આમચી મુંબઈ

ટ્રાવેલ્સનો વ્યવસાય ધરાવતા ગુજરાતીએ ભાયંદરની ખાડીમાં ઝંપલાવ્યું

સી-લિંક પરથી કૂદકો મારવાનું નક્કી કર્યું, પણ બાઈકને પરવાનગી ન હોવાથી વેપારી ભાયંદર પાછા ફર્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ટ્રાવેલ્સનો વ્યવસાય ધરાવતા ગુજરાતીએ ભાયંદરની ખાડીમાં ઝંપલાવ્યાના બીજે દિવસે પણ તેમની કોઈ ભાળ મળી નહોતી. વેપારીએ પહેલાં સી-લિંક પરથી કૂદકો મારવાનું નક્કી કર્યું હતું, પરંતુ સી-લિંક પર બાઈકને પરવાનગી ન હોવાથી વેપારી ભાયંદર પાછા ફર્યા હતા.
કાશીમીરા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ભાયંદર નજીકના નવનિર્મિત વેસાવે બ્રિજ પરથી 53 વર્ષના વેપારીએ બુધવારની સાંજે ખાડીમાં કૂદકો માર્યો હતો. ડાઈવર અને ફાયર બ્રિગેડના જવાનોની મદદથી સર્ચ ઑપરેશન હાથ ધરાયું હતું. જોકે ગુરુવારની સાંજે સુધી તેની કોઈ ભાળ મળી નહોતી.
મળતી માહિતી અનુસાર મીરા રોડમાં પત્ની અને બે સંતાન સાથે રહેતા અતુલભાઈ છેલ્લાં અનેક વર્ષથી મીરા રોડમાં ટ્રાવેલ્સનો વ્યવસાય ધરાવે છે. બુધવારની બપોરે પરિવારજનોને કંઈ પણ કહ્યા વિના તે ઘરેથી નીકળ્યા હતા. બાદમાં તેમણે પત્નીના મોબાઈલ ફોન પર કૉલ કર્યો હતો. પોતે આત્મહત્યા કરવા બાન્દ્રા-વરલી સી-લિંક જઈ રહ્યા હોવાનું અતુલભાઈએ પત્ની અને પુત્રીને કહ્યું હતું.
આ બાબતે પરિવારે તાત્કાલિક પોલીસ ક્નટ્રોલ રૂમને જાણ કરી હતી. અતુલભાઈને સમજાવવા પરિવારજનો રિક્ષામાં બાન્દ્રા જવા નીકળ્યા હતા. બીજી બાજુ, પોલીસ અતુલભાઈના મોબાઈલ ફોન લૉકેશનને ટે્રસ કરી રહી હતી.
કહેવાય છે કે બાઈક પર સી-લિંક પર પહોંચેલા અતુલભાઈને સિક્યોરિટી ગાર્ડે રોક્યા હતા. બાઈક સાથે સી-લિંક પર જવાની પરવાનગી ન હોવાથી અતુલભાઈ ફરી ભાયંદર તરફ વળ્યા હતા. પત્નીને ફરી ફોન કરી તેમણે આ અંગે જાણ પણ કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે અતુલભાઈનો મોબાઈલ ટે્રસ કરતાં તે ભાયંદરની ખાડી તરફ જઈ રહ્યા હોવાનું જણાયું હતું. આ બાબતે તેમની પત્નીને જાણ કરવામાં આવતાં પરિવારજનો પણ ત્યાં પહોંચ્યા હતા. પરિવારજનોની નજર સામે અતુલભાઈએ ખાડીમાં કૂદકો માર્યો હોવાનું કહેવાય છે. અતુલભાઈના આવા પગલા લેવા પાછળનું કારણ જાણી શકાયું નહોતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button