શેર બજાર

શૅરબજારમાં સેન્ટા રેલી: નિફ્ટીએ ઇતિહાસમાં પહેલી વખત ૨૧,૬૦૦ની સપાટી વટાવી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિશ્ર્વબજારના સકારાત્મક સંકેત સાથે દેશના અર્થતંત્રના મજબૂત વિકાસની સંભાવનાઓએ આશાવાદને ફરી સપાટી પર લાવી દીધો હોવાથી સપ્તાહના સતત બીજા સત્રમાં ચાલુ રહેલી લેવાલીના ટેકા સાથે ૩૦ શેરના બેન્ચમાર્ક ઈન્ડેક્સે ઐતિહાસિક ૭૨,૦૦૦ પોઇન્ટની સપાટી વટાવીને બુધવારે નવો વિક્રમ નોંધાવ્યો હતો. એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી ૨૧,૬૦૦ની ઉપર તાજી વિક્રમી ઊંચાઈએ પહોંચી ગયો હતો. મેટલ, કોમોડિટી, ઓટો અને બેન્કિંગ સેક્ટરમાં તીવ્ર ખરીદીને કારણે ૫ચાસ શેર ધરાવતો બેન્ચમાર્ક ઇન્ડેક્સ ૨૧,૬૫૪.૭૫ પોઇન્ટની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.

બીએસઇ સેન્સેક્સ સતત ચોથા સત્રમાં આગેકૂચ ચાલુ રાખતા ૭૦૧.૬૩ પોઈન્ટ અથવા ૦.૯૮ ટકાના ઉછાળા સાથે ૭૨,૦૩૮.૪૩ પોઇન્ટની સર્વકાલીન ઊંચી બંધ સપાટીએ સ્થિર થયો હતો. દિવસ દરમિયાન તે ૭૮૩.૦૫ પોઇન્ટ અથવા ૧.૦૯ ટકા ઉછળીને તેની ઇન્ટ્રા-ડે લાઇફટાઇમ હાઇ ૭૨,૧૧૯.૮૫ પોઇન્ટની સપાટી સુધી પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી ૨૧૩.૪૦ પોઈન્ટ અથવા એક ટકા વધીને ૨૧,૬૫૪.૭૫ પોઇન્ટની વિક્રમી સપાટીએ સ્થિર થયો હતો. દિવસ દરમિયાન, તે ૨૩૪.૪ પોઈન્ટ અથવા ૧.૦૯ ટકાની તેજી સાથે ૨૧,૬૭૫.૭૫ ની તેની સર્વકાલીન ઇન્ટ્રા-ડે ટોચે પહોંચ્યો હતો.

સેન્સેક્સના સૌથી વધુ વધનારા મુખ્ય શેરોમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા મોટર્સ, ભારતી એરટેલ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, લાર્સન એન્ડ ટુબ્રો, ઈન્ફોસીસ અને બજાજ ફિનસર્વનો સમાવેશ હતો. જ્યારે બીજી તરફ એનટીપીસી અને ટેક મહિન્દ્રા ટોપ લૂઝર બન્યાં હતાં.

મૂડીબજારમાં આ સત્રમાં પણ હલચલ ચાલુ રહી હતી. નાસિક સ્થિત આકાંક્ષા પાવર એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડનો આઇપીઓ ૨૭મીએ મૂડીબજારમા પ્રવેશ્યો છે. પ્રાઇસ બેન્ડ રૂપિયા બાવનથી પંચાવન નક્કી થઇ છે. કંપનીની અંદાજે રૂ. ૨૭.૪૯ કરોડ એકત્ર કરશે, ભરણું ૨૯મીએ બંધ થશે. આ ઇશ્યૂ સંચાલક નાર્નોલિયા ફાયનાન્સિયલ સર્વિસિસ અને રજિસ્ટ્રાર લિંક ઇન ટાઇમ ઇન્ડિયા છે. શેર્સ ફાળવણી પછી એનએસઇ એસએમઇ ઇમર્જ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ થશે.

એ જ રીતે, કૌશલ્યા લોજિસ્ટિક્સ લિમિટેડ, લોજિસ્ટિક્સ, ઈ-કોમર્સ અને કોમર્શિયલ રિયલ એસ્ટેટમાં કાર્યરત વૈવિધ્યસભર સમૂહે ૨૯ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ સાથે મૂડીબજારમાં પ્રવેશ કરશે. કંપની આ આઇપીઓના માધ્યમથી અપર બેન્ડ પ્રાઇસ પર રૂ. ૩૬.૬૦ કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે, જેમાં શેર એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ થશે. ઇશ્યુ પ્રાઇઝ રૂ. ૭૧થી રૂ. ૭૫ નિર્ધારિત થઇ છે અને માર્કેટ લોટ સાઈઝ ૧,૬૦૦ ઈક્વિટી શેરની છે.

