ટીન સિવાયની ધાતુઓમાં સુધારાતરફી વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેવાની સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે કોપર સહિતની ચોકક્સ ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ એકમાત્ર ટીનમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણે ભાવમાં કિલોદીઠ રૂ. ૧૪નો ઘટાડો આવ્યો હતો આ સિવાય કોપર, બ્રાસ અને એલ્યુમિનિયમમાં ભાવ કિલોદીઠ રૂ. ૨થી ૪નો સુધારો આગળ ધપ્યો હતો અને અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.
આજે સ્થાનિકમાં એકમાત્ર ટીનમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનાં દબાણ સામે સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૪ ઘટીને રૂ. ૨૨૨૩નાં મથાળે રહ્યા હતા.
જોકે, આ સિવાય વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ચોક્કસ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં કોપર આર્મિચર અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ચાર વધીને અનુક્રમે રૂ. ૬૯૯ અને રૂ. ૪૭૮, કોપર સ્ક્રેપ હેવી અનેે કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીને અનુક્રમે રૂ. ૭૧૧ અને રૂ. ૭૭૨, કોપર કેબલ સ્ક્રેપ, બ્રાસ શીટ કટિંગ્સ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને નિકલના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને અનુક્રમે રૂ. ૭૨૧, રૂ. ૫૧૧, રૂ. ૧૬૨, રૂ. ૨૧૫ અને રૂ. ૧૪૪૫ના મથાળે રહ્યા હતા.
આ સિવાયની અન્ય ધાતુઓ જેમ કે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, ઝિન્ક સ્લેબ અને લીડ ઈન્ગોટ્સમાં છૂટીછવાઈ માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૬૬૧, રૂ. ૨૩૩ અને રૂ. ૧૮૬ના મથાળે ટકેલા રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.