મેટિની

સમયને ભલે પગ નથી હોતા, પરંતુ વીતેલા સમયનાં પગલાં કાયમ દેખાય છે…

અરવિંદ વેકરિયા

ધનવંત શાહ -નાનો રાજેશ અને મિસીસ ધનવંત શાહ

ધનવંત શાહે બિન્દાસ તુષારભાઈને કહ્યું : ‘હું તમને નાટકના પ્રોગ્રેસનો રિપોર્ટ દર બે-ચાર દિવસે આપતો રહીશ.’ આ ધનવંત શાહ, આમ તો અમારા નિર્માણ-નિયામક, સખત મહેનતુ અને પાતળું શરીર એટલે દોડધામમા જરા પણ પાછા ન પડે. સિક્કાનગર પાસે રહેતા. દર શો દીઠ અમુક રકમનું એક ‘કવર’ એમને પણ મહેનતાણા માટે અપાતું. વચ્ચે એવા પણ શોનાં કલેકશન આવ્યા છે જયારે કલાકારોને પણ ચૂકવવા ઓછા પડતા. ત્યારે ખેલદિલીથી પોતાનું ‘કવર’ જતું કરીન પોતાનાથી બનતી મદદ એ નિર્માતાને કરી દેતા. એમનો પુત્ર રાજેશ પણ આજે એટલો જ કાબેલ થઇ ગયો છે. પ્રવાસી-ટ્રાવેલ ટૂરનું સફળ આયોજન કરે છે.

અમદાવાદના જાણીતા નિર્માતા-નિર્દેશક-અભિનેતા અભય શાહના ભાઈ શશીકાંત શાહ ધનવંતભાઈના પાડોશી હતા એટલે ઘણી વાર એમના ઘરે જવાનું થતું. આમ તો નિર્માણ-નિયામક, પણ પરિવારના સભ્ય જેવા બની ગયા હતા.એમણે મહેન્દ્ર કપૂરના સેક્રેટરી તરીકે પણ ઘણો વખત કામ કર્યું. એમના સ્વર્ગસ્થ થયે ઘણો સમય વીતી ગયો. આજે પણ ‘ધનુકાકા’ યાદ આવે છે. કહે છેને, સમયને ભલે પગ નથી હોતા, પરંતુ વીતેલા સમયનાં પગલાં કાયમ દેખાય છે.

એમણે નાટકનો પ્રોગ્રેસ તુષારભાઈને આપવાનું બીડું તો ઝડપી લીધું અને બીજે દિવસે રીહર્સલ શરુ પણ કરાવી લીધા.

‘ગલગલીયા’ સંવાદો સાથે જયંત ગાંધીનો મનોમન આભાર માનતા રિહર્સલ તો શરૂ કર્યા, પણ આગળ ‘રીવાઈવલ’ની આખી કથા માંડીને કહેલું કે કરેલું ફરી એ જ ‘કરવા’ મા મારું મન પરોવાતું જ નહોતું.

બીજી તરફ્, નિર્માતાને સેટ બનાવવાનો ખર્ચ નહોતો કારણ કે આગલા કરેલા ‘છાનું છમકલું’ નાટકનો સેટ હજી ડિસમેન્ટલ નહોતો કર્યો. નિર્માતાની કેડે થોડા કલરનો ખર્ચ જ હતો. જોઈતી પ્રોપર્ટી સાથે બેગો પણ એમ જ હતી. ખર્ચમાં માત્ર રિહર્સલ અને ફાઈનલ જી.આર. નો જ હતો. કોસ્ચ્યૂમમા માત્ર મારા અને સોહિલ વિરાણીના જ લેવાના હતા. પાછું, કિશોર ભટ્ટ તો ધોતિયું પહેરતા
હતા એટલે એ પણ ખર્ચ નહોતો. ક્યારેક ખોટો વિચાર મનમાં આવી જતો કે આ કારણ તો નહિ હોય ને ‘રિવાઈવલ’ નું?

ધનવંતભાઈએ પહેલા દિવસના રિહર્સલનો રિપોર્ટ કદાચ આપ્યો પણ હશે.આમ રિહર્સલ શરૂ થયાને ચારેક દિવસ થયા હશે.

મારા ઉદાસ મનને લઈ રાજેન્દ્ર પણ મનોમન મુંઝાતો હતો. પાંચમાં દિવસનાં રિહર્સલ પૂરા થયા. બધા કલાકારો ગયા. હું, રાજેન્દ્ર અને ધનવંતભાઈ ફાર્બસ હોલ પર હતા. થોડી વાતો કરી હું નીકળવા જતો હતો ત્યાં રાજેન્દ્રએ મને રોકતા કહ્યું, દાદુ, બેસ ને! થોડું કામ છે. હું વિચારમાં પડ્યો. ત્યાં ધનવંત શાહ બોલ્યા, તમારે કોઈ ખાસ કામ હોય તો હું નીકળું, કાલે મળીએ. રાજેન્દ્રએ એમને પણ રોક્યા..

રાજેન્દ્ર: (મને) તું ખુશ નથી?
હું: ના, એવું કઈ નથી.

રાજેન્દ્ર: આટલા વરસે હું તને ન ઓળખું?
હું: ના..ભાઈ ના..હું ખુશ જ છું..
રાજેન્દ્ર: તું કામ કરે છે પણ મનથી ન કરતો હોય એવું લાગ્યા કરે છે..ઉદાસ જ દેખાય છે.

