ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલીએ શૅરમાં સતત બીજા સત્રમાં તેજી: સેન્સેક્સ ૩૭૦ પૉઈન્ટ ઉછળીને નવી ટોચે
તેજીનો તોખાર: પાંચ સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં ૧૨.૮૦ લાખ કરોડનો વધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલના ભાવમાં ઘટાડો અને આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૨૬૨૬.૦૫ કરોડની ચોખ્ખી લેવાલી નીકળતાં બજારમાં સતત બીજા સત્રમાં તેજીનો પવન ફૂંકાતા બૅન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી અનુક્રમે ૩૭૧.૯૫ પૉઈન્ટ અને ૧૨૩.૯૫ પૉઈન્ટની તેજી સાથે નવી ટોચે પહોંચ્યા હતા.
સૂત્રોનાં જણાવ્યાનુસાર આજે મુખ્યત્વે એનર્જી, મેટલ અને એફએમસીજી ક્ષેત્રનાં શૅરોમાં વ્યાપક લેવાલી નીકળતાં તેજીને ટેકો મળ્યો હતો. આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ સત્ર દરમિયાન ૪૪૫.૯૧ પૉઈન્ટ અથવા તો ૦.૬૧ ટકા ઉછળીને અત્યાર સુધીની સર્વોચ્ચ ૭૨,૪૮૪.૩૪ની સપાટી સુધી પહોંચ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે ૦.૫૨ ટકા અથવા તો ૩૭૧.૯૫ પૉઈન્ટની તેજી સાથે ૭૨,૪૧૦.૩૮ના મથાળે બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી સત્ર દરમિયાન ૧૪૬.૭ પૉઈન્ટ અથવા તો ૦.૬૭ પૉઈન્ટની તેજી સાથે સત્રની ઊંચી ૨૧,૮૧૦.૪૫ની ટોચે પહોંચ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે ૦.૫૭ ટકા અથવા તો ૧૨૩.૯૫ પૉઈન્ટ વધીને ૨૧,૭૭૮.૭૦ની અત્યાર સુધીની ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે છેલ્લાં પાંચ સત્રમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૧૯૦૪.૦૭ પૉઈન્ટનો અને એનએનસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૬૨૮.૫૫ પૉઈન્ટની તેજીનો પવન ફૂંકાઈ ગયો છે.
આજે બીએસઈ ખાતેનાં મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૬૬ ટકાની અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૨૩ ટકાની તેજી જોવા મળી હતી. આજે સતત પાંચ સત્રમાં જોવા મળેલી તેજીમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧૨.૮૦ લાખ કરોડનો વધારો થયો હોવાનું એક્સચેન્જે એક આંકડાકીય માહિતીમાં જણાવતાં ઉમેર્યું હતું કે આ પાંચ સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧૨,૮૦,૫૫૯.૨ કરોડનો વધારો થઈને ઑલ ટાઈમ હાઈ રૂ. ૩,૬૩,૦૦,૫૫૮.૦૭ કરોડની સપાટીએ પહોંચી હતી.
એકંદરે આજે બજારમાં રાતા સમુદ્રમાં થઈ રહેલી માલની હેરફેર અંગેની ચિંતા હળવી થવાના આશાવાદ ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારો જે અત્યાર સુધી વેચવાલ હતા તેની સામે હવે તેઓની ખરીદીનો સળવળાટ જોવા મળવાની સાથે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદાના ભાવ બેરલદીઠ ૮૦ ડૉલરની અંદર ઉતરી જવાથી બજારની તેજીને વેગ મળ્યો હતો. વધુમાં આજે એશિયન માર્કેટમાં જોવા મળેલા સુધારાનો પણ થોડાઘણાં અંશે ટેકો મળ્યો હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસનાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું.
અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાત અંગે આક્રમક વલણ અપનાવે તેવા આશાવાદે અમેરિકી શૅરબજારમાં તેજીનો કરંટ રહેવાથી આજે ચીન સહિતના એશિયન બજારો વધીને પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.
જોકે, આજે માત્ર યુરોપના બજારો સાધારણ નરમાઈના અન્ડરટોને ખૂલ્યા હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝનાં રિટેલ રિસર્ચ વિભાગના હેડ દિપક જસાણીએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યાનુસાર આજે સેન્સેક્સ હેઠળના શૅરો પૈકી મુખ્યત્વે મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં સૌથી વધુ ૨.૮૧ ટકાનો ઉછાળો આવ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે એનટીપીસી, પાવરગ્રીડ કોર્પોરેશન, નેસ્લે, ટાટા મોટર્સ, આઈટીસી, ભારતી એરટેલ અને કોટક મહિન્દ્રા બૅન્કના શૅરના ભાવ વધીને બંધ રહ્યા હતા, જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં લાર્સન ઍન્ડ ટૂબ્રો, વિપ્રો, જેએસડબ્લ્યુ સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એશિયન પેઈન્ટના
શૅરોના ભાવમાં ઘટાડો આવ્યો
હતો.
આ ઉપરાંત બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં જોઈએ તો ઑઈલ ઍન્ડ ગૅસ ઈન્ડેક્સમાં સૌથી વધુ ૨.૪૫ ટકાની તેજી આવી હતી. ત્યાર બાદ અનુક્રમે એનર્જી ઈન્ડેક્સમાં ૨.૧૮ ટકા, મેટલ ઈન્ડેક્સમાં ૧.૬૦ ટકા, એફએમસીજી ઈન્ડેક્સમાં ૧.૨૪ ટકા, રિયલ્ટી ઈન્ડેક્સમાં ૦.૯૭ ટકા અને પાવર ઈન્ડેક્સમાં ૦.૯૫ ટકા સુધીની તેજી જોવા મળી હતી. તેની સામે ઈન્ડસ્ટ્રીયલ્સ અને આઈટી ઈન્ડેક્સમાં ઘટાડો આવ્યો હતો.
આજે એશિયન બજારોમાં સિઉલ, શાંઘા
ઈ અને હૉંગકૉંગની બજાર સુધારાના અન્ડરટોને બંધ રહી હતી અને એકમાત્ર ટોકિયોની બજારમાં નરમાઈનું વલણ જોવા મળ્યું હતું. આ સિવાય યુરોપના બજારોમાં સત્રના આરંભે નરમાઈનું વલણ રહ્યું
હતું.