WHOએ કહ્યું કે યુદ્ધ ફાટી નીકળવાના કારણે ગાઝાની વસ્તી
જીનીવા: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ચેતવણી આપી હતી કે સતત ચાલી રહેલા યુદ્ધના કારણે ગાઝાની વસ્તી હાલના સમયમાં “ગંભીર કટોકટી”માં છે, ડબ્લ્યુએચઓએ જણાવ્યું હતું કે અહીના લોકો ભૂખના કારણે મરી રહ્યા છે. જો કે ડબ્લ્યુએચઓએ બે હોસ્પિટલોને થોડો ઘણો પુરવઠો પહોંચાડ્યો હતો, તેમજ હાલમાં ગાઝા પટ્ટીની 36 હોસ્પિટલોમાંથી માત્ર 15 હોસ્પિટલો ચાલુ છે. ત્યારે ડબ્લ્યુએચઓએ વડા ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે આંતરરાષ્ટ્રીય સ્તરે લોકોને હાકલ કરી હતી કે ગાઝાની વસ્તી હાલમાં જે ગંભીર કટોકટીનો સામનો કરી રહી છે. તેમની મદદ તાત્કાલિક ધોરણે કરવી જોઈએ.
ગાઝાની પરિસ્થિતી એટલી ખરાબ છે કે હોસ્પિટલોમાં દવાઓ કે કોઇ પણ પ્રકારની તબીબી સેવાઓ પણ મળતી નથી. જે પણ લોકોએ હોસ્પિટલોમાં આશરો લીધો છે એ તમામ ભૂખના કારણે તડપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઈઝરાયલ અને ગાઝા વચ્ચેનું આ યુદ્ધ સૌથી વધારે લોહિયાળ સાબિત થયું છે. હમાસે 7 ઑક્ટોબરના રોજ દક્ષિણ ઇઝરાયલ પર હુમલો કર્યો અને લગભગ 1,140 લોકો માર્યા ગયા, જેમાં મોટાભાગે નાગરિકો હતા અને ત્યારબાદ ઈઝરાયલે હમાસને ખતમ કરવાનું નક્કી કર્યું.
ઈઝરાયલના કેટલાક અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અમારા દેશના ઈતિહાસના સૌથી ખરાબ હુમલામાંનો એક છે. તેઓએ અમારા 250 લોકોને બંધક બનાવ્યા હતા, જેમાંથી 129 હજુ પણ ગાઝાની અંદર છે. ત્યારે હમાસ સંચાલિત ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આ ,યુદ્ધમાં ઓછામાં ઓછા 21,110 લોકો માર્યા ગયા છે, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે.
જો કે આ યુદ્ધ વચ્ચે WHO ટીમોએ હાલમાં જ બે હોસ્પિટલોની મુલાકાત લીધી જેમાં ઉત્તરમાં અલ શિફા અને દક્ષિણમાં અલ-અમલ પેલેસ્ટાઈન રેડ ક્રેસન્ટ સોસાયટી. અને આ બંને હોસ્પિટલોને દવાઓ અને ખોરાકનો પુરવઠો પહોંચાડવામાં આવ્યો હતો. WHOએ જણાવ્યું હતું કે હાલમાં 50,000 લોકો અલ-શિફામાં આશ્રય લઈ રહ્યા છે, જ્યારે 14,000 લોકો અલ-અમાલમાં આશ્રય લઈ રહ્યા છે.