હું: કોમેડી નાટક ડિરેક્ટ કરતી વખતે તને એવું લાગ્યું કે હું ઉદાસ રહું છું?

રાજેન્દ્ર: ૧૦૦% એવું લાગ્યું. તને ‘રિવાઈવલ’ સામે વાંધો શરૂઆતથી હતો, અને એ જ વાત તારા મોઢાપર ઉદાસી લાવે છે…..
હું: ચલ..યાર ! હું કોઈ રીતે ઉદાસ નથી.

રાજેન્દ્ર: જો દાદુ, આ સંબંધોની પરીક્ષા છે. સાચા હોઈએ તો ટકી જઈએ, ખોટા હોઈએ તો બટકી જઈએ. તારે તુષારભાઈ સાથેના સંબંધમાં ટકવું છે કે બટકવું છે?
ધનવંત: મન મારીને કોઈના મનનું કામ કરવું એ બરાબર નથી. નિર્ણય લેતા પહેલા સ્ટ્રોંગ બનીને કહી દેવું હતું કે હું નહિ કરી શકું…‘નાં’ પાડવાની હિંમત આવી જાય તો પાછળથી આવો મુંજારો ન થાય.

થોડીવાર ચુપકીદી છવાયેલી રહી. પછી શરૂઆત રાજેન્દ્રએ કરી….
રાજેન્દ્ર: જો,આ મારું લખેલું પહેલું નાટક છે. ભલે તે ‘છાનું છમકલું’ નાં નામે રજુ કર્યું. કોઈ કારણસર પ્રેક્ષકોને ન ગમ્યું. હકીકતમા આ નાટક મેં નરહરિ જાનીને ધ્યાનમાં રાખીને લખેલું. ત્યારે લેખન માત્ર મારો શોખ હતો. મેં લખીને જાનીને આપ્યું, એને ગમ્યું અને એ નાટક મંચન કરવાનું એણે મને વચન પણ આપ્યું.
ધનવંત: તમારું આ લખેલું પહેલું નાટક? પહેલા તો ‘દાદુનું’તિરાડ’
હતું ને?

રાજેન્દ્ર: હા..પણ મારું પહેલું નાટક તો આ જે પહેલા જાની કરવાનો હતો. પણ ‘ભાભા’ને (નરહરિ જાનીને રાજેન્દ્રને લાડમાં ‘ભાભો’ કહીને બોલાવતો.) મરાઠી નાટક ‘અપ્પાજી ચી સેક્રેટરી’ મળ્યું વસંત સબનીસનું લખેલું. જેમાં મુખ્ય ભૂમિકા શરદ તળવરકર ભજવતા હતા. અનિલ મહેતા ભાભાને જોવા લઇ ગયા. નરહરી જાનીને શરદ તળવરકરનો એ રોલ કરવાની અદમ્ય ઇચ્છા જાગી. એમાં પછી અનિલ મહેતાની લોભાવનારી ભાષા એટલે ત્યાં ને ત્યાં એ નાટકના ગુજરાતી કરવાના રાઈટ્સ અનીલ મહેતા પાસે ખરીદી લીધા. પછી શિરીષ પટેલ અને ભરત પરમારનાં નિર્માણમા શરૂ કર્યું ‘પપ્પાની સેક્રેટરી’.

ધનવંત: અચ્છા.. અચ્છા.. એમાં તો દાદુ પણ એક ‘કેમીઓ’ રોલ કરતા હતા ને?

રાજેન્દ્ર: માત્ર દાદુ જ નહીં ઘણાએ, આઈ થીંક એ રોલ કરેલો. ઇવન કૌસ્તુભ ત્રિવેદીએ પણ એ ‘કેમીઓ’ કરેલો.

ધનવંત: એટલે તમારું પહેલું નાટક તખ્તા પર તો ‘તિરાડ’ જ આવેલું બરાબર!

રાજેન્દ્ર: હા. બાકી આ નાટક તો લખાઈને પડી રહેલું. પછી દાદુએ ‘છાનું છમકલું’ કર્યું પણ ફ્લોપ. પહેલા જ લખાયેલ નાટક માટે મારા સેન્ટિમેન્ટસ હોય એ સ્વાભાવિક છે. હવે જ્યારે તુષારભાઈએ ફરી આ નાટક માટે જીદ કરી એટલે હું ખેંચાય ગયો, સોરી.!

હું: તું શા માટે ‘સોરી’ કહે છે? મારા મોઢા પર આવી જતી ઉદાસી માટે મારે તને સોરી કહેવું જોઈએ. તમારી આંખ એ જ ખોલે જેની ઉપર તમે આંખ બંધ રાખીને વિશ્ર્વાસ કર્યો હોય.
રાજેન્દ્ર: દાદુ, તારો આ ‘ડિપ્લોમેટ’ જવાબ છે. એક કામ કરીએ, રિહર્સલ બે-ચાર દિવસ માટે બંધ રાખીએ……..


પથ્થર ઈશ્ર્વર થઇ જાય છે, કેવળ શીશ ઝૂકવાની વાત છે,

એક સોપારી ગણેશ કહેવાય છે, કેવળ શ્રદ્ધા ઉગ્યાની વાત છે.

જન્મ પછી કોની આંખ ક્યારે ખુલે છે:-
ગાય: જન્મે કે તરત જ…
બકરી: જન્મ્યા પછી બે કલાકે..
બિલાડી: જન્મ્યા પછી છ કલાકે..
માણસ: લગ્ન થયા પછી…!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…