ગુજરાતના નાટ્ય કલાકારો માટે ખુશ ખબર, NSD અમદાવાદમાં રેપર્ટરી શરુ કરશે
અમદાવાદ: દિલ્હી સ્થિત દેશની પ્રતિષ્ઠિત નાટ્ય શિક્ષણ સંસ્થા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા(NSD) પ્રથમ વાર તેના કેમ્પસ બહાર અમદાવાદમાં રેપર્ટરીનું આયોજન કરવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ રેપર્ટરીના આયોજન માટે ગુજરાત યુનિવર્સિટી (GU) સાથે મંત્રણા ચાલી રહી છે. આ રેપર્ટરી ગુજરાતના સ્થાનિક કલાકારોને મહત્વપૂર્ણ તક પૂરી પાડશે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, NSD પ્રસાશને બુધવારે દિલ્હી કેમ્પસની બહાર પ્રથમ NSD રેપર્ટરી શરૂ કરવા અંગે પ્રથમ બેઠક યોજી હતી અને ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની પસંદગી કરવામાં આવી હતી.
GUના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલયે ગુજરાત યુનિવર્સિટી ખાતે આ રેપર્ટરી સ્થાપવાની પરવાનગી આપી છે. NSD ડિરેક્ટર સહિત વિવિધ હિસ્સેદારોની હાજરીમાં થયેલી પ્રથમ બેઠક ફળદાયી નીવડી હતી. રેપર્ટરીના આયોજન માટે અમે પહેલેથી જ કેમ્પસમાં એક બિલ્ડિંગની પસંદગી કરી છે.
NSD તેની રેપર્ટરીને એક મહત્વપૂર્ણ ઘટક ગણાવે છે, આ રેપર્ટરી પ્રોફેશનલ થિયેટર પ્રોડક્શન અને સતત પ્રયોગો માટે સમર્પિત છે. રેપર્ટરીની શરૂઆત મૂળભૂત રીતે NSD સ્નાતકોને થિયેટર પ્રોડક્શન સાથે જોડાવા કરવામાં આવી હતી, હવે રેપર્ટરી દેશભરના કલાકારો સાથે આધુનિક અને પ્રાયોગિક નાટકો કરે છે. દિલ્હી માં તેનું નિયમિત પ્રદર્શન થતું રહે છે, આ ઉપરાંત દેશના અન્ય શહેરોમાં પણ શો થતા રહે છે.