નિફ્ટી માટે 22,000 હવે હાથવેંતમાં
નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજાર ઊંચા વેલ્યુએશનના ભય વચ્ચે પણ ધસમસતું આગળ વધી રહ્યું છે. નિષ્ણાતો માને છે કે શેરબજારમાં ધૂમ તેજીનો માહોલ જોતા હવે નિફ્ટી માટે 22,000 હાથવેંતમાં છે.
નિફ્ટીએ ગુરુવારે 124 પોઈન્ટની છલાંગ લગાવી છે અને પહેલી જ વખત સત્ર દરમિયાન 21,800ના સ્તરને સ્પર્શ કર્યો છે. આ સપાટી પર મક્કમ બંધ આવે એટલે 22,000નું શિખર પાક્કું, એમ ટેકનિકલ નિષ્ણાતો જણાવે છે.
નિફ્ટીએ ઇતિહાસમાં પહેલી વખત ઉક્ત સપાટી વટાવીને, પ્રથમ વખત હાઈ લેવલ પર રીઝનેબલ પોઝિટિવ કેન્ડલ બનાવીને અપટે્રન્ડ ચાલુ રાખવાની પેટર્ન દર્શાવી છે.
બેન્ચમાર્ક ઇન્ડેક્સે તેનો આશાવાદ જાળવી રાખ્યો છે. રાતા સમુદ્રની સમસ્યા હળવી થવા સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ફરી શરૂ થયેલી લેવાલી જેવા કારણો મળવાથી બેન્ચમાર્ક નવી ઊંચાઈએ પહોંચ્યો હતો.
ક્રૂડ ઓઈલના ભાવમાં 80 ડોલરની નીચે ગબડ્યા હોવાથી સમગ્ર ઓઈલ અને એનર્જી કંપનીઓના શેરમાં વ્યાપક લેવાલી જોવા મળી હતી.
આવતા વર્ષે અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા વધુ આક્રમક રેટ કટની અપેક્ષાને કારણે એશિયન બજાર પણ આગળ વધ્યું હતું. જ્યારે વૈશ્વિક બજાર વેલ્યુએશનની ચિંતાને કારણે મોટાભાગે કોન્સોલિડેશન ફેઝમાંથી પસાર થઈ રહ્યું છે.
ટોચના ટેકનિકલ એનાલિસ્ટે જણાવ્યું કે, 21,650 સ્તરના પ્રારંભિક અવરોધથી ઉપર ગયા પછી નિફ્ટી નજીકના ગાળામાં 22,200ના આગામી ઓવરહેડ પ્રતિકાર તરફ આગળ વધે એવી અપેક્ષા છે.
તાત્કાલિક સપોર્ટ 21,550ના સ્તરે છે. ટૂંકમાં 21,800ની ઉપર નિર્ણાયક ચાલ ઇન્ડેક્સને 22,000 તરફ સરળતાથી લઈ જઈ શકે છે.