતિ જોતા ઝાઝા હાથ રસોઇ બગાડે એવો ઘાટ જોવા મળી રહ્યો છે.