ઝોમેટોને 401.7 કરોડ રૂપિયાની જીએસટીની નોટિસ આપી
નવી દિલ્હી : ઓનલાઈન ફૂડ ડિલિવરી ફર્મ ઝોમેટો લિમિટેડને ડિલિવરી ચાર્જ પર 401.7 કરોડ રૂપિયાની ગૂડ્સ એન્ડ સર્વિસીસ (જીએસટી) ટેક્સની જવાબદારીની કારણદર્શક નોટિસ મળી છે એવી માહિતી કંપનીએ રેગ્યુલેટરી ફાઈલિંગમાં આપી છે. જો કે ઝોમેટોએ ભારપૂર્વક જણાવ્યું છે કે અમે ડિલીવરી ચાર્જ અમારા ડિલિવરી પાર્ટનર વતી લેતા હોવાથી અમે આ રકમ ભરવા માટે જવાબદાર નથી.
જીએસટી ઈન્ટેલિજન્સ, પુણે ઝોનલ યુનિટના ડિરેકટરેટ જનરલે સેન્ટ્રલ ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ ધારા, 2017ના સેક્શન 74(1) હેઠળ મોકલાવેલી કારણદર્શક નોટિસ 26 ડિસેમ્બર, 2023એ કંપનીને મળી હતી. નોટિસમાં કંપનીને એના કારણો દર્શાવવા કહ્યું છે કે શા માટે 29 ઑક્ટોબર, 2019થી 31 માર્ચ, 2022 સુધીના સમયગાળા માટે 401.7 કરોડ રૂપિયાની ભરવાની કરની રકમ વ્યાજ અને દંડ સાથે શા માટે વસુલ કેમ ન કરવી.
ઝોમેટોએ કહ્યું હતું કે નોટિસની કથિત રકમ કંપનીએ ડિલિવરી પાર્ટનર વતી એકઠા કરેલા ડિલિવરી ચાર્જ પેેટેની છે અમે દ્દઢપણે માનીએ છીએ કે કંપની ડિલિવરી ચાર્જ ડિલિવરી પાર્ટનર વતી ભેગી કરતી હોવાથી અમે આ વેરો ભરવા માટે જવાબદાર નથી. પારસ્પરિક સંમતીથી કરાયેલા કરારની શરત અને નિયમો પ્રમાણે પણ ડિલિવરી પાર્ટનરે કંપનીને નહીં, પરંતુ ગ્રાહકોને ડિલિવરી સર્વિસ દીધી છે. અમે બહારના કાનૂની અને વેરાના સલાહકારોના લીધેલા અભિપ્રાય પણ અમારા વલણને ટેકો આપે છે.
ઝોમેટોએ ઉમેર્યું હતું કે કંપની નોટિસનો યોગ્ય જવાબ આપશે. (એજન્સી)
બે બૅન્કને જીએસટીની 26.8 કરોડની નોટિસ
નવી દિલ્હી : આઈસીઆઈસીઆઈ બૅન્કે ગુરુવારે કહ્યું હતું કે ટેક્સ સત્તાવાળાઓએ ગૂડ્સ એન્ડ સર્વિસીસ (જીએસટી)ની કથિત ઓછી ચૂકવણી કરવા બદલ 26.8 કરોડ રૂપિયાની ડિમાન્ડ નોટિસ મોકલાવી છે.
આઈસીઆઈસીઆઈએ રેગ્યુલેટરી ફાઈલિંગમાં માહિતી આપી હતી કે 27 ડિસેમ્બરે 24.37 કરોડ રૂપિયા વત્તા 2.43 કરોડ રૂપિયાની પેનલ્ટીની ડિમાન્ડ નોટિસ બૅન્કને મળી હતી. તમિળનાડુ ગૂડ્સ એન્ડ સર્વિસિસ લિમિટેડ એક્ટ, 2017ના સેક્શન 73 હેઠળ વેરાની ચૂકવણીની આકારણી કરાઈ હતી.
કોટક મહેન્દ્ર બૅન્કે એના રેગ્યુલેટરી ફાઈલિંગમાં કહ્યું હતું કે 27 ડિસેમ્બરે તેને 62.3 લાખ રૂપિયા ભરવાની ડિમાન્ડ નોટિસ મળી છે.
કોટક મહિન્દ્ર બૅન્કને ઓડિસાના કટક ખાતેના ભારત સરકારના સેન્ટ્રલ જીએસટી અને એક્સાઈઝના આસિસ્ટન્ટ કમિશનર તરફથી 57.20 લાખ રૂપિયાની રકમ સીજીએસટી પેટે અને 5.1 લાખ રૂપિયા વ્યાજ અને દંડ પેટે ભરવાની ડિમાન્ડ નોટિસ મળી છે. ડિમાન્ડ નોટિસમાં 2017-18 અને 2018-19માં અમુક ખર્ચ પરની ઈનપુટ ટેક્સ ક્રેડિટ અમાન્ય રખાઈ છે. (એજન્સી)