બંધ દરવાજાવાળા બૉલીવૂડમાં કમાણી થવાથી ગીતકારો ગદ્ગદ
ફોકસ -ફોકસ
સોશિયલ મીડિયામાં સક્રિય દરેક બીજો વ્યક્તિ કવિ છે તેવું કહેવામાં આવે છે. સોશિયલ મીડિયાની બહાર સાહિત્યની દુનિયામાં પણ આવી જ પરિસ્થિતિ છે. દરેક સાહિત્યકાર સાહિત્યસાધનાની શરૂઆત કવિતાઓથી જ કરે છે. કવિઓની સંખ્યા વધુ છે તેવા દેશમાં બૉલીવૂડમાં મુઠ્ઠીભર ગીતકારોનું વર્ચસ્વ છે અને નવા કવિઓ માટે દરવાજા બંધ છે તેવી પરિસ્થિતિ પ્રવર્તમાન હતી. દેશના ખૂણેખૂણામાંથી કવિઓ બૉલીવૂડની ફિલ્મોમાં ગીત લખવાની ઈચ્છા સાથે અહીં આવે છે. બૉલીવૂડના મુઠ્ઠીભર ગીતકારો ભેગા મળીને આ વિશ્ર્વના દરવાજા બાહરી ગીતકારો માટે બંધ રાખે છે. પથ્થરની ચાર દીવાલોમાં કેદ બૉલીવૂડમાં પ્રવેશ મેળવવા અન્ય સ્થળોથી આવેલા ગીતકારો પ્રયત્નો કરવા છતાં અંદર આવી શકતા નથી. જો લાખો કવિઓમાંથી કોઈ એક અંદર આવી જાય તો તે પણ અંદર આવીને અહીંના રંગમાં રંગાઈ જાય છે.
બૉલીવૂડનું બજેટ કેટલું પણ વધ્યું હોય, ફિલ્મોની દુનિયાનું વિસ્તરણ થયું હોય તેમ છતાં ગીત લખવાનું કામ કેટલાકને જ મળી શકે છે. સાહિર, શૈલેન્દ્ર અને હસરત જયપુરીના જમાનામાં ઘણી મુશ્કેલીથી આનંદ બક્ષી, અન્જાન અને વર્મા મલિક જેવા ગીતકારોની એન્ટ્રી થઈ શકી હતી. આ જ રીતે જ્યારે આનંદ બક્ષી અને સમીર ટોચ પર હતા ત્યારે પણ બહારથી આવનારા ગીતકારો માટે બૉલીવૂડના ભારીભરખમ દરવાજા બંધ હતા. આ જ પ્રમાણે હાલમાં ગુલઝાર, જાવેદ અખ્તર, વિશાલ દદલાની, ઈરશાદ કામિલ, અમિતાભ ભટ્ટાચાર્ય અને સ્વાનંદ કિરકિરે જેવા ગીતકારો જામેલા છે. આ જ કારણ છે કે જે દેશમાં લાખો કવિ હોય, હજારો ગીતબદ્ધ કવિતાઓ લખાતી હોય ત્યાં લાખો કરોડોવાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ૨૦ ગીતકાર પણ નથી. અગાઉથી કાર્યરત ગીતકારો નવાને ઘૂસવા જ નથી દેતા. ઘણી તકલીફ પછી કોઈ એક ગીતકારને તક મળી શકે છે.