લાર્સન એન્ડ ટુબ્રોએ એક્સચેન્જને જણાવ્યું હતું કે તેની ક્ધસ્ટ્રકશન બ્રાન્ચે સાઉદી અરેબિયામાં અલ્ટ્રા લક્ઝરી પ્રવાસન સ્થળ માટે ગ્રીન એનર્જી જનરેશન અને યુટિલિટીઝ સંબંધિત વિવિધ સિસ્ટમો સ્થાપિત કરવા માટે કરાર મેળવ્યો છે. એક્સિસ બેંકે ઝી લર્ન સામે નાદારીની કાર્યવાહી કરવા માટે નેશનલ કંપની લો ટ્રબ્યુનલ (એનસીએલટી)ના દરવાજા ખખડાવ્યા છે. ડીશ ટીવીના શેરધારકોએ વાર્ષિક સામાન્ય સભામાં ચાર સ્વતંત્ર ડિરેક્ટરોની ઉમેદવારી નામંજૂર કરી છે. આરઓએક્સ હાઇ-ટેકને રૂ. ૪૦ કરોડની કિંમતનો ઓર્ડર મળ્યો છે. ગ્રાહક-કેન્દ્રિત આઇટી સોલ્યુશન્સ પ્રોવાઇડર આરઓએક્સ હાઇ-ટેકએ નાણાકીય વર્ષ ૨૦૨૪ના ત્રીજા ત્રિમાસિક સમયગાળામાં રૂ. ૪૦ કરોડથી વધુના ઓર્ડર હાંસલ કર્યા છે. આ સોદાઓનું આયોજિત અમલીકરણ જાન્યુઆરી ૨૦૨૪થી જૂન ૨૦૨૪ વચ્ચે થવાનું છે. એશિયન બજારોમાં, સિઓલ, ટોક્યો, શાંઘાઈ અને હોંગકોંગ સુધારા સાથે પોઝિટીવ ઝોનમાં સ્થિર થયા હતાં. યુરોપીયન બજારો ખૂલતા સત્રમાં મોટાભાગે સુધારા સાથે આગળ વધી રહ્યાં હતા. મંગળવારે અમેરિકાના બજારો પોઝિટીવ ટોન સાથે ગ્રીન ઝોનમાં બંધ થયા હતા.

સ્થાનિક બજારે નવા વિક્રમી ઊંચાઈએ પહોંચવાનું ચાલુ રાખવા સાથેે પાછલા સપ્તાહના નુકસાનને સરળતાથી સરભર કરી લીધું છે. યુએસ ફેડરલ દ્વારા વ્યાજ દરમાં વહેલો કાપ મૂકાવાના આશાવાદ અને વૈશ્ર્વિક ફુગાવામાં આવેલી ઓટને કારણે શરૂ થયેલી સાન્તાક્લોઝની રેલીને કારણે ઇક્વિટી બજારની તેજીને ટેકો મળ્યો હતો.

વૈશ્ર્વિક ક્રૂડ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૨૧ ટકા ઘટીને ૮૦.૯૦ ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે. એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) એ મંગળવારે રૂ. ૯૫.૨૦ કરોડની ઇક્વિટી ઓફલોડ કરી હતી. મંગળવારે બીએસઇ બેન્ચમાર્ક ૨૨૯.૮૪ પોઈન્ટ અથવા ૦.૩૨ ટકા વધીને ૭૧,૩૩૬.૮૦ પર સેટલ થયો હતો. નિફ્ટી ૯૧.૯૫ પોઈન્ટ અથવા ૦.૪૩ ટકા વધીને ૨૧,૪૪૧.૩૫ પર પહોંચ્યો હતો.

ટોચના ટેક્નિકલ એનાલિસ્ટે જણાવ્યું હતું કે, ચાલુ સપ્તાહના બીજા ટ્રેડિંગ સેશનમાં પણ હકારાત્મક ગતિ ચાલુ છે અને નિફ્ટી-૫૦ બેન્ચમાર્કે દિવસની શરૂઆત મક્કમ નોંધ પર કરી છે. આરએસઆઇમાં બેરિશ ડાઇવર્જન્સને કારણે મધ્ય સત્રમાં નજીવું કરેક્શન જોવા મળ્યો હતો; જો કે, ઓટો, બેંકિંગ અને મેટલ શેરોમાં સત્રના પાછલા ભાગમાં નવેસરની લેવાલી શરૂ થવાને કારણે નિફ્ટી ૨૧૩.૪૦ પોઈન્ટના વધારા સાથે ૨૧,૬૫૪.૭૫ પોઇન્ટના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?