નેશનલ

પીએમ જનધન યોજના હેઠળ ૧૦ કરોડથી વધુ ખાતાઓ હાલમાં નિષ્ક્રિય

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મહત્ત્વપૂર્ણ યોજનાઓમાંની એક પ્રધાનમંત્રી જન ધન યોજના અંતર્ગત કુલ ૫૧ કરોડથી વધુ બૅન્ક ખાતાઓમાંથી ૧૦ કરોડથી વધુ ખાતા નિષ્ક્રિય થઇ ચૂક્યા હોવાના અહેવાલ છે. જેમાંથી લગભગ પાંચ કરોડ બૅન્ક એકાઉન્ટ મહિલાઓના નામે છે, જે નિષ્ક્રિય થઇ ચૂક્યા છે. આ ખાતામાં લોકોના કુલ ૧૨,૭૭૯ કરોડ રૂપિયા જમા છે.

ગત દિવસોમાં નાણા રાજ્ય પ્રધાન ભાગવત કરાડે રાજ્યસભામાં પીએમ જનધન યોજના અંતર્ગત એક સવાલના જવાબમાં આ માહિતી આપી હતી. ભાગવત કરાડે કહ્યું કે, નિષ્ક્રિય પીએમજેડીવાય ખાતાઓની ટકાવારી બેંકિંગ ક્ષેત્રના કુલ નિષ્ક્રિય ખાતાઓની ટકાવારી સમાન છે. કરાડે વધુમાં જણાવ્યું કે, ૧૦૩.૪ મિલિયન ઇનઓપરેટિવ પીએમજેડીવાઇ ખાતાઓમાંથી ૪૯.૩ કરોડ ખાતા મહિલાઓના છે. ઇનઓપરેટિવ પીએમજેડીવાય એકાઉન્ટમાં ડિપોજિટ કુલ જમાના લગભગ ૬.૧૨ ટકા છે. રાજ્ય પ્રધાનના જણાવ્યા મુજબ ખાતા નિષ્ક્રિય થવાના ઘણા કારણો છે. બૅન્ક નિષ્ક્રિય ખાતાઓની ટકાવારી ઓછી કરવા માટે નક્કર પ્રયાસો કરી રહી છે અને સરકાર દ્વારા નિયમિતરૂપે દેખરેખ કરવામાં આવી રહી છે.

પ્રધાને માહિતી આપતા જણાવ્યું કે આ એકાઉન્ટ ભલે નિષ્ક્રિય થઇ ચૂક્યા છે, પરંતુ સક્રિય એકાઉન્ટની જેમ તેના પર વ્યાજ મળતું રહે છે અને એકાઉન્ટ ચાલુ કરાવીને તેમાંથી નાણા ઉપાડી શકાય છે. સરકારી આંકડાઓ અનુસાર યોજના અંતર્ગત લાભાર્થીઓના ખાતામાં કુલ ૨,૦૮,૬૩૭.૪૬ કરોડ રૂપિયા જમા છે અને લાભાર્થીઓને ૩૪૭.૧ મિલિયન રૂપે કાર્ડ પણ જારી કરવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button