આ જ કારણ છે કે બૉલીવૂડમાં હીરો અને તેમના પછી ગીતકારોએ પોતાની ફી વધારી છે. હાલતા ચાલતા ગીત લખવાની ક્ષમતા ધરાવતા ગુલઝાર જેવા ગીતકાર એક ગીત માટે ૧૮થી ૨૦ લાખ રૂપિયા લઈ રહ્યા છે. સામાન્ય રીતે ફિલ્મી ગીતની લંબાઈ ૨ થી ૩ મિનિટની જ હોય છે. જો કે એવું નથી કે ગુલજારે પોતાને સાબિત કર્યા વગર આ સ્થાન મેળવ્યું છે. તેમના ડઝનો ગીત એવા છે જે સંગીતપ્રેમી ભારતીયો ગણગણતા હોય છે. આનંદનું ‘મૈંને તેરે લિએ હી સાત રંગ કે સપને ચુને’, ફિલ્મ આંધીનું ‘તુમ આ ગયે તો નૂર આ ગયા હૈ’, ફિલ્મ ઘરનું ‘આપકી આંખોમેં કુછ મહકે હુએ સે રાજ હૈ… ફિલ્મ માસૂમનું ‘હુજૂર ઈસ કદર ભી ન ઈતરા કે ચલિએ’. આ ગાયનો એવા છે જે ગુલઝાર દિલમાં ઊતરી જાય તેવા ગીતકાર છે તેવું આપણને મહસૂસ કરાવે છે. જાવેદ અખ્તર પણ પાછળ નથી. તેઓ હાલમાં એક ગીત લખવાના ૧૫-૧૬ લાખ રૂપિયા સુધી લે છે. ફિલ્મ સાથસાથનું ‘તુમકો દેખા તો ઐસા લગા’,
ફિલ્મ ‘મેં હૂ ના’નું ‘કિસકા હૈ તુમકો ઈંતજાર મૈં હુૂં ના. ફિલ્મ ‘કલ હો ના હો’નું ‘હર પલ યહાં જી ભરકે જિઓ’… ફિલ્મ રેફ્યૂજીનું ‘પંછી નદિયા પવન કે ઝોંકે’,
‘૧૯૪૨ એ લવ સ્ટોરી’નું ‘એક લડકી કો દેખા તો એસા લગા’ જેવા તેમના સર્વશ્રેષ્ઠ ગીતો યાદગાર બની ગયા છે.
પ્રસૂન જોશી ત્રીજા સ્થાને છે જે પ્રતિ ગીત ૧૦ લાખ રૂપિયા લેતા હોય છે. પ્રસૂન જોશી એડ ઈન્ડસ્ટ્રીના કોપીરાઈટર છે. બૉલીવૂડમાં તેમણે પોતાની ઈમેજ વિશેષ ગીતકાર તરીકે બનાવી છે. તેમના ગીતોની લોકપ્રિયતા તેમને વિશેષ ગીતકાર બનાવ્યા છે. ‘દિલ્હી-૬’નું ‘સૈયા છેડ દેવે, ફિલ્મ ‘તારે જમીં ’પરનું ‘દેખો ઈન્હેં યે હૈ ઓસ કી બૂંદે…’ ફિલ્મ ફનાનું ‘તેરે હાથ મેં મેરા હાથ હો…’ ખૂબ જ લોકપ્રિય છે.
ઈરશાદ કામિલ અને અમિતાભ ભટ્ટાચાર્યે ઈન્ડસ્ટ્રીમાં અનુક્રમે ચોથા અને પાંચમા ક્રમના પ્રખ્યાત ગીતકાર છે, જે તેમની ફી સામાન્ય રીતે ૭થી ૮ લાખ રૂપિયા પ્રતિ ગીત લેતા હોય છે. ફિલ્મ ‘જબ વી મેટ’નું ‘યે ઈશ્ક હાય, બૈઠે બિઠાયે’, ફિલ્મ સુલતાનનું ‘જગ છૂરૈયા…’ અને અમિતાભ ભટ્ટાચાર્યના ફિલ્મ ચન્ના મેરેયાના ‘અચ્છા ચલતા હુઆ દુઆઓમેં યાદ રખના’, ફિલ્મ જવાની દીવાનીનું ‘બલમ પિચકારી જો તુને મુજે મારી’ ગીત લોકપ્રિય છે, જે ઘણાં કર્ણપ્રિય છે. તે હકીકત છે.
જો કે બૉલીવૂડના દરવાજા બધા માટે ખુલે તો સેંકડો ગીતકારો એવા જોવા મળશે જે આ લોકોથી પણ સારા ગીતો લખી શકે છે. અત્યારે ગ્લોબલ વિલેજના જમાનામાં પણ બૉલીવૂડ સંપર્કોની દીવાલમાં કેદ છે. જેમની પાસે ખુલજા સિમસિમની તાકાત હોય છે તેમને માટે જ દરવાજા ખૂલે છે. આ કારણ છે કે સોશિયલ મીડિયાના જમાનામાં પણ ફિલ્મ ઉદ્યોગ પર મુઠ્ઠીભર ગીતકારોનો કબજો છે જે પોતાની સંખ્યા ઓછી હોવાથી એક ગીત લખવાના આટલા બધા નાણાં લેતા હોય છે જેટલા નાણાંમાં એક સમયે નાનીમોટી ફિલ્મો બની જતી હતી.